ઝટકો:સિરામિક ઉદ્યોગને મળતા ગેસમાં રૂ.10.45નો વધારો

મોરબી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવે નવો ભાવ 47.51 (6 % ટેક્સ), ઓગસ્ટમાં રૂ. 4.37નો વધારો ઝીંકાયા બાદ 38 દિવસમાં બીજો કરંટ: દોઢ જ મહિનામાં 300 કરોડનો બોજો વધી ગયો

મોરબીના સિરામિક ઉદ્યોગને જાણે એક પછી એક અલગ અલગ સ્થળેથી મસમોટા ફટકા મળી રહ્યા છે. તાજેતરમાં સિરામિક ઉદ્યોગને ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા ફટકારવામાં આવેલી 500 કરોડની પેનલ્ટી અંગેના કેસમાં હાઇકોર્ટમાંથી ફટકાર મળી હતી, હજુ ઉદ્યોગકારો આ નિર્ણય અંગે સુપ્રીમ કોર્ટમાં જવા અંગેની ગતિવિધિમાં વ્યસ્ત હતા, ત્યાં ગુજરાત ગેસે રાતોરાત વધુ એક ઝટકો આપી ઉદ્યોગને મરણતોલ ફટકો આપ્યો છે અને રાતોરાત ક્યુબિક મીટર દીઠ રૂ. 10.45નો વધારો ઝીંકી દેવાયો છે.

મોરબીના સિરામિક વોલ ટાઈલ્સ,વિટ્રીફાઈડ સેનેટરી સહિતના કુલ 900થી વધુ પ્લાન્ટમાં દૈનિક 70,00,000 ક્યુબિક ગેસનો વપરાશ થાય છે, જે ગુજરાત ગેસની કુલ વપરાશના સૌથી મોટા ગ્રાહક છે. ઉદ્યોગકારોના મતે ગુજરાત ગેસના કુલ ઉત્પાદનનો 80 ટકાથી વધુ ગેસનો વપરાશ સિરામિક ઉદ્યોગ કરે છે. આ ઉદ્યોગને છેલ્લા 38 દિવસ દરમિયાન કુલ રૂ. 14.82નો પર ક્યૂબિકનો વધારો ઝીંકાયો છે.

એક તરફ પેટ્રોલ ડિઝલના ભાવ વધારાના પગલે રોમટીરીયલમાં ભાવ વધારો થયો અને તેના લીધે થતાં નુકશાનમાંથી ઉભા નથી થયા ત્યાં ફરી એકવાર રૂ 10.45ના વધારાએ ઉદ્યોગની કમર તોડી નાખી છે. હવે સિરામિક ઉદ્યોગને રૂ 47.51 નવા ભાવથી ખરીદી કરવાની થશે, જેનો ભાવ અગાઉ રૂ 37.36 હતો. આ ઉપરાંત તેના પર 6 ટકા ટેક્સની ચુકવણી કરવી પડશે આ ભાવ વધારાથી ઉધોગને દૈનિક 7 કરોડનો અને માસિક રૂ 210 કરોડ જેટલો બોજો વધશે.

ભાવ વધારો કે ઘટાડો એ ઇન્ટરનેશનલ માર્કેટ પર આધાર રાખે, ગેસમાં ભાવવધારો કરો તે અંગે પહેલા અમને જાણ તો કરો!
ગેસના ભાવ વધારો કે ઘટાડો ગુજરાત ગેસના હાથમાં નથી. એ ઇન્ટરનેશનલ માર્કેટ પર આધાર રાખે છે અમે એ બાબતે જાણીએ છીએ અને તેમાં ભાવ વધે ઘટે એ સામાન્ય વાત.છે પણ એક તરફ ઉદ્યોગમાં હજુ દોઢ મહિના પહેલા રૂ. 4.37 ભાવ વધ્યા હતા. હજુ આ ભાવ વધારો અમે વેપારીઓમાં પાસ કરીએ તે પહેલાં કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના જ રાતોરાત ભાવ વધારો કરી દીધો તે ગેરવ્યાજબી કહેવાય અમે સરકાર અને ગેસ કંપની બન્ને પાસેથી વર્ષોથી માગણી કરીએ છીએ કે ભાવ વધારો કરતા પહેલાં અમને ઓછામાં ઓછો 15 દિવસ પહેલાં જાણ કરે તે જરૂરી છે જેથી અમે ઓર્ડર લેતા પહેલા ભાવ પાસ કરી શકીએ. > મુકેશભાઈ ઉઘરેજા, સિરામિક એસો.ના વિટ્રિફાઇડ વિભાગના પ્રમુખ.

જીએસપીસી દર મહિને એસોસિએશન સાથે ભાવની ચર્ચા કરે તે જરૂરી
મોરબીના સિરામીક એકમો દર મહિને 70 લાખ ક્યુબીક ગેસનો વપરાશ કરે છે. અને તેમાં પણ મોટાભાગના એકમો અગાઉથી મિનિમમ વપરાશના અને ભાવ અંગેના એગ્રિમેન્ટ કરેલા હોય છે. આ એગ્રિમેન્ટ હોય છે તેમ છતાં અચાનક કોઈ જાણકારી વિના ભાવ વધારો કરી દે તે સંપૂર્ણ પણે ગેરવ્યાજબી છે. ગુજરાત ગેસના અધિકારીઓએ દર મહિને હોદ્દેદારો સાથે બેઠક કરી આવતા મહિનામાં ગેસના ભાવમાં વધારો થવાની કે ઘટાડો થવાની તેમજ બજારમાં ગેસના ભાવની સ્થિતિ અંગે ચર્ચા કરી અગાઉથી જો ભાવ વધારો કરવાના હોય તો તેની જાણ કરવી જોઈએ. > કિરીટ પટેલ, પ્રમુખ, સેનેટરી વેર એસો. પ્રમુખ

ગેસના ભાવની વર્તમાન સ્થિતિ
મોરબી સિરામીક એકમોમાં રૂ.33.04 પર ક્યુબિકના ભાવે ગેસ મળતો હતો. 24 ઓગસ્ટના રોજ 4.37 રૂપિયાનો વધારો કરવામાં આવતાં પાઇપલાઇન મારફતે પૂરો પાડવામાં આવતા ગેસનો ભાવ રૂ.37.36થયો અને તે ઉપરાંત 6 ટકા ટેક્સ લેવામાં આવતો હતો. જ્યારે નવા ભાવ રૂ. 47.51 થયો છે આ સાથે તેઓએ 6 ટકા ટેક્સ પણ ચૂકવવાનો રહેશે.

900થી વધુ પ્લાન્ટ કાર્યરત

  • 900થી વધુ પ્લાન્ટ મોરબીમાં કાર્યરત છે
  • 70 લાખ ક્યુબિક મીટર ગેસનો દૈનિક વપરાશ.
  • 80 %થી વધુ ગેસનો વપરાશ સિરામિક ઉદ્યોગ કરે.
  • રૂપિયા 7 કરોડનો ઉદ્યોગ પર દૈનિક બોજ.
  • રૂપિયા 210 કરોડનો બોજ માસિક વધશે.
અન્ય સમાચારો પણ છે...