તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ:કાળા ઘઉંનું વાવેતર કરી ધોળી કમાણીનો વધતો કારોબાર

મોરબી13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશથી ખાસ બિયારણ મગાવી સૌરાષ્ટ્રના મોરબી, જેતપુર અને ટંકારા પંથકના ખેડૂતોએ આવકારદાયક પ્રયોગ કર્યો

મોરબીના રાજપર ગામે ખેડૂતે 15 વીઘામાં કાળા ઘઉં વાવ્યા
મોરબીના રાજપર ગામે રહેતો એક યુવાન ખેતી કરે છે, ખેતીમાં વિવિધ પ્રયોગો અને સંશોધન કર્યા છે ચાલુ વર્ષે તેણે સામાન્ય ઘઉંના બદલે કાળા ઘઉંનું વાવેતર કર્યું છે. રાજપર ગામે રહેતા ઉપેન્દ્ર નારણભાઈ સનારીયા ડિપ્લોમા એન્જિનિયર છે પરંતુ જૈવિક ખેતીમાં ખૂબ રસ ધરાવતા હોવાથી તેમની પત્ની સાથે ફુલટાઈમ ખેતી કરે છે. તેમની પાસે 15 વીઘા જમીન છે. કૃષિ વિષયક મેગેઝીન અખબાર અને ઈન્ટરનેટ પરથી વિવિધ માહિતી મેળવી તેઓ ખેતીમાં પ્રયોગો કરતા રહે છે. છેલ્લા ત્રણ વર્ષથી તેઓ સંપૂર્ણ ઓર્ગેનિક શાકભાજી વાવે છે. આ વર્ષે તેમણે કાળા ઘઉં વાવ્યા છે.આ અંગે ઉપેન્દ્રભાઈ જણાવે છે કે આ ઘઉંનું સંશોધન પંજાબમાં થયું છે મધ્યપ્રદેશમાં તેનું વાવેતર થાય છે. મેં મધ્યપ્રદેશથી બિયારણ મંગાવ્યું હતું. સામાન્ય ઘઉં કરતાં હાલમાં બિયારણનો ભાવ ચાર ગણો છે. સામાન્ય ઘઉં કરતા આ ઘંઉમાં પોષણ ખૂબ વધારે હોય છે.

એનાલિસિસ બાદ તારણ આવશે
આ ઘઉંનું ઉત્પાદન પ્રતિ વિઘાએ સામાન્ય ઘઉં જેટલું જ આવે છે. હજુ ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોએ આવા ઘઉંનું વધારે પ્રમાણમાં વાવેતર કર્યું નથી એટલે બિયારણ નો ભાવ વધુ છે થોડા સમયમાં ભાવ ઘટી જશે. ન્યુટ્રિશનની દ્રષ્ટીએ સારા હોવાનું મનાય છે, પરંતુ એક પાક આવી જાય પછી કૃષિ યુનિવર્સિટી દ્વારા તેનું એનાલિસિસ થશે પછી ચોક્કસ તારણ પર આવી શકાશે.> દિલીપ સરડવા, કૃષિ વૈજ્ઞાનિક, મોરબી

​​​​​​​હડમતિયામાં કિસાને ચાર વીઘામાં મેળવ્યો સારો ઉતારો
ટંકારા તાલુકાના હડમતિયા ગામના મનિષભાઇ અવચરભાઇ ડાકા નામના ખેડૂતે વર્તમાન સમય વરતીને ખેતીમાં બદલાવ લાવવા કાળા ઘઉં વાવવાનો પ્રયત્ન કર્યો અને ચાર વીઘામાં વાવેતર કરીને સારો ઉતારો પણ મેળવ્યો. તેમણે આ અંગે જણાવ્યુ હતુ કે,રોજીંદી ખેતીમા વવાતા લોકલ ઘઉં કરતા બિયારણ મોંઘુ છે.ઉતારો ઓછો છે.પરંતુ વળતર વધુ હોવાથી સામાન્ય ઘઉં કરતા કમાણી વધવા સાથે પોષક તત્વો વધુ છે. પધ્ધતિમાં ખાસ કંઈ બદલાવ લાવવો પડ્યો નથી. તેમણે ગોંડલથી આવા ઘઉંનું બિયારણ 2000ના ભાવે લીધું હતું અને સરેરાશ એક વિઘામા ૪૦ થી ૫૦ મણનો ઊતારો મેળવ્યો. ગામડાના અન્ય ખેડુત કેશવજી પ્રાગજી કામરીયાએ પણ કાળા ઘઉંનું આ વર્ષે વાવેતર કરીને સારો ઉતારો લીધો.

