ધનતેરસે સોનીબજારમાં દિવાળી:મોરબીમાં પાંચ કરોડના સોના, ચાંદીનું વેચાણ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ધનતેરસની શુકનવંતી ખરીદી કરવા લોકો ઉમટ્યા. - Divya Bhaskar
ધનતેરસની શુકનવંતી ખરીદી કરવા લોકો ઉમટ્યા.
  • સપરમા દિવસે ખરીદી નીકળતાં વેપારીઓના ચહેરા મલકાયા,દાગીનાની સાથે લગડીની પણ ડિમાન્ડ રહી

કોરોનાબાદ લોકોના ધંધા રોજગારમાં મોટા પાયે અસર થઈ છે, જેના કારણે લોકો બચત તરફ વધુ ધ્યાન આપતા હતા. જેના કારણે બજારમા મંદીનો માહોલ જોવા મળી રહ્યો હતો. જો કે મોરબી શહેરની બજારમાં છેલ્લા સપ્તાહ દરમિયાન જોરદાર ચહલ પહલ જોવા મળી છે. વેપારીઓ જે વણજોયા મુહૂર્તની રાહ જોઇ રહ્યા હતા તે મંગળવારે ધનતેરસની ખરીદી નીકળી હતી. મોરબીની સોની બજારમાં સવારથી ખરીદી માટે પહોંચી ગયા હતા અને લોકોએ સોનાના દાગીનાની સાથે સાથે લગડીની પણ ખરીદી કરી હતી.ઘરમાં તેમજ ધંધા વ્યવસાય પર પૂજા માટે લોકોએ લક્ષ્મીજી અને ગણેશજીની ચાંદીની પ્રતિમાની પણ ખરીદી કરી હતી.

હળવા, મધ્યમ દાગીનાનું વેચાણ
વેપારીઓએ જણાવ્યું હતું કે લોકોએ ધનતેરસનું મુહૂર્ત સાચવવા 2000થી લઈ 60 થી 70 હજાર સુધીના દાગીનાની ખરીદી કરી હતી, તો જેમને ત્યાં આગામી સમયમાં પ્રસંગ આવી રહ્યો હોય તેમણે લગ્નસરાની પણ ખરીદી કરી હતી. કેટલાક ગ્રાહકોએ મોટા દાગીનાની પણ ખરીદી કરી હતી. આ સિવાય રૂ.1.5 થી રૂ. 2 લાખના સોનાની 20 ગ્રામની બિસ્કિટની પણ ખરીદી કરી હતી. છેલ્લા દોઢ વર્ષથી ખરીદી પર જે બ્રેક લાગી હતી તે બ્રેક હવે ખુલી હોય તેમ લોકોએ શુકન સાચવવાથી લઇ રોકાણ કરવા સુધીની પણ ખરીદી કરી હતી. મોરબી શહેરમાં એક દિવસ દરમ્યાન 100 તોલાથી વધુના દાગીના અને 3000 ગ્રામથી વધુ સોનાની બિસ્કિટની ખરીદી થઈ હતી એક અંદાજ મુજબ મોરબીમાં આજના દિવસે કુલ રૂ.5 કરોડથી વધુનો બિઝનસ થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

ગત વર્ષ કરતા ખરીદીમાં વધારો
સોની બજારમાં લાંબા સમય બાદ ખરીદી નીકળી હતી.આ વર્ષે મોટા દાગીનાની ખરીદી ઓછી હતી પણ બુટી, ચેઇન,સાંકળા,લક્કી, બ્રેસલેટ, પાયલ, મંગળસૂત્ર તેમજ વીંટીની ખરીદી વધુ થઈ હતી.મોટા સેટ કે અન્ય મોટા દાગીનાની ખરીદી ઘટી છે. જોકે ગત વર્ષ કરતા ખરીદીમાં વધારો થયો છે તેમ સોની વેપારી નટુભાઈએ જણાવ્યું હતું.

મહામારી બાદ 30 ટકા વેચાણ વધ્યું
મોરબી શહેરમાં આ ધન તેરસમાં ગ્રાહકોની સંખ્યા થોડી ઘણી વધી છે. મહામારી પહેલાની ખરીદી કરતા ઓછી રહી છે. હજુ પણ લોકો બચત જલદી કાઢતા ન હોવાનું જોવા મળ્યું હતું. જો કે છેલ્લા દોઢ વર્ષની સરખામણી 30 ટકાનો વધારો નોંધાયો છે. દાગીનાની સાથે સાથે લગડીનું વેચાણ પણ વધ્યું છે તેમ સોની વેપારી એસોશિએસનના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ ચોકસીએ જણાવ્યું હતું.

રેગ્યુલર સેગમેન્ટના વાહનોનું વેચાણ વધ્યું
મોરબીમાં ચાલુ વર્ષે વાહનોની સારી એવી ખરીદી નીકળી છે.ખાસ કરીને રેગ્યુલર સેગમેન્ટમાં સારી એવી ખરીદી નીકળી છે. જેમાં 100 સીસીથી લઈ 125 સીસીના મોટર સાઇકલ, બાઇકની તેમજ સ્કૂટર ટાઈપના વાહનમાં ખરીદી નીકળી છે. ચાલુ વર્ષે એડવાન્સમાં બુકિંગ કરાવનારની સાથે સાથે વિઝીટ લેનારા લોકોએ પણ સ્થળ પરથી ખરીદી કરી છે.અને આગામી દિવાળી પર્વ તેમજ લાભ પાંચમ સુધી પણ ખરીદી થવાની આશા છે. > પ્રકાશભાઈ જાની, જનરલ મેનેજર, જય ગણેશ ઓટો

અન્ય સમાચારો પણ છે...