મોરબી જિલ્લાના પીપળી ગામમાં તસ્કરોએ આખે આખું સ્લેટિંગ મશીન અને અન્ય સાધનો ઉપાડી લીધા હતા. આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ ચોરીમાં ફેક્ટરીમાં કામ કરતો એક શ્રમિક જ સામેલ હતો. પોલીસે આ ઘટનાનો ભેદ ઉકેલી રાજસ્થાનથી 5 તસ્કરોની ધરપકડ કરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે શ્રીરામ પેપર ઇન્ડસ્ટ્રીઝના માલિક જીતેન્દ્રકુમાર અરજણભાઈએ ફરિયાદ નોંધાવી હતી કે, કારખાનામાં 8 લાખનું ગજાનંદ એન્જીનીયર વર્કનું સ્લીટીંગ મશીન, રૂપિયા 25 હજારની મશીનને કન્ટ્રોલ કરવાની એસી ડ્રાઇવ તથા રૂપિયા 1 લાખની કિંમતની મશીનને લગાડવાની 5 ડાઇ મળી કુલ રૂપિયા 9.25 લાખના મુદામાલની ચોરી થઇ હતી.
ચોરી થયા બાદ ઉત્તરપ્રદેશનો રહેવાસી અને હાલ શ્રીરામ પેપર ઇન્ડસ્ટ્રીઝમાં કરતો અને પીપળી ગામમાં જ રહેતો શ્રમિક બિશ્નકુમાર ઉર્ફે કિશન ઉર્ફે મોનુ શ્રીરાજકુમાર પ્રજાપતિ લાપતા થયો હતો. જે બાદ પોલીસે બિશ્નકુમાર અંગેની વિગત તથા આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું હતું. તપાસ દરમિયાન એવું સામે આવ્યું હતું કે, ચોરી થયા બાદ આઇસર વાહન નંબર MH- 15-HH-8669માં પાંચ આરોપીઓ સવાર હતા અને તેમાં ચોરીનો મુદ્દામાલ પણ હતો. એ સમયે પોલીસને બાતમી મળી હતી કે, આરોપી આઇસરમાં રાજસ્થાન જવા નીકળ્યા હતા. જેથી પોલીસે રાજસ્થાન તરફ દોડી હતી અને પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ઉદયપુર જિલ્લામાં આરોપીઓ છુપાયેલા છે. તેથી મોરબી તાલુકો પોલીસની ટીમે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાની પોલીસની સાથે સંકલન કર્યું હતું અને આરોપીની શોધખોળ હાથ ધરી હતી. જ્યાં ઉદયપુર જીલ્લાના ગીરજા પેટ્રોલપંપ સામે સીસીટીવી ફૂટેજમાં દેખાતું આઇસર મળી આવ્યું હતું.
જેને પગલે પોલીસે દરોડા પાડતા આરોપીઓ બિશ્નકુમાર, ગણેશ શાંતિલાલ દુભાષે, ગોવિંદ દિનકર ધાદવડ, બ્રિજેશકુમાર શ્રીરામાઆશરે રાજપુત અને રાજકમલ ગંધર્વસિંહ રાજપુત મળી આવ્યા હતા. આ ઉપરાંત ચોરી ગયેલ રૂપિયા 9.25 લાખના મુદામાલ મળી આવ્યો હતો. જેથી પોલીસે ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા 10 લાખનું આઇસર અને ચોરાઉ મુદામાલ સહિત રૂપિયા 19.25 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.