તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જન્માષ્ટમી:કનૈયાના અવતરણને વધાવવા ઉત્સાહ મોરબી, જસદણ, ગોંડલમાં શોભાયાત્રા

મોરબી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મર્યાદિત લોકોની હાજરીમાં નીકળશે શોભાયાત્રા,રૂટ ટૂંકાવાયા

દોઢ વર્ષ બાદ કોરોનાએ હળવાશ આપતાં તહેવારોની ઉજવણી શક્ય બની છે ત્યારે લોકોમાં પણ કિશન કન્હૈયાના અવતરણને વધાવવા જબરો ઉત્સાહ છવાયો છે. સરકારી ગાઇડલાઇનના પાલન સાથે આજે ઠેર ઠેર શોભાયાત્રા નિકળશે અને નિયત ટૂંકાવેલા રૂટ પર ફરશે. મોરબી, જસદણ, ગોંડલ, ધોરાજી સહિતના શહેરોમાં આજે જન્માષ્ટમીની ભાવપૂર્ણ ઉજવણી થશે.

મોરબી શહેરમાં કોરોના મહામારીના કારણે સાતમ આઠમની ઉજવણીનો માહોલ ઠંડો થઈ ચૂક્યો છે.છેલ્લા બે વર્ષથી લોક મેળા રદ થઇ રહ્યા છે તો આ વર્ષે જાહેરમાં મટકી ફોડ કાર્યક્રમને પણ મંજૂરી આપવામાં આવી ન હોવાથી જન્માષ્ટમી પર્વ સાવ ફિક્કો પડી ગયો હોય તેવું લાગી રહ્યું છે. સોમવારે જન્માષ્ટમી નિમિતે માત્ર શોભા યાત્રા નીકળશે આ વર્ષે તેનો રૂટ પણ ટૂંકાવી દેવાયો છે.આ પહેલા મોરબી એ ડિવિઝન પીઆઇ સોનારા સાથે વિશ્વ હિન્દુ પરિષદ, શિવસેના અને બજરંગ દળ સહિતના ધાર્મિક સંગઠનોની મીટીંગ યોજાઈ હતી. જેમાં જન્માષ્ટમીની ઉજવણી, શોભાયાત્રાના રૂટ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ મીટીંગમાં સરકારના નિયમ મુજબ મટકી ફોડના ક્યાંય પણ કાર્યક્રમ નહિ યોજાય તેવો નિર્ણય લેવાયો છે. જન્માષ્ટમી પર્વ નિમિત્તે નીકળતી શોભાયાત્રા સવારે 8 વાગ્યે જડેશ્વર મંદિરેથી 200 લોકોની મર્યાદા સાથે નીકળશે. જડેશ્વર મંદિરેથી સુપર ટોકીઝ, ત્રિકોણ બાગ, નવા ડેલા રોડ, જુના બસ સ્ટેન્ડ, રામચોક, રવાપર રોડ, ચકીયા હનુમાનજી, ગાંધીચોક, શાક માર્કેટ થઈ નહેરુ ગેઇટ ચોકે પહોંચીને શોભાયાત્રાનું સમાપન થશે. દર વખતે દરબાર ગઢ ખાતે પહોંચીને સમાપન થાય છે. પણ આ વખતે રૂટ ટૂંકાવી નહેરુ ગેઇટ ચોકે શોભાયાત્રાની પૂર્ણાહુતિ થશે.જો કે શોભાયાત્રામાં મર્યાદિત સંખ્યામાં લોકો જોડાઇ શકશે.

જસદણ બની ગયું ગોકુળિયું ગામ
જસદણમાં જન્માષ્ટમીના પાવન પર્વને મનાવવા માટે ભાવિકોમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યને વધાવવા માટે જસદણ શહેરના ચોકે-ચોકે અને શેરીઓમાં અનેરો શણગાર કરવામાં આવ્યો છે. જોકે આ વર્ષે કોરોના હળવો પડતા સરકારની ગાઈડલાઈનને અનુસરીને થોડીઘણી છૂટછાટ વચ્ચે શેરી સજાવટ અને હિંડોળા દર્શન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જસદણ ઉત્સવ સમિતિ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યને વધાવવા માટે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રાનું શહેરના આટકોટ રોડ પર આવેલ ગાયત્રી મંદિર ખાતેથી પ્રસ્થાન કરવામાં આવશે અને વાજસુરપરા ખાતે તેની પુર્ણાહુતી કરવામાં આવશે.

જન્માષ્ટમી પર્વની ઉજવણી ફિક્કી પડતા લોકો ફરવા નીકળી પડ્યા
મોરબીમાં દર વર્ષે મેળા અને ઉજવણીનો માહોલ હોવાથી બજારમાં લોકોની ચહલ પહલ રહેતી હોય છે જોકે ચાલુ વર્ષે આવા કાર્યક્રમ રદ થઈ જતા મોટા ભાગના લોકો બે ત્રણ દિવસની રજાઓ માણવા જૂનાગઢ સોમનાથ ,દ્વારકા તેમજ અન્ય પર્યટન સ્થળોએ ફરવા નીકળી ગયા છે જેના કારણે બજારમાં લોકોની હાજરી ખૂબ ઓછી જોવા મળી રહી છે.તો ઘણા લોકો જન્માષ્ટમીનો આનંદ માણવા ગામડે પણ નીકળી ગયા છે.

એસટી બસ, ટ્રેનમાં મુસાફરોની ભીડ વધી,બસસ્ટેન્ડમાં ધસારો
મોરબીમાં જન્માષ્ટમીના તહેવારોમાં એસટી બસ સ્ટેન્ડમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ઘણા લોકો જન્માષ્ટમીનો તહેવાર મનાવવા પર્યટક સ્થળ કે ધાર્મિક સ્થળ તેમજ સગા સબધીઓ તેમજ મિત્રોના ઘરે જતા હોય છે. હાલ બહારગામ જવા માટે મોરબીના જૂના એસટી અને નવા એસટી બસ સ્ટેન્ડમાં લોકોનો ભારે ઘસારો જોવા મળે છે અને મોટાભાગની એસટી રૂટ હાઉસફુલ જોવા મળી રહી છે તેથી વધારાના ટ્રાફિકને પહોંચી વળવા તંત્ર દ્વારા એક્સ્ટ્રા રૂટની વ્યવસ્થા કરાઇ છે.

ગોંડલમાં જન્માષ્ટમી શોભાયાત્રા પટેલવાડીથી પ્રસ્થાન કરશે
ગોકુલ અષ્ઠમીનાં હિન્દુ ઉત્સવ સમિતિ નાં પ્રમુખ ગોપાલભાઇ ટોળીયા તથાં જયકરભાઇ જીવરાજાની સહિત આગેવાનોની નિશ્રામાં ભગવતપરા પટેલવાડી ખાતેથી શોભાયાત્રા પ્રસ્થાન થશે.જે મોટા પુલ,માંડવીચોક,નાની મોટી બજાર,પાંજરાપોળ,ભોજરાજપરા થઇ મોટી હવેલીએ પુર્ણ થશે.શોભાયાત્રા માં મુખ્ય રથ સહીત ચાર ફલોટ સાથે કોવિડ ગાઇડલાઇન મુજબ બસ્સો લોકો પગપાળા જોડાશે.બજારો અને રાજમાર્ગો પર લોકોએ માત્ર દર્શન કરવાં સમિતિનો અનુરોધ છે.

અન્ય સમાચારો પણ છે...