મોરબીમાં મેધરાજાની તોફાની બેટિંગ:ભારે વરસાદના કારણે મુખ્યમાર્ગો પર પાણી ફરી વળ્યા, વાંકાનેરમાં વીજળી પડતા ઇલેક્ટ્રિક વસ્તુઓને નુકશાન

મોરબી23 દિવસ પહેલા

મોરબીમાં લાંબા આરસા બાદ સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. મોરબીમાં છેલ્લા થોડા દિવસોથી ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે ધોધમાર વરસાદ પડતાં થોડી રાહત થઈ હતી. વાંકાનેરના કોટડાનાયાણી ગામે મકાન પર વીજળી પડતા ભારે નુકશાન થયું હતું. તેમજ મોરબીના મુખ્યમાર્ગો પર પાણી ભરાયા હતા જેથી વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.

ભાદરવે પડે ત્યાં પોટલાની કહેવત મોરબીમાં આજે પોટલાની જેમ સાંજે વરસાદ વરસી પડ્યો હતો. મોરબી શહેર અને વાંકાનેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડ્યો હતો અને મોરબી શહેરમાં ધોધમાર વરસાદના કારણે મુખ્યમાર્ગો પર પાણી ભરવાની સમસ્યા જોવા મળી હતી. વીજળીના કડાકા ભડાકાને પગલે ઘણા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. તેમજ અડધી કલાકમાં મોરબીને મેધરાજાએ ધમરોળ્યું હતું. જ્યારે વાંકાનેરમાં વરસાદ સાથે વીજળી પડી હોવાની માહિતી મળી હતી. જેમાં વાંકાનેરના કોટડાનાયાણી ગામે રહેતા રવીરાજસિંહ જાડેજાના મકાનની છત પર વીજળી પડતા નુકશાન થયું હતું. જેમાં ઇલેક્ટ્રિક વસ્તુઓ બળી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...