તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ખેડૂતોની માંગ, પંથકમાં વરસાદ ખેંચાતા પાકની સ્થિતિ નાજૂક બની

મોરબી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબી જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકારમાં કરી રજૂઆત

મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનો કોરોકટ્ટ રહ્યો છે, તો આ પહેલા પણ પૂરતો વરસાદ થયો ન હતો.ચાલુ વર્ષે અપૂરતો વરસાદ થવાથી દુષ્કાળના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ સરકાર સામે મોરચો મંડયો છે. જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને હાલમાં ખેડૂતોની તમામ સમસ્યાઓ દૂર કરવાની માંગ કરી હતી અને જો પાક વીમામાં ખેડૂતોને થતો અન્યાય દૂર ન થાય અને સિંચાઇ માટે કેનાલમાં પાણી ન છોડાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરી છે. જે ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ઠરાવ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. આ યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ કરીને ગુજરાત રાજ્યમાં દ્વારા ચાલુ કરવામાં આવેલ છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં તો વીમા કંપનીઓ દ્વારા ખેડૂતોને અન્યાય જ કરવામાં આવતો હતો. હજુ ખેડૂતોને જુના વીમા પણ મળ્યા નથી. નવી યોજનાની જોગવાઈ મુજબ 31 ઓગસ્ટ સુધીમાં જો સતત 28 દિવસ વરસાદ ન થાય અને પાકને નુકસાન થાય તો સહાય ચૂકવવાની જોગવાઈ છે.

તેની સામે મોરબી જિલ્લાના તાલુકાઓમાં ૩૫ દિવસ સુધી વરસાદ થયો નથી અને પાકને નુકસાન થયું છે તો આ બાબતે સંબધિત વિભાગને સુચના આપીને સહાય ચૂકવવા યોગ્ય કરવાની માંગ કરી છે. વધુમાં જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં કેનાલની અંદર નર્મદાનું પાણી ઓદુ, દેહગામ, સુલતાનપુર રણ સુધી અમુલ્ય જળના વેડફાટ સામે જવાબદાર અધિકારી સામે યોગ્ય કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.

તેમજ અમુક વિસ્તાર જે ડેમની કેનાલોના કમાન્ડ વિસ્તારમાં આવેલા છે. પરંતુ સિંચાઇ વિભાગ દ્વારા તેઓને પાણી આપવામાં આવેલું નથી અથવા તો પહોંચાડ્યું નથી. તો આવા વિસ્તારોને પણ જ્યારે સિચાઈનું પાણી મળ્યું નથી તેવા કિસ્સામાં તેઓને પણ આ યોજનામાં સમાવેશ કરીને સહાય ચૂકવવા યોગ્ય કરવાની મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને આવેદન આપી માંગણી કરી છે.

વીંછિયા તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવા કિસાનસંઘની રજૂઆત
વીંછિયા તાલુકામાં ચાલુ વર્ષે માત્ર 2 થી 3 ઈંચ જ વરસાદ નોંધાયો છે. છતાં વહીવટી તંત્ર દ્વારા પુરતો વરસાદ પડ્યો હોવાના આંકડા આપી પંથકના કિસાનો સાથે અન્યાય કરવામાં આવ્યો છે. જેથી વરસાદના ખરેખર આંકડા લઈ વહેલી તકે આ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કિસાન સંઘના જાલાભાઈ રાતડીયા, રમેશભાઈ અને ફુલાભાઈ સહિતના ખેડૂત આગેવાનો દ્વારા વીંછિયાના મામલતદાર પી.એમ.ભેસાણીયાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ પંથકમાં એકપણ તળાવ, નદી કે ચેકડેમમાં પાણીનું ટીપું પણ નથી આવ્યું. છતાં સરકારને વરસાદના ખોટા આંકડા આપી ખેડૂતો સાથે મશ્કરી કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. જેથી વીંછિયા તાલુકાના આજદિન સુધીના વરસાદના સાંચા આંકડા સરકારને આપી તાલુકાને વહેલી તકે અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી કિસાન સંઘ અને ખેડૂત આગેવાનો દ્વારા અંતમાં માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...