હવેનો જમાનો વિકાસ અને ડિજિટલાઇઝેશનનો છે, ત્યારે કૃષિ ક્ષેત્રમાં પણ નવા નવા આવિષ્કાર જે થતા હોય તે બધાથી ખેડૂતોને માહિતગાર કરવા, સરકાર ખેતી સંવર્ધન માટે જે યોજનાઓ બનાવી રહી છે તેની જાણકારી આપવા અને તેના લાભાલાભથી કિસાનોને માહિતગાર કરવા અને બાગાયતી ખેતીના ફાયદા મેળવી નવું વાવેતર કઇ રીતે વધુ સારું મેળવી શકાય તેની માહિતી આપવા ખાસ તાલીમ શિબિર યોજવામાં આવી હતી જેમાં ખેડૂતોએ ઉમટી પડીને જાણકારી મેળવી હતી.
બાગાયતી યોજનાઓના પ્રચાર-પ્રસાર અર્થે સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લાના બે તાલુકા દીઠ બાગાયતી યોજનાઓની ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે ટંકારા તાલુકાના હળબટીયાળી ગામે અને વાંકાનેર તાલુકામાં વાંકાનેર ખાતે ખેતીવાડી ખાતાના અધિકારી, કર્મચારીઓ દ્વારા વિવિધ બાગાયત લક્ષી યોજનાઓ ની માહિતી આપવામાં આવી હતી.
ઉપરાંત બાગાયત ખાતાની નવી યોજનાઓ સહિતની માહિતી જેવી કે, મિશન મધમાખી, કોમ્પ્રીહેન્સિવ હોર્ટી કલ્ચર ડેવલપમેન્ટ યોજના તેમજ કમલમ ફળના નવા વાવેતર માટે ખેડૂતોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વધુમાં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ ખેડૂતો વધુમાં વધુ કઇ રીતે લઈ શકે તે વિશે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આત્મા દ્વારા પ્રાકૃતિક ખેતી તેમજ પાક વ્યવસ્થાપન, રોગ નિયમન વિશે માહિતી આપવામાં આવી હતી. આ શિબિરમાં ખેડૂતોએ ઉત્સાહથી ભાગ લીધો હતો અને આ માહિતીના ઉપયોગ થકી ખેતીને વધુ સમૃધ્ધ બનાવવાની ખાતરી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.