મોરબીના શનાળા ગામ નજીક ઇન્દિરા આવાસ યોજનામાં રહેતો યુવાન કાર લઈને આવતો હતો. ત્યારે બ્રેક મારતાં ધૂળ ઉડવા જેવી નજીવી બાબતે નવ ઇસમોએ હુમલો કરી દીધો હતો. જેમાં છરી અને લાકડી વડે હુમલો કરતાં, પતિ-પત્ની અને પુત્ર સહિતના પાંચને ઈજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
મોરબીના શનાળા ગામ પાછળ આવેલા ઇન્દિરા આવાસ યોજનામાં રહેતા મહેશ બાબુ સોલંકીએ આરોપી મહિપત ઉર્ફે ભૂરો રવજીભા વાઘેલા, સંજય ઉર્ફે ગોવિંદ મનસુખ વાઘેલા, નીતિન ઉર્ફે લાલો ધનજી સોલંકી, પંકજ પ્રેમજી વાઘેલા, મયુર પ્રેમજી વાઘેલા, પ્રકાશ મનસુખ વાઘેલા, મનોજ ધનજી સોલંકી, બીપીન ગણેશ સોલંકી અને કમલેશ હરિ વાઘેલા. આ બધા મોરબી રહેવાસી હોવાનું ખુલ્યું હતું. આ તમામની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
બોલાચાલી કરી ગાળો આપી
ફરિયાદમાં જણાવ્યું છે કે, મહેશનો દીકરો નીતિન તેના મિત્ર વીરેન્દ્રસિંહ જાડેજા હાઉસિંગ બોર્ડ મોરબીનો રહેવાસી કાર લઈને ઘરે આવતો હતો. આ સમયે ફળિયામાં વણાંક આવતાં કોલોનીમાં રહેતા છોકરાઓ બેઠા હતાં જેથી, કારની બ્રેક મારી હતી. ત્યાં બેસેલા લોકોને ધૂળ ઉડતાં ત્યાં બેઠેલા સંજય ઉર્ફે ગોવિંદ મનસુખ વાઘેલા નીતિનને ગાડી ધીમી ચલાવવા બાબતે બોલાચાલી કરી ગાળો આપી હતી. ફરિયાદીનો પુત્રએ કાઈ બોલ્યા વગર ઘરે આવી બનાવ અંગે વાત કરી હતી.
માથાના ભાગે અને પગમાં ધારિયાથી ઈજા કરી
નીતિન ગાડી લઈને ઘરેથી બહાર નીકળી ગયો હતો. બાદમાં ફરિયાદીનો પુત્ર રાહુલ ઘરેથી બહાર નીકળી ઉભો હતો. ત્યારે સંજયને કહેવા ગયો કે મારા ભાઈને કેમ ગાળો બોલેલ અને ઘર પાસે શા માટે ગાળો બોલે છે? સંજય બાજુની શેરીમાં ગયો અને શેરીમાં અન્ય લોકો રાહુલને મારવા લાગ્યા હતાં. જેમાં રાહુલને છરી અને લાકડી વડે મારવા લાગતાં ફરિયાદી મહેશ સોલંકી છોડાવવા ગયા હતાં. આ સમયે મહિપત ઉર્ફે ભૂરો રવજી વાઘેલા અને સંજય વાઘેલા બંનેના હાથમાં ધારિયું હતું. તેઓએ માથાના ભાગે અને પગમાં ધારિયાથી ઈજા કરી હતી અને અવાજ સાંભળી પત્ની પણ દોડી આવી હતી.
સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
આરોપી મહિપત ઉર્ફે ભૂરો, સંજય વાઘેલા, નીતિન વાઘેલા, પંકજ વાઘેલા, મયુર વાઘેલા, પ્રકાશ વાઘેલા, મનોજ સોલંકી, બીપીન સોલંકી અને કમલેશ વાઘેલાએ મળીને ફરિયાદી પર હુમલો કર્યો હતો. જેમાં નીતિન ઉર્ફે લાલાના હાથમાં છરી હતી અને અન્ય પાસે લાકડીઓ હતી. ફરિયાદીના માતા દેવુબેન અને પત્ની કંચનને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતાં જયારે ફરિયાદી મહેશ, તેના પિતા બાબુભાઈ અને પુત્ર રાહુલને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.