વાલીઓની મજબૂરી:પુસ્તકો, યુનિફોર્મ, શૂઝ પોતાની શરતો મુજબ ખરીદવા માટે ખાનગી શાળા સંચાલકોના ફતવા

મોરબી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારે કરેલી જાહેરાત માત્ર કાગળ પર રહી, ફરજિયાત અમલવારીનો દંડો મ્યાનમાં જ રહ્યો
  • મોરબી જિલ્લામાં નિશ્ચિત દુકાનોને જ લાભ અપાવવાના સંચાલકોના મેસેજથી વાલીઓ મજબૂર

ઉનાળુ વેકેશન પૂર્ણ થવાને હવે એક દિવસ જ બાકી રહ્યો છે જેના કારણે વાલીઓમા પુસ્તકો,યુનિફોર્મ,શૂઝ,વોટર બેગ,લંચ બોક્સ, સ્ટેશનરી, તેમજ અલગ અલગ ચીજ વસ્તુ ખરીદવા શાળાઓએ વાલીઓને લેખિત અને મૌખિક ફતવા જાહેર કરી દીધા છે. રાજય સરકારે એક પણ ખાનગી શાળા વાલીઓને શાળામાંથી પુસ્તકો કે સ્ટેશનરી ખરીદવા ફરજ નહિ પાડી શકે તેમજ યુનિફોર્મ કે અન્ય ચીજ વસ્તુઓ પણ ચોક્કસ દુકાનમાંથી લેવા નહિ જણાવે તેવી જાહેરાત કરી દીધી છે. જો કે આ અંગે અમલવારી ક્યારે થશે તે એક સવાલ છે.

અલગ અલગ ખાનગી શાળાઓએ વાલીઓને મેસેજ કરી દેતા મજબુર વાલીઓ બાળકો માટે વસ્તુ ખરીદવા તલપાપડ બન્યા છે, જેનો લાભ શાળાઓ અને દુકાનદારો લઈ રહ્યા છે.જો કે સરકાર દ્વારા જાહેરાતમાં પણ જાણે છટકબારી રાખી દીધી હોય તેમ મોરબીની અલગ અલગ ખાનગી શાળાઓએ તેમણે નક્કી કરેલી દુકાનોને એડવાન્સમા યુનિફોર્મ બનાવવા ઓર્ડર અપાઈ ગયા છે જેથી મોટા ભાગની શાળાઓના એક જ દુકાનદાર પાસે જ યુનિફોર્મ મળી રહ્યા છે.

અન્ય યુનિફોર્મ વેચતી દુકાનમાં તપાસ કરે તો યુનિફોર્મ,શૂઝ કે અન્ય ચીજ વસ્તુઓ મળતી નથી જેના કારણે વાલીઓને ન છૂટકે શાળાએ જાહેર કરેલી દુકાનમાં યુનિફોર્મ લેવા જવું પડી રહ્યું છે. આવી જ સ્થિતિ પુસ્તકોમાં પણ છે. મોટા ભાગની શાળાઓએ અભ્યાસ માટે પુસ્તકો ચોક્કસ પ્રકાશનના નક્કી કર્યા છે જેના કારણે શાળાએ નક્કી કરેલ સ્ટેશનરી સિવાય કોઈ વિકલ્પ બચતો નથી. આજથી જ્યારે શાળાઓ શરૂ થઇ રહી છે. ત્યારે બાળકોને શાળાએ મોકલવા યુનિફોર્મ સહિતની પૂર્વ તૈયારીઓ સંચાલકોના આકરા નિયમ સાથે પૂરી કરવા માટે વાલીઓએ ના છુટકે ઘરના બજેટ પર કાતર મુકવી પડી રહી છે.

બે ત્રણ જગ્યાએ યુનિફોર્મ માટે તપાસ કરી, ન મળ્યા અંતે શાળાએ જાણ કરી ત્યાથી યુનિફોર્મ લેવા પડ્યા : વાલી
શાળાએ રેગ્યુલર દિવસ તેમજ શનિવારે સ્પોર્ટસ એક્ટિવીટી એમ બે પ્રકારના યુનિફોર્મ માટે એક દુકાનમાંથી લેવા જણાવ્યું હતું મારા બાળકનું એડમિશન કેજીમાં થયું છે. અમે અલગ અલગ દુકાનમાં તપાસ કરી પણ ત્યાંથી ન મળ્યા. અંતે શાળાએ જણાવેલી એક યુનિફોર્મ વેચતી દુકાને ગયો અને અહીંથી જ યુનિફોર્મ મળ્યો તેમ મનીષભાઈ પટેલે જણાવ્યું હતું.

યુનિફોર્મના ભાવમાં 30 થી 40 ટકાનો વધારો
યુનિફોર્મમાં તો એટલો ભાવ વધારો કરી દેવાયો છે કે ગત વર્ષ કરતા યુનિફોર્મમાં 30થી 40 ટકાનો વધારો કરી દેવાયો છે. સામાન્ય રીતે જે યુનિફોર્મ જોડી 300થી 400માં તૈયાર થઈ શકે તેના 500થી 600 લેવાય છે. શૂઝ 125થી 150માં બજારમાં મળી શકે છે તેના દુકાનદાર 225થી 250 રૂપિયા તો મોટી ઉંમરના બાળકના સૂઝના 400થી 450 લેવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...