આપઘાત:હળવદના LRD જવાને ચૂંટણી ફરજ માટે અપાયેલી સરકારી રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કર્યો

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૃતક LRD પોલીસકર્મી અનિલ ડાભીની ફાઈલ તસવીર - Divya Bhaskar
મૃતક LRD પોલીસકર્મી અનિલ ડાભીની ફાઈલ તસવીર
  • 6 મહિના પહેલા જ LRD જવાનના લગ્ન થયા હતા

મોરબી જિલ્લાના હળવદમાં LRD જવાને ચૂંટણી ફરજ માટે આપવામાં આવેલી સરકારી રિવોલ્વરથી ગોળી ખાઈ આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. હળવદના સાપકડાં ગામના વતની અને લોકરક્ષક તરીકે મોરબી જિલ્લામાં ફરજ બજાવતા અનિલ દાનાભાઈ ડાભીએ કોઈ કારણોસર આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાઈ ગયો છે. હાલ તો LRD જવાનનાં મૃતદેહને પીએમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ફાયરિંગનો અવાજ આવતા પરિવારજનો દોડી ગયા હતાં
ઘટનાની વિગત અનુસાર હળવદના સાપકડાં ગામના વતની અને લોકરક્ષક તરીકે મોરબી જીલ્લામાં ફરજ બજાવતાં અનિલ દાનાભાઈ ડાભીએ પોતાને ચૂંટણી ફરજ માટે આપવામાં આવેલી સરકારી રિવોલ્વરમાંથી ગોળી ધરબી આત્મહત્યા કરી લીધી છે. ગત રાત્રે 10-30 વાગ્યાની આસપાસ LRD પોલીસકર્મી અનિલ ડાભી પોતાના હળવદના સાપકડાં ગામે પોતાના ઘરે હતા. ત્યારે અચાનક જ ફાયરિંગનો અવાજ આવતા પરિવારજનો દોડી ગયા હતાં. જવાનને ગંભીર હાલતમાં હળવદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે ત્યાં સારવાર મળતા પહેલા જ તેનું મોત નિપજ્યું હતું.

આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
બનાવની જાણ થતાં જ હળવદ પોલીસ ,મોરબી SP એસ.આર.ઓડેદરા, Dysp રાધિકા ભારાઈ સહિતનો પોલીસ કાફલો હળવદ દોડી ગયો હતો અને મૃતદેહને હળવદ હોસ્પિટલ બાદ પીએમ માટે ફોરેન્સિક લેબ માટે રાજકોટ ખાતે ખસેડાયો હતો. મહત્વનું છે કે અનિલ ડાભીના 6 માસ પૂર્વે જ લગ્ન થયા હતા. ત્યારે અચાનક તેણે આ પગલું ભરી લેતા પરિવારમાં આક્રંદ છવાયો છે. હાલ બનાવનું કારણ જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.