તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મન્ડે પોઝિટિવ:હળવદના મેરૂપરની શાળા બની હરિયાળું શૈક્ષણિક ઉપવન

મોરબી14 દિવસ પહેલાલેખક: રોહન રાંકજા
  • કૉપી લિંક
  • મહામારીમાં શિક્ષકો અને લોકોએ શાળાની સિકલ બદલી
  • 5 વર્ષમાં એક પણ વિદ્યાર્થી ખાનગી શાળામાં નથી ગયો
  • 3800 ચોરસ મીટરમાં પથરાયેલી શાળામાં 4000 ચો.ફૂટમાં તો લોન પાથરવામાં આવી છે

સામાન્ય રીતે સરકારી શાળાનું નામ આવે એટલે લોકોના મનમાં એક અલગ જ પ્રકારની ઇમેજ ખડી થાય કે જ્યાંં ખખડધજ અને સામાન્ય ઇમારત હોય, બેસવાની બેંચના ઠેકાણા ન હોય, સામાન્ય ઓરડા હોય અને અન્ય સુવિધાની તો વાત જ નહીં કરવાની. પરંતુ એક સરકારી શાળા એવી છે કે જે શહેરની અત્યાધુનિક ખાનગી શાળાને ટક્કર મારે તેવી છે.

હળવદ તાલુકાના મેરૂપર ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશતા જ ચારે તરફ હરિયાળી જ દેખાય છે છેલ્લા નવ વર્ષથી અહીં આચાર્ય તરીકે ફરજ બજાવતા ધનજીભાઈ સુખાભાઈ ચાવડાએ તેમના શિક્ષકો અને ગ્રામજનોની મદદથી એક સરકારી શાળાને ખાનગી શાળા કરતાં સારી બનાવી દીધી છે.

મેરૂપર પ્રાથમિક શાળામાં 261 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને 10 શિક્ષકો છે ૩૮૦૦ ચોરસ મીટરમાં આવેલી આ સ્કૂલમાં ૪૦૦૦ ચોરસ ફૂટથી વધુ લોન પથરાયેલી છે, તે ઉપરાંત છાંયડો આપતા, પક્ષીઓને ખોરાક આપતા, ફળાઉ, શાકભાજી, ઔષધી, ફૂલો અને ડેકોરેટિવ પ્લાન્ટ મળીને ૭૦ જાતના ૧૩૦૦ થી વધુ છોડ વૃક્ષો છે. અહીં ઉગતા શાકભાજી મધ્યાહન ભોજનમાં ઉપયોગમાં લેવાય છે 16 સીસીટીવી કેમેરાથી સજ્જ આ કેમ્પસમાં વિજ્ઞાન તાલીમ શાળા, એસી કોમ્પ્યુટર લેબ, વન કુટીર તથા પુસ્તકાલય પણ છે.

શાળામાં ૫૦ જેટલા પક્ષીઓ માટેના નેચરલ માળા લગાવ્યા છે.
શાળામાં ૫૦ જેટલા પક્ષીઓ માટેના નેચરલ માળા લગાવ્યા છે.

આ શાળામાં જવાહર નવોદય વિદ્યાલય તથા NMMSની તૈયારી પણ કરાવાય છે. જેને પગલે અત્યાર સુધીમાં ૩૬ બાળકો નવોદયમાં અને 25 બાળકો NMMSમાં મેરીટમાં આવી ચૂક્યા છે. શાળાની અંદર જ કબડ્ડી અને ખોખોનું મેદાન છે. જેમાં તાલીમ પામીને છેલ્લા પાંચ વર્ષથી છોકરાઓ તથા છોકરીઓની ટીમ ખેલ મહાકુંભમાં કબડ્ડી તથા ખોખોમાં રાજ્ય કક્ષાએ પહોંચતી આવી છે. આ શાળા IITE દ્વારા શ્રેષ્ઠ ગાર્ડનીંગ સ્કૂલમાં પણ ટોપ ફાઇવમાં પસંદગી પામી ચૂકી છેે. આ ઉપરાંત શાળા સ્વચ્છતા એવોર્ડથી પણ સન્માનિત થઇ છે.

