મોરબીમાં સમૃદ્ધ પુસ્તકોનો ખજાનો:દરરોજ 150 વર્તમાનપત્ર વેચી થાય છે લાઇબ્રેરીનો નિભાવ; ભરતનગર ગામે વાંચનની ભૂખ જગાવવા 2006માં શરૂ કરેલી લાઈબ્રેરીમાં આજે 7300 પુસ્તકો

મોરબી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામના બાળકો - યુવાનોને મોબાઇલ કરતાં પણ પુસ્તકો સાથે વધુ લગાવ : ગ્રામજનો
  • લાઇબ્રેરીમાં ધાર્મિક, વેદ, વાર્તાઓ, નવલકથાઓ, જીવનને લગતા પુસ્તકોનો સંગ્રહ

મોરબીના ભરતનગર ગામે દરરોજ 150 વર્તમાનપત્રો વેચી તેમાંથી મળતા નફામાંથી સમૃદ્ધ પુસ્તકોના ખજાના સમી લાઈબ્રેરીનો નિભાવ કરવામાં આવે છે. ભરતનગરમાં વીર સાવરકર લાઇબ્રેરીની સ્થાપના વર્ષ 2006માં કરવામાં આવી હતી. ગામના બાળકોને મોબાઇલ નહીં પણ પુસ્તકો સાથે લગાવ થયો છે. હાલ ગ્રામજનોના સાથ અને સહકારથી બાળકો લાઈબ્રેરીમાંથી પુસ્તકો ઘરે લઈ જઈને વાંચતા થયા છે. આજના જમાનામાં લાયબ્રેરી માટે આટલો પ્રેમ હોવો એ પણ નાનીસૂની સિધ્ધિ તો ન જ કહેવાય.

મોરબીના ભરતનગર ગામે આવેલી લાઇબ્રેરીમાં હાલ 7300 પુસ્તકો છે. દર વર્ષે લાઇબ્રેરી દ્વારા પુસ્તક વાંચનની સ્પર્ધા કરી ગામમાં વિદ્યાર્થીઓમાં ઇનામ વિતરણ કરવામાં આવે છે. જેથી કરીને બાળકો પુસ્તક વાંચન માટે પ્રોત્સાહિત થાય છે. દરરોજ 150 જેટલા છાપા વર્તમાનપત્રો વેચીને તેનો નફો લાઇબ્રેરીમાં અપાઈ રહ્યો છે. લાઇબ્રેરી વર્ષના 365 દિવસ ખુલ્લી જ રહે છે, એક પણ દિવસ રજા રાખવામાં આવતી નથી. લાઈબ્રેરીમાં કોઈ પણ જાતની મેમ્બરશીપ રાખવામાં આવેલ નથી.

એટલે કે કોઈપણ પ્રકારની ફી રાખેલ નથી કોઈને પણ પુસ્તક વાંચવા માટે આવવા તથા પુસ્તક ઘરે લઈ જવા માટે છૂટ આપવામાં આવી છે. લાઇબ્રેરીમાં ધાર્મિક, વેદ, વાર્તાઓ, નવલકથાઓ, જીવનને લગતા ઘણા બધા પુસ્તકોનો સંગ્રહ છે. આ લાઇબ્રેરી હાલમાં વલ્લભભાઈ મોરસાણીયા સંભાળે છે અને તેમને મુકેશભાઈ દવે, ભીમજીભાઈ અઘારા, દેવસીભાઈ અઘારા, રાઘવજીભાઇ કાસુન્દ્રા તથા લીંબાભાઇ ફેફર મદદરૂપ થાય છે.

પુસ્તકો સાચા માર્ગદર્શક અને માનવ-વિકાસ માટે ઘણાં નિર્ણાયક સાબિત થયાં છે. પુસ્તક આપણા સાચા મિત્ર છે. આજના આ ડિઝટલ - સ્પર્ધાત્મક યુગમાં વ્યક્તિ પાસે વાંચન માટે સમય નથી.ત્યારે ભરતનગરના ગ્રામજનોનો વાંચન પ્રત્યેનો લગાવ ખરેખર પ્રશંસનીય છે.

પ્રસંગ હોય તો પહેલો ફાળો લાઇબ્રેરી માટે
સામાન્ય રીતે એવું બનતું હોય કે ગામમાં કોઈ પણ ઘરે પ્રસંગ હોય ત્યારે મંદિરો અને ગૌશાળાનો ફાળો કાઢવામાં આવે છે, ત્યારે મોરબીના આ ભરતનગરના ગ્રામજનો આવા પ્રસંગોમાં લાઈબ્રેરી માટે પણ એક ફાળો કાઢે છે. આ દાન તેમજ અન્ય દાતાઓના સહયોગથી લાઇબ્રેરીમાં 10 કબાટ કોમ્પ્યુટર વગેરે સાધનો વસાવ્યા છે.સમાજ માટે નમૂનેદાર કામગીરી કરનારા નાના એવા ગામની આ સિધ્ધિ
નાની નથી.

અન્ય સમાચારો પણ છે...