બેઠક:મોરબી પાલિકાનું કાલે જનરલ બોર્ડ

મોરબી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 9 મહિનાથી એક પણ બોર્ડ ન બોલાવનારા ‘સેવકો’ના પગ તળે સુપરસીડ થવાની શક્યતાથી રેલો

મોરબીના ઝૂલતો પુલ દુર્ઘટનામાં નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓની બેદરકારીને પગલે નગરપાલિકા સુપરસીડ કરવાની હિલચાલ વચ્ચે ૧૮ જાન્યુઆરીના રોજ સરકાર તરફથી નગરપાલિકાને સુપરસીડ કેમ ન કરવી તેનો જવાબ આપવા કારણદર્શક નોટિસ આપવામા આવી છે ત્યારે આગામી તા. ૨૩ ના રોજ પાલિકાની સામાન્ય સભા મળશે અને આ સભામાં શહેરી વિકાસ વિભાગ દ્વારા ફટકારવામાં આવેલી કારણદર્શક નોટિસનો જવાબ આપવા અંગેનો એજન્ડા મૂકવામાં આવશે.

સભ્યો દ્વારા સહમતી સાથે લીગલ એડવાઈઝરની સલાહ મુજબ જવાબ તૈયાર કરી તેનો ઠરાવ પાસ કરવામાં આવશે અને આ ઠરાવ ૨૫ જાન્યુઆરી પહેલાં શહેરી વિકાસ વિભાગમાં સુપરત કરવામાં આવનાર હોવાનું સુત્રોએ જણાવ્યું છે. 30 ઓક્ટોબરની સાંજે બનેલી ગોઝારી ઝૂલતા પુલની દુર્ઘટનામાં ૧૩૫ લોકોનો ભોગ લેવાયો હતો, જે બાદ રાજ્ય સરકાર પર હાઇકોર્ટ દ્વારા આ દુર્ઘટના મામલે કડક એક્શન લેવાનું દબાણ કરવામાં આવતા સરકાર દ્વારા પાલિકાને સુપર સિડ કરવા અંગેની આખી પ્રોસેસ હાથ ધરી હોવાનો લેખિત જવાબ રજૂ કર્યો હતો.

પરંતુ તેમાં પણ લાંબા સમય સુધી કોઇ હિલચાલ ન દેખાતા અને હાઇકોર્ટની ટકોરના પગલે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા તા. ૧૮ જાન્યુઆરીના રોજ નગરપાલિકાના પ્રમુખને કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી હતી જેમાં જણાવ્યું છે કે નગરપાલિકાને જે જવાબદારી સોંપવામાં આવી છે તે જવાબદારી નિભાવી શકે તેમ ન હોય અને ચૂંટાયેલી પાંખ સામાન્ય સંજોગોમાં પોતાની પ્રાથમિક ફરજો બજાવવામાં અસમર્થ છે જેથી મોરબી નગરપાલિકાને તેની કામગીરી કરવામાં અસમર્થ હોવાનું જાહેર કરવાનો અને મોરબી નગરપાલિકાને વિસર્જિત કરવાનો હુકમ સરકારે શા માટે જાહેર કરવો નહિ તે અંગે તા. ૨૫ સુધીમાં નગરપાલિકાના સામાન્ય સભાના ઠરાવ સ્વરૂપે લેખિત ખુલાસો કરવા જણાવવામાં આવ્યું છે.નોટિસના આધારે પાલિકા પ્રમુખ કે. કે. પરમારે તા.૨૩ જાન્યુઆરીના રોજ જનરલ બોર્ડ બોલાવવાનું નક્કી કર્યું છે અને આ અંગે પાલિકાના તમામ કાઉન્સિલરને એજન્ડાની કોપી મોકલી સભામાં હાજર રહેવા જણાવાયું છે.

સામાન્યસભા પુર્વે બંધબારણે મિટિંગ મળે તેવી સંભાવના
સોમવારે યોજાનારી સામાન્ય સભા પહેલાં ચૂંટાયેલા સભ્યોને વિશ્વાસમાં લેવા પક્ષ અથવા ખુદ પાલિકાના હોદેદારોની રવિવારે બંધ બારણે મિટિંગ મળે તેવી સંભાવના છે અને અગાઉ સીએમ ભૂપેન્દ્ર પટેલને મળવા ગયેલા ૪૯ કાઉન્સિલર્સને વિશ્વાસમાં લેવાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે સોમવારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. આ બોર્ડમાં કેટલા સભ્યો હાજ ર રહે છે, શું જવાબ આપે છે અને સભ્યો શું ઠરાવ કરે છે તેના પર સહુની નજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...