ફાયદો:ગુજરાત ગેસના ભાવમાં ક્યુબિક મીટરે રૂ.7 ઘટ્યા

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્રૂડ ઓઇલ સસ્તું થતા સિરામિક ઉદ્યોગને ફાયદો
  • વપરાશકારોએ રૂ.53ના બદલે રૂ.47 ચૂકવવા પડશે

મોરબીના સિરામિક ઉદ્યોગને ફાયદો કરતી જાહેરાત અંતે ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા કરવામાં આવી છે. સિરામિક ઉદ્યોગકારોને પાઇપલાઇન થકી પુરો પાડવામાં આવતા નેચરલ ગેસના ભાવમાં પ્રતિ ક્યુબિક રૂપિયા 7નો ઘટાડો કરવામાં આવ્યો છે અને આ ઘટાડાની સાથે ઉદ્યોગકારોને જબરદસ્ત ફાયદો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટતા ગુજરાત ગેસ દ્વારા તેનો સીધો જ ફાયદો મોરબીના સિરામિક ઉદ્યોગ જગતને પાસ ઓન કરવામાં આવ્યો છે.

યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધ બાદ મોરબી સિરામિક ઉદ્યોગ જગતની મહત્વની જરૂરિયાત એવા નેચરલ પાઇપલાઇન ગેસના ભાવમાં બમણા જેટલો વધારો થયા બાદ ધીમે ધીમે ગેસના ભાવમાં ઘટાડો થવાનું શરૂ થયું છે જેમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ ઘટતા આજે ગુજરાત ગેસ કંપની દ્વારા મોરબી સિરામિક ક્લસ્ટર માટે આપવામાં આવતા નેચરલ ગેસના ભાવમાં રૂપિયા 7નો ઘટાડો કરવામાં આવ્યો હોવાનું ગુજરાત ગેસના સતાવાર સૂત્રોએ જણાવ્યું છે.

ગુજરાત ગેસ દ્વારા નેચરલ ગેસના ભાવમાં રૂપિયા 7ના ઘટાડા અંગે જાણ કરવામાં આવી છે. અગાઉ રૂપિયા 8.50ના ભાવ ઘટાડા બાદ નેચરલ ગેસના ભાવ 53 થયા હતા. જેમાં આજે વધુ રૂપિયા 7નો ઘટાડો કરવામાં આવતા હવે ડોલરના ભાવની વધઘટ મુજબ અંદાજે 46થી 47 રૂપિયા જેટલા ભાવે ઉદ્યોગકારોને ગેસ મળી શકશે. આમ નવા વર્ષના પ્રારંભે જ ગેસના ભાવમા ઘટાડો થતા ઉદ્યોગકારોને મંદીના કપરા સમયમાં થોડી રાહત મળી શકશે.

અન્ય સમાચારો પણ છે...