પરીપત્ર જાહેર:મોરબીને મેડિકલ કોલેજનો માર્ગ મોકળો, વર્ગ-1 થી 4ની 529 જગ્યા ભરવા મંજૂરી

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યની પાંચ મેડિકલ કોલેજમાં ખાલી પડેલી 2537 જગ્યા ભરવા રૂ.206.25 કરોડ મંજૂર
  • આગામી શૈક્ષણિક સત્ર શરૂ થાય ત્યાં સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી લેવા સૂચના

મોરબી જિલ્લાને ફાળવવામાં આવેલી સરકારી મેડીકલ કોલેજ શરુ થવાના માર્ગમાં આવી રહેલા અંતરાય હવે દુર થવાં લાગ્યા હોય તેમ લાગી રહ્યું છે. આ અગાઉ મોરબી જિલ્લાની સરકારી મેડિકલ કોલેજ તાપી જિલ્લાને ફાળવી દેવામાં આવી હોવા અંગેનો એક પરિપત્ર સામે આવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. અને આ સાથે વિપક્ષને પણ જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ આકરો વિરોધ કરતા અંતે સરકારે નમતું જોખવુ પડ્યુ હતું અને ફરી મોરબીને ગ્રીન ફિલ્ડ મેડિકલ કોલેજ આપવા તજવીજ હાથ ધરી હતી.

હાલ રાજય સરકારે મોરબી સહિત રાજ્યની મંજુર થયેલી 5 સરકારી મેડીકલ કોલેજ માટે જગ્યા ભરવાની પ્રકિયા હાથ ધરવામાં આવી છે. જગ્યા ભરવાની પ્રક્રિયા અંગે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા એક પરીપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

જાહેર કરવામાં આવેલા આ પરિપત્રમાં મોરબી ઉપરાંત રાજપીપળા, નવસારી, ગોધરા અને તાપી જિલ્લામાં મેડીકલ કોલેજને મંજૂરી આપવામાં આવી છે આ પાંચેય જિલ્લાની સરકારી હોસ્પિટલને અપગ્રેડ કરી ગુજરાત મેડીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી (GMERS) હસ્તકની નવી મેડીકલ કોલેજમાં જરૂરી વર્ગ 1થી4 ની એક કોલેજ દીઠ 723 જગ્યા એમ 5 કોલેજ મળી 3625 જગ્યા મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત જ્યાં મેડિકલ કોલેજ મંજૂર થઇ છે તે દરેક જિલ્લામાં એક તબીબ અધિક્ષકની જગ્યા ભરવાની પણ મંજૂરી આપવામાં આવી છે.

નવી જગ્યામાં નેશનલ મેડીકલ કમિશનના નિયમ મુજબ બાકી રહેતી મોરબી સહિતની પાંચેય મેડિકલ કોલેજ માટે જરૂરી વર્ગ-1 અને વર્ગ-2 તથા વર્ગ-3 અને વર્ગ-4 માટે કુલ 2537 નવી જગ્યાઓ મંજૂર કરી આગામી શૈક્ષણિક સત્રથી નવી મેડિકલ કોલેજ શરૂ કરવા ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી લેવા રૂ. 206.25 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. મોરબી સરકારી હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજ માટે નવી 529 જગ્યાઓ મંજૂર થઇ છે. જો કે, આ ઠરાવમાં વર્ગ-4ની તમામ જગ્યાઓ જેટલી મંજૂર થઈ હોય તેમાં કાયમી ભરતી ન કરવા અને આઉટસોર્સથી ભરતી કરવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે જે તે સમયે મોરબીને ગ્રીન ફિલ્ડ કોલેજ આપવાના નિર્ણયને બાદમાં ફેરવી તોળાયો હતો અને બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજ આપવાનો તખ્તો ઘડાતાં તેનો જબરો વિરોધ થયો હતો અને અંતે સરકારે નમતું જોખવું પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...