ટંકારા વિધાનસભા બેઠક પર સોમવારે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ તથા ભાજપના ઉમેદવાર દુર્લભજી દેથરીયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. સાથે વિશાળ રેલી યોજી સમર્થકોની ઉપસ્થિતિમાં તેઓએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને બન્ને ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ત્યારે હવે ટંકારા બેઠક પર ભાજપના ફોર્મમાં ભૂલ હોવાનો આક્ષેપ કોંગી નેતા લલિત કગથરાએ કર્યો છે.
ભાજપનાં બંને ફોર્મમાં ડેશ કરવામાં આવ્યું
લલિત કગથરાના જણાવ્યા અનુસાર ફોર્મમાં એક પણ જગ્યા ખાલી છોડવાની ન હોય કે ડેશ પણ કરવાનું નથી હોતું, છતાં પણ ભાજપનાં બંને ફોર્મમાં ડેશ કરવામાં આવ્યું છે. જેથી આ ફોર્મ રદ થવા પાત્ર હોવાનો તેમણે દાવો કર્યો હતો અને આ બાબતે ચૂંટણી પંચને પણ રજૂઆત કરી હોવાનું મીડિયાને જણાવ્યું હતું.
ટંકારા બેઠકનો ઇતિહાસ રોચક
મોરબી જિલ્લાની મહત્વની અને પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી ટંકારા બેઠકનો ઇતિહાસ રોચક રહ્યો છે. વર્ષ 1962માં રાજકોટના રાજવી મનોહરસિંહ જાડેજા અપક્ષ લડ્યા હતા અને જીત્યા હતા. તો જે તે સમયે કેશુ પટેલે અહીંથી લડીને વટભેર જીતીને નાયબ મુખ્યમંત્રી પદ મેળવ્યું હતું. નોંધનીય છે કે, આ બેઠક પર 3 વાર કોંગ્રેસ, 2 વાર અપક્ષ અને 7 વાર ભાજપના ઉમેદવાર વિજયી બન્યા છે. ત્યારે હવે ચૂંટણી પૂર્વે જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તણખાં ઝરતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
આ બાબતે ચૂંટણી અધિકારીનો ખુલ્લાસો
ટંકારામાં કોંગ્રેસના આક્ષેપ બાદ ચૂંટણી અધિકારી ડી.સી.પરમારે મીડિયા સાથે વાતચીત કરી હતી. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા દ્વારા લેખિતમાં એવી અરજી કરવામાં આવી છે કે, ભાજપના ઉમેદવાર દુર્લભજીના સોગંધનામામાં જે કોલમમાં લખવું જોઈએ તે લખ્યું નથી અથવા તો ત્યાં ડેશ કરવામાં આવ્યા છે. ક્યાંક જગ્યાઓ ખાલી છે એ અનુસંધાને તેમણે નિર્ણય લીધો છે. આ ઉપરાંત તેમની હેન્ડબુકમાં પરેગ્રાફ નં-6(10-4)ના આધારે તેમણે લલિત કગથરાને લેખિતમાં જવાબ આપ્યો છે કે, જે સોગંધનામું જમા કરવામાં આવ્યું તેમાં સ્પષ્ટ છે. સોગંધનમું રજૂ કર્યું ન હોય કે તે ખામીયુક્ત હોય અથવા તેમાં ખોટી માહિતી આપી હોય તો ઉમેદવારી પત્રકનો અસ્વીકાર કરવામાં નહીં આવે'. પરંતુ દુર્લભજીના ઉમેદવારી પત્રકમાં કોઈ માહિતી છુપાવવામાં આવી નથી, કે કોઈ ખામી દર્શાવવામાં આવી નથી. તેથી દુર્લભજીના ઉમેદવારી પત્રકને સ્વીકરવામાં આવ્યું છે અને તેનો લેખિત જવાબ પણ લલિત કગથરાને આપવામાં આવ્યો હોવાનું ચૂંટણી અધિકારી ડી.સી.પરમારે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.