ટ્રકનું એન્જીન ફેલ થતા દારૂ પકડાયો...
પંજાબના અમૃતસરથી ટ્રકમાં માટીની આડમાં દારૂનો જથ્થો છુપાવીને લાવવામાં આવતો હતો. જે માળિયા હાઈવે પર પહોંચતા પોલીસે ટ્રકની તલાશી લેતા ટ્રકમાંથી 6960 બોટલ ઈંગ્લીશ દારૂનો 33 લાખથી વધુની કિંમતનો જથ્થો મળી આવતા પોલીસે ટ્રક અને દારૂ સહીત 43.17 લાખનો જથ્થો જપ્ત કરી એક ઈસમને ઝડપી લીધો છે.
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન કંડલા માળિયા નેશનલ હાઇવે રોડ પર બાબા રામદેવ હોટેલ ગ્રાઉન્ડમાં એક ટ્રકઉભી હતી. જે ટ્રકમાં માટીની આડમાં ચોરખાનામાં દારૂનો જથ્થો છુપાવેલો હોય તેવી માહિતી મળતા ટીમે સ્થળ પર રેઇડ કરી હતી. ટ્રકની તલાશી લેતા ટ્રકમાં છુપાવી રાખેલો લાખોનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ટ્રકમાંથી પોલીસે ઓલ સીઝન વ્હીસ્કી બોટલ નંગ 3120 કિંમત રૂ.18.72 લાખ, મેકડોવેલ્સ વ્હીસ્કી બોટલ નંગ 3840 કિંમત રૂ 14.40 લાખ, ટ્રક કિંમત રૂ.10 લાખ, માટી 10 ટન અને મોબાઈલ કિંમત રૂ.૫ હજાર મળીને કુલ રૂ.43,17,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
દારૂનો જથ્થો જપ્ત કરી ટ્રકચાલક પુનમાંરામ લાલારામ જાખડ (ઉ.વ.35) રહે. રાજસ્થાન વાળાને ઝડપી લીધો છે. તો ભુરારામ જાટ રહે. જોધપુર રાજસ્થાન વાળાનું નામ ખુલતા આરોપી વિરુદ્ધ માળિયા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાડીના ચાલકે રાજસ્થાનથી માટી ભરી બાદમાં પંજાબના અમૃતસરે ટ્રક લઇ ગયો હતો. જ્યાં માટીની આડમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો એક ઇસમેં ભરી આપ્યો હતો. તે લઈને પંજાબથી નીકળી ગુજરાત આવ્યો હતો અને ગુજરાતમાં પણ ટ્રક ઘુસાડવામાં સફળ થયો હતો. છેક માળિયા હાઈવે પર ટ્રક પહોંચી ત્યારે ટ્રકનું એન્જીન ફેઈલ થતા ગાડી રીપેરીંગ કરાવવા ઉભી રાખી હતી. ત્યારે પોલીસે દારૂ ભરેલી ટ્રક ઝડપી લીધી હતી.
બેલા ગામ નજીકથી અધધધ દારૂનો જથ્થો ઝડપાયો...
મોરબી એલ.સી.બી. પોલીસની ટીમે ચોક્કસ બાતમીના આધારે બેલાગામની સીમમાં આવેલી સાંઇ ઇન્ડસ્ટ્રીમાં પવનસુત ઓફસેટ પ્લોટ નંબર-02 વાળા ગોડાઉનમાં દરોડા પાડતા એક પીકઅપ વાન મળી આવી હતી. જેની તલાશી લેતા તેમાંથી રૂપિયા 15.19 લાખથી વધુની કિંમતની વિદેશી દારૂની 3780 બોટલ ઝડપાઇ હતી. જ્યારે ગોડાઉનના માલિક અને ટ્રક ડ્રાઇવર હાજર મળી ન આવતા પોલીસે તેને કાયદાના સકંજામાં લેવા પોલીસે તજવીજ હાથ ધરી હતી. બીજા બનાવમાં તાલુકા પોલીસે લાલપર ગામની સીમમાં બાવળની કાંટમાં છુપાવીને રાખેલા વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એલસીબી પોલીસ તથા પેરોલ ફર્લો સ્કવોડના પોલીસકર્મીઓ પેટ્રોલીંગમાં હતા. એ દરમિયાન રાજકોટમાં રહેતા ફીરોજ હાસમ મેણુ તથા તેનો ભાગીદાર ધવલ રસીક સાવલીયા બેલાગામની સીમમાં આવેલ સાંઇ ઇન્ડસ્ટ્રીમાં આવેલા પવનસુત ઓફસેટ પ્લોટ નંબર-02 વાળા ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો પરપ્રાંતમાંથી મંગાવી તેનો સંગ્રહ કરી વિદેશી દારૂનો વેપલો ચલાવે છે. તેના આધારે પોલીસે ઘટનાસ્થળે દરોડા પાડ્યા હતા.
જ્યાં રૂપિયા પાંચ લાખની મહીન્દ્રા કંપની બોલેરો પીકઅપ મળી આવી હતી. તથા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની રૂપિયા 15,19,320 લાખની કિંમતની વિદેશી દારૂની 3780 બોટલો મળી આવી હતી. જ્યારે આરોપીઑ સ્થળ પર હજાર ન હતા.જેથી પોલીસે દારૂની બોટલ અને બોલેરો પીકઅપ વાન સહિત રૂપિયા 20,19,320 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી ફીરોજ, ધવલ અને બોલેરોના ડ્રાઈવર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બાવળની કાંટમાંથી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા...
બીજા બનાવમાં મોરબી તાલુકા પોલીસ મથક ટીમ લાલપર ગામની સીમમાં આવેલા શૈલેષ કાંટા પાછળ બાવળની કાંટમાં બે શખ્સોએ વિદેશી દારૂ અને બીયરનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડતા ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ 60 કિંમત રૂ.25,200, બીયરના ટીન નંગ 48 કિંમત રૂ.4800 અને પાઉંચ નંગ 96 કિંમત રૂ.9600 સાથે આરોપી જગદીશ સાધા સવસેટા અને મોહિતસિંહ અશોકસિંહ જાડેજાને પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.