ટંકારાના રોજેરોજનુ રળી ખાનારા અનેક પરિવારના મોભી સભ્યોસહારા ઈન્ડિયામા ચાલતી દૈનિક બચત યોજનામાં દૈનિક બચત ખાતું ખોલાવી પેટે પાટા બાંધીને બચત કરતા હતા. પરંતુ મુદ્ત બાદ નાના બચતકારોને પોતાના રોકાણની વ્યાજ સાથે લાખો રૂપિયાની મુદલ છેલ્લા એકાદ વર્ષથી પરત મળી નથી. આ અંગે રોકાણકારોએ કલેકશન કરનારા એજન્ટનો સંપર્ક કરતા માત્ર આશ્ર્વાસન મળતા રોકાણકારોએ સ્થાનિક સહિત રાજકોટ ખાતે રીઝયન બ્રાંચ સુધી દોડાદોડી કરવા છતા હાલ કોર્ટ મેટર ચાલતી હોવાની વાત કરી તગેડી મૂકાતા હોવાની રાવ ટંકારાના 15 જેટલા નાના બચતદારોએ દિવ્યભાસ્કર સમક્ષ કરી હતી.
ટંકારામા વસતા અને છુટક શાકભાજી સહિતની ફેરી કરતા કમલેશભાઈ બાબુભાઈ, કમુબેન પ્રવિણભાઈ દેવીપુજક,ચંદાબેન ઈશ્વરભાઈ, મેરૂભાઈ બટુકભાઈ,મહિપત પુંજા,શૈલેષ બટુકભાઈ, નરોતમ લાખાભાઈ સહિતનાએ સિમીત આવકમાંથી અમુક રકમ બચત કરી હતી. મુદ્ત પૂર્ણ થવા છતાં નાણાં પરત ન મળતા લોકો ગિન્નાયા હતા.
હું રોજ 100 રૂપિયા બચાવતો, હવે જવાબ મળતો નથી
ટંકારાના શાકભાજીની છુટક ફેરી કરી જે વેપાર થાય એમાંથી ઘરે કરકસર કરી બાળકો ભણાવવા હું રોજ 100 રૂપિયા બચાવતો. મારા નાણા ગત જાન્યુઆરી -2022માં પાંચ વર્ષ થતા પાછા આવવાના હતા એક વર્ષ થયુ છતા આપતા નથી. ટંકારા અને રાજકોટ દોડીએ છીએ, કોઈ જવાબ દેતુ નથી. કોર્ટ કેસ હોવાથી વાર લાગશે આવુ સમજાવી કાઢી મૂકે છે.- કમલેશ બાબુભાઈ દેવીપુજક, રોકાણકાર
સેબી સાથે વિવાદ છે, જે ટૂંક સમયમાં ઉકેલાશે
ટંકારાના બચતદારોની થાપણ ફસાયા મામલે રાવ સાચી છે. સેબીએ પબ્લિકના નાણા ઉપર ૨૦ ટકા ટેક્સ લાદતા વિવાદ થતા સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ થયો હતો, જે તે વખતે કોર્ટ દ્વારા વહિવટ સેબીને સોંપવા હુકમ થતાં ૨૪ હજાર કરોડ સેબીને સોંપાયેલા પરંતુ સેબીએ તેમાંથી માત્ર ૧૮૦ કરોડની બચતદારોને ચુકવણી કરી હતી. બાકીનુ ચુકવણુ પેન્ડિંગ રહેતા સેબી પાસે નાણા પરત મુદ્દે વિવાદ ચાલતો હોય કોર્ટ માથી હુકમ થયે ચુકવણુ કરાશે.- રજાકભાઈ પરાસરા, ફ્રેન્ચાઈઝી મેનેજર સહારા ટંકારા શાખા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.