મોરબી પાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાઓ વધતી હોઇ, ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાએ ભૂગર્ભ ગટરની સાફ સફાઈ કરતી એજન્સીને નોટિસ આપી ખુલાસો માગ્યો હતો અને તેમાં એજન્સી પોતે આ કામ માટે અનુભવી ન હોય અને સાધનો વસાવવા સક્ષમ ન હોવાનો ખુલાસો કરતાં આજે ચીફ ઓફિસરે એજન્સીનો કોન્ટ્રાકટ રદ કર્યા હતો.જોવાની ખૂબી એ છે કે જે તે સમયે આ એજન્સીને કોન્ટ્રાક્ટ આપનારા પૂર્વ ચીફ ઓફિસરે ક્યા નિયમોના આધારે આ એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો હશે એ સવાલ ઉપસ્થિત થાય છે અને હવે આ મુદે આવનારા સમયમાં વિવાદ થવાના જબરા એેંધાણ વરતાઇ રહ્યા છે.
મોરબી શહેરના મોટા ભાગના વિસ્તારમાંથી ગત માસમાં 200 જેટલી ભૂગર્ભ ગટર ઉભરાવાની ફરિયાદ સામે આવી હતી. પાલિકા વિસ્તારમાં આવતી ફરિયાદોમાંથી 50 ટકા ફરિયાદનો જ નિકાલ થતો હોવાનું જાણમાં આવ્યું હતું. આ ઉપરાંત પમ્પીંગ સ્ટેશનની પણ યોગ્ય જાળવણી ન થતી હોવાથી ચીફ ઓફિસરે વઢવાણની એજન્સી હર્ષદીપ કન્સ્ટ્રક્શનને લેખિત નોટીસ આપી ખુલાસો માગ્યો હતો. અને કામગીરી સંતોષકારક ન જણાતાં વઢવાણની એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરાયો છે.
એજન્સી પાસે પૂરતા સાધનોની અછત, છતાં કોન્ટ્રાકટ મળી ગયો!
એજન્સીએ હાલ લેખિત ખુલાસામાં જણાવ્યું કે ભુગર્ભ સફાઈ કે પમ્પિંગ સ્ટેશનની સફાઈનો અનુભવ ન હોય તેમજ સાધનો વસાવાની કેપેસિટી નથી. આથી સવાલ એ થાય કે પુરતી ક્ષમતા ન હોવા છતાં અને બધું જાણતા હોવા છતાં પાલિકા દ્વારા આ એજન્સીને કયા આધારે કોન્ટ્રાકટ આપ્યો? શું પાલિકાના અધિકારીઓ કોન્ટ્રાકટ પાસ કરતી વખતે આંખે પાટા બાંધીને કોન્ટ્રાકટ આપતા હશે? તેવા સવાલ ઉઠ્યા છે. એજન્સીએ પોતે ખુલાસો કર્યો કે પોતાને આ બાબતનો કોઈ અનુભવ જ નથી તો પછી એજન્સીએ આટલો સમય સુધી મોરબી વાસીઓને પડતી મુશ્કેલી માટે જવાબદાર ગણી તેમના વિરુદ્ધ એક્શન લેવા પણ માંગ ઉઠી છે.
સિવિલ જોબ કરીએ, ડ્રેનેજનો અનુભવ નથી: એજન્સીનો ખુલાસો
સાફસફાઇ અંગેની ફરિયાદો વધતાં પોતાને મળેલી નોટિસ અંતર્ગત એજન્સીએ પોતાનો જવાબ રજૂ કર્યો હતો જેમાં તેણે એવો ખુલાસો કર્યો હતો કે જે તે વખતે ટેન્ડર ભરવામાં આવ્યું ત્યારે તેની પાસે ડ્રેનેજ સાફ સફાઈ કે મેન્ટેનન્સનો અનુભવ ન હતો તેમની એજન્સી સિવિલ વર્કના કામ કરતી હોય જેથી ડ્રેનેજ સાફ સફાઈ કે મેન્ટેન્સ કામગીરી યોગ્ય રીતે કરી શકી નથી. આ ઉપરાંત એજન્સીએ વસાવવાના થતા સાધનો અને વાહનો તેમજ સેફટી ગિયર્સના ખર્ચ વધારે થતા હોવાથી આ સાધનો પણ વસવાયા નથી ટેક્નિકલ ટીમનો પણ અનુભવ ન હોવાનું જણાવી પોતાનો કોન્ટ્રાકટ રદ કરવાની માગણી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.