ધરપકડ:ધ્રાંગધ્રાની આંગડિયા પેઢીને 15 લાખનો ચૂનો લગાવી ભાગેલા મોરબીના પાંચ શખ્સ હળવદથી ઝડપાયા

મોરબી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ નાની રકમના આંગડિયા મોકલીને પરિચય કેળવ્યો બાદમાં મોટો હાથ મારીને નાસી જવાનો પ્લાન હતો
  • પોલીસે આરોપીઓ પાસેથી રૂ.12 લાખ રોકડા કબજે લઇ અટકાયત કરી કાર્યવાહી આરંભી

મોરબીની એક ઠગ ટોળકીએ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં આવેલી આંગડિયા પેઢીમાં એક નામાંકિત વ્યક્તિના નામે રોકડેથી નાની-નાની રકમના આંગડિયા કરી આંગડિયા પેઢી સાથે ઓળખ કરી સંબંધ વધાર્યા હતા બાદમાં પોતાનો રંગ દેખાડી એક દિવસ રૂપિયા 15 લાખનું ગોંડલ ખાતે આંગડિયું કર્યું હતું અને રૂપિયા હમણાં આપી જઇશું કહી પેઢીને રૂ 15 લાખનો ચુનો લગાવ્યો હતો.

આ તમામ શખ્સ અલગ-અલગ વાહનમાં હળવદ થઇ મોરબી તરફ જતા હોવાની જાણ થતાં જ હળવદ પોલીસે વોચ ગોઠવી હતી અને ઢવાણા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ કરી રહેલી પોલીસ ટીમે પાંચેયને રૂપિયા 12 લાખ રોકડા સાથે ઝડપી લઈ સીઆરપીસી એક્ટ મુજબ અટકાયતમાં લઈ ધ્રાંગધ્રા પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા.

આંગડિયા પેઢી સાથે છેતરપિંડી આચરનારના બનાવની પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ધ્રાંગધ્રામાં રોકડીયા સર્કલ સામે આવેલી ભગત આંગડિયા પેઢીમાં ધ્રાંગધ્રાના જ નામાંકિત વ્યક્તિના માણસો હોવાનો ડોળ રચી મોરબીના પાંચ ભેજાબાજ ગઠિયાઓએ તા.28 એપ્રિલ થી 11 મે સુધીમાં રકમ રોકડી ચૂકવી અલગ-અલગ શહેરમાં આંગડિયા પેઢીમાં રૂપિયા મોકલ્યા હતા અને આ રીતે પેઢીનો વિશ્વાસ કેળવી લીધો હતો અને બાદમાં 15 લાખ રૂપિયાનું ગોંડલ ખાતે આંગડીયું કરાવી હમણાં નાણાં જમા કરાવી છીએ તેવું કહી ચાલતી પકડી હતી.

બીજી તરફ સાંજ સુધીમાં આંગડિયા પેઢીમાં ભેજાબાજ ગઠિયાઓએ નાણાં જમા ન કરાવતા અજુગતું બન્યું હોવાનુ અને છેતરપિંડી થયાનું જણાતાં આંગડિયા પેઢીના સંચાલક માતરભાઈ રાજાભાઈ પઢેરિયા અને મહેશભાઈ ઉર્ફે મનુભાઈએ આ અંગેની જાણ ધ્રાંગધ્રા પોલીસને કરી હતી.

બીજી તરફ રૂપિયા છેતરપિંડી આચરી ભેજાબાજ ગઠિયા ટોળકી હળવદ થઇ મોરબી જવા રવાના થઈ હોવાની બાતમી મળતા ઢવાણા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં રહેલી હળવદ પોલીસ સતર્ક બની હતી અને શંકાસ્પદ ઇકો તેમજ અન્ય કારમાં નાસી છૂટેલા મોરબીના રવાપર રોડ વિસ્તારના અબ્દુલ ઇબ્રાહીમભાઇ જુવાળીયા, ભગવતી હોલ નજીક રહેતા ભરત નારાયણભાઈ કણઝારીયા, યોગીનગરમાં રહેતા રણજીતસિંહ બલવંતસિંહ વાઘેલા, હુસેન અબ્દુલ શેખ અને બાબુ હરસુર નાગલા સહિતના પાંચેય ઈસમોને રૂ.12 લાખ રોકડ સાથે ઝડપી લઈ, હળવદ પોલીસ મથકે લાવી અટકાયતમાં લઈ ધ્રાંગધ્રા પોલીસને હવાલે કરવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...