મોરબી જિલ્લાના છેવાડે અને સુરેન્દ્રનગર જિલ્લાને અડીને અાવેલા હળવદના નાના એવા મેરૂપર ગામની શાળા કોઇ મેગા સિટીની ખાનગી શાળાને પણ ટક્કર આપે તેવી બનાવાઇ છે. અહીં પગ મૂકતાંની સાથે જ બાળકો તો ઠીક, વાલીઓના મન મોહિત થઇ જાય તેવો કુદરતી માહોલ રચાયો છે.એક વાર મુલાકાતે આવે તેમને વારંવાર અહીં આવવાનું મન થઇ જાય તેવી હરિયાળી આ શાળામાં ખીલી છે. અને સાૈરાષ્ટ્રની એક માત્ર આવી શાળા બની છે કે જેને શિક્ષણનું ઉપવનની ઉપમા અપાય તો પણ ઓછી લાગે.

80 ટકા બાળકો કમ્પ્યુટર પર કામ કરતા શીખ્યા
આ શાળામાં 11 કોમ્પ્યુટર સાથેની કોમ્પ્યુટર લેબ છે, જેમાં એક દાતાએ એસી ફીટ કરાવી દીધું છે. જેમાં વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરની તાલીમ આપવા એક નિષ્ણાંત રખાયા છે, જેને એક મહિનાનો પગાર આ શાળાના શિક્ષકો પોતાના ખિસ્સામાંથી આપે છે અને બાકીના મહિનાઓના પગાર ગ્રામજનો આપે છે જેના પરિણામે આ શાળાના ૮૦ ટકા બાળકો વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ પર કામ કરતા થઇ ગયા છે.

10000 રોપાઓની નર્સરી
વનવિભાગના સહકારથી શાળાના કંપાઉન્ડમાં જ 10000 રોપાઓની નર્સરી બનાવવામાં આવી હતી. જેમાં ૯ જાતના રોપાઓ તૈયાર કરાયા હતા. આ માટે ગ્રીનહાઉસ પણ શિક્ષકોએ જાતે તૈયાર કર્યું હતું. આ રોપાઓનું વિતરણ કરી નાખવામાં આવ્યું છે અને ચાલુ વર્ષે ૧૨ હજાર રોપાઓની નર્સરી બનાવવામાં આવશે.આ રોપા માટેનું ખાતર પણ શાળાના કેમ્પસમાં જ તૈયાર કરવામાં આવે છે.

વિદ્યાર્થીઓ માટે નવતર પ્રયોગો
આ શાળામાં દર મહિને સ્ટુડન્ટ ઓફ ધ મન્થ, બેસ્ટ પ્રેઝેન્ટર, બેસ્ટ બિહેવિયરના એવોર્ડ અપાય છે. જેમાં સૌથી વધુ હાજરી હોય એવા વિદ્યાર્થીઓને બેસ્ટ પ્રેઝેન્ટરનો એવોર્ડ અપાય છે. આ ઉપરાંત શિક્ષક ધર્મેન્દ્ર ભુંભરીયા દ્વારા “આપકા શિક્ષક, આપકે દ્વાર” નામનો પ્રયોગ શરૂ કરાયો છે જે અંતર્ગત શિક્ષક રોજ પાંચ વાલીઓના ઘરે જાય છે અને અભ્યાસ, રસ-રુચિ, વર્તન અને આદતો વિશે જાણીને માર્ગદર્શન આપે છે.

શાળાને મળેલા એવોર્ડના પૈસાથી બાળ ક્રિડાંગણ બનાવાયુું
આ શાળામાં બાળકો માટે હિંચકા, લપસિયા જેવી વસ્તુઓ નહોતી. તેથી શાળાના આચાર્ય ધનજીભાઈ ચાવડાએ પોતાને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે મળેલા સન્માનની રકમ ખર્ચીને સરસ આધુનિક બાળ ક્રીડાંગણ તૈયાર કરાવ્યું છે. આ ઉપરાંત શાળામાં ૫૦ જેટલા પક્ષીઓ માટેના નેચરલ માળા લગાવ્યા છે. જેમાંથી મોટાભાગનામાં પક્ષીઓ રહે છે. આથી અહીં ભણવા આવતા બાળકોને પંખીઓની પણ ઓળખ અહીંથી જ મળી રહે છે.

અન્ય સમાચારો પણ છે...