તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાત ગેસનો ડામ:સિરામિક ઉદ્યોગને અપાતા ગેસના ભાવમાં પ્રતિ ક્યુબિક મીટરે 4.37 રૂપિયાનો વધારો કર્યો

મોરબી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 8 મહિનામાં બીજો વધારો, જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ક્યુબિક મીટર ગેસનો ભાવ રૂ. 8.34 વધીને 41. 46 પર પહોંચ્યો, દૈનિક 3.27 કરોડથી વધુનો ફટકો

કોરોના કાળમાં બીજા ઉદ્યોગ બંધ હાલતમાં છે પણ સિરામિક ઉદ્યોગ ધમધમતો રહ્યો અને સરકારને કરોડોની જીએસટી અને અન્ય ટેક્સની આવક આપતો હતો .તાજેતરમાં ટ્રાન્સપોર્ટરની હડતાળથી મોટા પાયે નુકસાન સહન કર્યાં બાદ હવે ધંધો પાટે ચઢવા જઈ રહ્યો હતો તેવા સમયે ગુજરાત ગેસ ફરી ઉદ્યોગ માટે વિલન બનીને આવ્યું છે.

જાન્યુઆરી મહિનામાં ગેસમાં મળતી સબસીડી બંધ કરી સાથે સાથે 3.97 રૂપિયા પર ક્યુબિક વધારો કર્યા બાદ 8 મહિનામાં ફરી એકવાર ભાવ વધારો ઝીંક્યો છે. આ વખતે ગુજરાત ગેસે રૂ.4.37 નો નવો ભાવ વધારો જાહેર કર્યો છે. જે જીએસટી સાથે જોઈએ તો પર ક્યુબીક 5 રૂપિયા થઇ જતા ઉદ્યોગને દૈનિક 3.27કરોડનો ફટકો પડી શકે છે.

મોરબી સિરામિક ઉદ્યોગમાં છેલ્લા 8 મહિનામાં ગુજરાત ગેસ દ્વારા કરવામાં આવેલો ભાવવધારો
મોરબીના સિરામીક ઉદ્યોગને ગુજરાત ગેસ દ્વારા ગત 29 ડિસેમ્બર પહેલા સબસીડી સાથે 25.30 પર ક્યુબિક ભાવે ગેસ મળતો હતો, જે બાદ 29 ડિસેમ્બરથી આ રૂ.4. 50 પર ક્યુબિક સબસીડી પરત ખેંચી લીધી હતી. જેથી ગેસનો ભાવ 29.80 થયો હતો. હજુ આ ભાવ ઓછા હોય તેમ 1 ફેબ્રુઆરીથી પર ક્યુબિક 4.96 રૂપિયા અને ટેક્સના 0.30નો મળી કુલ 5.24 નો વધારો ઝીંકાયો હતો. જો કે ગુજરાત ગેસને જાણે આ ભાવમાં ગેસ આપવો પરવડતો ન હોય તેમ ફરી એકવાર ભાવ વધારો કરી દેવાયો છે. મોરબીમાં હવે નોન એગ્રીમેન્ટ સિરામિક એકમોને રૂ. 41.46માં પડશે, તો 3 મહિનાનો એગ્રીમેન્ટ કરનાર ઉદ્યોગને એક મહિના એગ્રીમેન્ટમાં 38.01 પૈસામાં ગેસ મળશે.

ફેકટરી શટડાઉન કરવી પડે તેવી સ્થિતિ સર્જાઇ
મોરબીનો સિરામિક ઉદ્યોગને મળતા નેચરલ ગેસમાં રૂ.4.37નો અસહ્ય ભાવ વધારો થયો છે.ટેક્સ સાથે આ ગેસ પર ક્યુબિક રૂ.5માં પડશે અચાનક થયેલા ભાવ વધારાથી ઉદ્યોગને માઠી અસર થશે. હાલ 85 વિટ્રીફાઇડ ફેકટરી એક મહિના માટે બંધ છે. આગામી દિવસોમાં વોલ ટાઇલ્સ અને જીવીકે ટાઇલ્સ પણ બંધ કરવાની નોબત આવી શકે છે. - નિલેશ જેતપરિયા, સિરામિક એસો.વોલટાઇલ્સ એસો. પ્રમુખ

ભાવવધારાથી સિરામિક ઉદ્યોગકારોમાં નારાજગી
સિરામિક ઉદ્યોગમાં ભાવ વધારો થવા કરતા જીએસપીસી જે મનસ્વી નિર્ણય લે છે તેના પર ઉદ્યોગકારોમાં નારાજગી જોવા મળે છે. દર વખતે ઉદ્યોગકારો એવી માંગણી કરતા હોય છે.ગેસ અન્ય ઉદ્યોગને કે બીજા જિલ્લાના સિરામિક એકમને જે ભાવમાં ગેસ આપે છે તેના કરતાં ખૂબ ઉંચા ભાવ મોરબીમાં વસુલ કરે છે તેમજ ભાવ વધારો કરે ત્યારે એડવાન્સમાં જાણ કરતું નથી. ભાવ વધારો જાહેર કરવાની સાથે તે બીજા દિવસથી લાગુ કરી દેવાય છે. જેથી ઉદ્યોગમાં ખર્ચ વધી જાય છે.

બીજી તરફ અગાઉ જે પાર્ટી પાસેથી જે ભાવે ઓર્ડર લીધા હોય તે ભાવે તેઓએ વેચાણ કરવાનું હોય છે. જેથી આ ભાવ વધારો પણ ઉદ્યોગના માથે જ આવે છે. પરિણામે તેઓનો નફો ઘટે છે સાથે અનેક ખર્ચ પર તાત્કાલિક અસરથી કાપ મૂકવો પડે છે જેની અસર ફેકટરીના પ્રોડક્શન પર પણ પડે છે.તાજેતરમાં ટ્રાન્સપોર્ટ હડતાળ સહિતના મુદે 84 વિટ્રીફાઇડ યુનિટ બંધ થયા છે, દૈનિક 600 કરોડનું ટર્નઓવર ઠપ થઈ ગયું છે ત્યાં આ ભાવ વધારો ઝીંકાતા વધુ ફેકટરી બંધ કરવાની ફરજ પડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...