પાણી પહેલાં પાળ:ખેડૂતોએ પાણીની ખપત પૂરી કરવા કૂવા ખોદવાનું શરૂ કર્યું

વીંછિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વીંછિયા પંથકમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ તમામ જળાશયો તળીયા ઝાટક થઈ જતા જળસંકટ વધશે તેવી ભીતિ સેવાઇ રહી છે. હાલ પંથકના તમામ જળાશયોમાં લોકોને અને માલઢોરને પીવા માટેનું પણ પાણી બચ્યું ન હોવાથી લોકો અને પશુપાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

હાલ વીંછિયા પંથકના જળાશયો ખાલી થઈ ગયા હોવાથી ખેડૂતોના કૂવા અને બોરમાં પણ પાણી ડૂકી જવા પામ્યા છે. જેના કારણે પંથકના ખેડૂતો જીવના જોખમે પોતપોતાના ખેતરમાં કાળા ઉનાળે પાણી મેળવવા માટે કુવાઓનું ખોદકામ કરી રહ્યા છે.

હાલમાં ખેતરોના ઉંડા કૂવામાં એક બેરલ પાણી પણ બચ્યું ન હોવાથી મોટાભાગના કૂવાઓ કોરાધાકડ બની ગયા છે. ખેડૂતોને પશુઓ માટે પણ પીવાનું પાણી મળવું મુશ્કેલ બની ગયું છે. જેના કારણે ખેડૂતોએ અપના હાથ જગન્નાથની ઉક્તિને સાર્થક કરી આપબળે ભર ઉનાળે કૂવા ખોદી રહ્યા છે.

આગ લાગે ત્યારે નહીં, હાલ જ કૂવા ખોદવાનું શરૂ
વીંછિયાના ગ્રામ્ય વિસ્તારોમાં આગામી સમયમાં પાણીની સર્જાનારી સંભવિત કટોકટીને ધ્યાને લઇ ખેડૂતોએ અત્યારથી જ આગોતરી તૈયારી આરંભી દીધી છે અને કૂવા ઉંડા ઉતારવાનું શરૂ કરી દીધું છે, સાથે આગ લાગે ત્યારે કૂવો ખોદવાને બદલે વહેલા જ કૂવાને ઉંડા ઉતારવાનું શરૂ કરી દીધું.(પાણીની કટોકટીનો ગ્રાઉન્ડ રિપોર્ટ છેલ્લા પાને)

અન્ય સમાચારો પણ છે...