બાંગ્લાદેશી ઘુષણખોર 6 દિવસના રિમાન્ડ પર:પાસપોર્ટ-વિઝા વિના ભારતમાં ઘુસી આવ્યો હતો; હળવદ પોલીસે આરોપીને ઝડપી લીધા બાદ કોર્ટમાં રજુ કર્યો હતો

મોરબી6 દિવસ પહેલા
  • કૉપી લિંક

હળવદ શહેરના દરબાર નાકા મેઈન બજાર પાસેથી રખડતા ભટકતા ઈસમને પોલીસે ઝડપી લીધો હતો. જે ઇસમ બાંગ્લાદેશી હોવાનું ખુલ્યું હતું અને પાસપોર્ટ કે વિઝા વિના જ દેશમાં ઘુસી આવ્યો હોવાથી પોલીસે આરોપી વિરુદ્ધ ફોરેનર્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી હતી. આરોપીને કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે 6 દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે.

હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન દરબાર નાકા મેઈન બજાર પાસે એક અજાણ્યો ઇસમ રખડતો ભટકતો મળી આવ્યો હતો. જેની પૂછપરછ કરતા ઇસમ કંઈ જણાવતો ન હતો અને તેની ભાષા બાંગ્લાદેશી જેવી જણાઈ આવતા પૂછપરછ માટે પોલીસ મથક લાવવામાં આવ્યો હતો.

ત્યારબાદ એસઓજી ટીમને સાથે રાખી બાંગ્લા ભાષા જાણતા માણસોને સાથે રાખી પૂછપરછ કરતા ઇસમેં પોતે તુહજલ ઉર્ફે ડેવિડરવિ મુસ્લિમ હુશેન (ઉ.વ.26) રહે જિલ્લો છટ્ટોગ્રામ કોર્નોપુરી બાંગ્લાદેશ વાળો હોવાનું ખુલ્યું હતું. જેની પાસે મોબાઈલ નથી, તેમજ ભારતમાં પ્રવેશ કરવા અંગે પાસપોર્ટ, વિઝા કે અન્ય કોઈ કાગળો રજુ કરવા જણાવતા તે કાગળો પણ નહિ હોવાનું જણાવ્યું હતું.

આ ઇસમ ભારતના અલગ અલગ રાજ્યમાં ફરીને છેલ્લે હળવદ પોલીસ મથક વિસ્તારમાં રખડતો ભટકતો મળી આવ્યો હતો. જેથી આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફોરેનર્સ એક્ટ 1946ની કલમ 14 A (a) (b) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ઝડપાયેલા બાંગ્લાદેશી ઈસમને આજે કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીના 6 દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે. જે રિમાન્ડ દરમિયાન પોલીસ ટીમ બાંગ્લાદેશી ઇસમની સઘન પૂછપરછ કરશે અને કયા ઈરાદે ઇસમ ભારત દેશમાં પાસપોર્ટ-વિઝા વિના ઘુસી આવ્યો છે, તેની તપાસ ચલાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...