કાળા ઘઉં સ્વાસ્થ્ય માટે ગુણકારી
એન્થોસાઈનીન ઉપરાંત કાળા ઘઉંમાં ઝીંક,વિટામીન અને આયર્નનું પ્રમાણ સામાન્ય ઘઉં કરતા 50 % વધારે હોય છે. જાંબુ અને લૂબેરી જેવા કેટલાક ફળોની મદદથી કાળા ઘઉંના બીજ તૈયાર કરવામાં આવતા હોવાનું કહેવાય છે. વિટામિન-ઈનો સારો સ્ત્રોત છે.કાળા ઘઉંના ઉપયોગથી મોટાપો ઘટે છે. હૃદય રોગ અટકાવવા, બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા, સારા કોલેસ્ટેરોલનું સ્તર વધારવા, ડાયાબિટીસ અને કેન્સર સામે લડત આપવા તેમજ બાળકોમાં કુપોષણની માત્રા ઘટાડવા જેવા ગુણ હોવાનું જાણવા મળ્યુ હતુ. પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ સહિતના રાજયોમાં કાળા ઘઉંનુ વાવેતર વધ્યુ છે.

જેતપુરના ખીરસરામાં શરૂ કરી આરોગ્યપ્રદ ઘઉંની ખેતી
સામાન્ય રીતે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સોનેરી રંગના ઘઉંની ખેતી કરવામાં આવે છે, પરંતુ હવે કાળા રંગના ઘઉંની ખેતી પણ અહીં શરૂ થઈ ગઈ છે. જેતપુર તાલુકાના ખીરસરા ગામના ખેડૂતોએ કાળા ઘઉંનું વાવેતર કર્યું હતું, જે નફાકારક સાબીત થઇ રહ્યું છે. ખીરસરા ગામના રહેવાસી પ્રતાપભાઈ વાંક એ પોતાના ખેતરમાં પાંચ વિઘામાં આ ખાસ પ્રજાતીના ઘઉંનું વાવેતર કર્યું છે.

આ ઉપરાંત વીનુભાઈ કથીરિયાએ પણ તેમના ખેતરમાં એક પ્રયોગ રૂપે કાળા ઘઉંના પાકનું વાવેતર કર્યું છે. પ્રતાપભાઈ વાંક એ જણાવ્યું હતું કે તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી કાળા ઘઉં વિશે માહિતી મળી હતી. ત્યારબાદ તેમણે ભ્યાળ ગામમાંથી આ વિશિષ્ટ જાતિના ઘઉંના બીજ મેળવ્યા હતા. પ્રતાપભાઈએ જણાવ્યું હતું કે એક વિઘામાં 40 થી 45 મણની ઉપજ થાય છે.

તેમણે ઉમેર્યું હતું કે શરૂઆતમાં તેની ડુંડી પણ સામાન્ય ઘઉંની જેમ લીલી હોય છે, પણ અનાજનો રંગ પાકે ત્યારે તે કાળા થઈ જાય છે. ફળો, શાકભાજી અને અનાજનો રંગ તેમાં રહેલા છોડના રંગદ્રવ્યો અથવા રંગદ્રવ્યના કણોની માત્રા પર આધારિત છે. કાળા ઘઉંમાં એન્થોસાઇનીન નામના રંગ દ્રવ્ય હોય છે જેના લીધે ફળ કે શાકભાજી કે અનાજનો રંગ કાળો થઇ જાય છે. ઉલ્લેખનીય છે કે અત્યારે આ આરોગ્યપ્રદ ઘઉંના લોટની કિંમત પ્રતિ કિલો રૂ.250 છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો