તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન માટે વેઇટિંગ:મોરબીમાં કોરોનાની વેક્સિન લેવા માટે લોકોમાં ઉત્સાહ, જથ્થો આવે છે અપૂરતો

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોરબીના રવાપર આરોગ્ય કેન્દ્ર ખાતે વહેલી સવારથી જ ટોકન મેળવવા કતાર - Divya Bhaskar
મોરબીના રવાપર આરોગ્ય કેન્દ્ર ખાતે વહેલી સવારથી જ ટોકન મેળવવા કતાર
  • મોરબી જિલ્લામાં રોજ સરેરાશ 3510થી વધુ લોકો વેક્સિન લે છે તો બીજી તરફ જથ્થો સરેરાશ 3435 મળે છે
  • કોરોનાની બીજી લહેર બાદ લોકોમાં વેક્સિન અંગે જાગૃતિ તો આવી, ત્યારે સરકાર પૂરતો જથ્થો ફાળવી શકતી નથી

મોરબી જિલ્લામાં જાન્યુઆરી મહિનાથી કોરોના વેક્સિન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જો કે લોકોમાં જાગૃતિના અભાવે ખૂબ ઓછા લોકો જ રસી લેતા હતા જેના કારણે વેક્સિનનો જથ્થો મર્યાદિત આવતો હોવા છતાં સ્ટોક રહેતો હતો.જો કે કોરોનાની બીજી લહેરના લીધે મોરબીમાં જે રીતે કેસ વધ્યા અને મોતની સંખ્યામાં વધારો થતાં લોકો કોરોના સામે જંગ લડવા વેક્સિન જ સશક્ત હથિયાર હોવાનું માની રહ્યા છે. જેના કારણે છેલ્લા બે સપ્તાહથી વેક્સિન લેનારની સંખ્યામાં વધારો આવ્યો છે. અમુક હેલ્થ સેન્ટરમાં અગાઉ જેમ ટેસ્ટિંગ કીટ માટે વેઈટિંગ રહેતું હતું તેમ હવે વેક્સિન માટે પણ વેઈટિંગ જોવા મળી રહ્યું છે.

મોરબી જિલ્લાના 74 જેટલા વેક્સિનેશન સેન્ટરમાં છેલ્લા 5 દિવસમાં જ 35,109 લોકોએ વેક્સિન ડોઝ લીધા હતા. આ 35,109 લોકોમાં 16,238 લોકોએ પ્રથમ ડોઝ જ્યારે 18,871 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. આજ દિન સુધીમાં જિલ્લામાં 1,12,289 લોકોને પ્રથમ ડોઝ અને 38,350 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પણ વેક્સિન લેનારની સંખ્યા વધી રહી છે.જેથી આગામી દિવસોમાં વધુ સ્ટોકની જરૂરીયાત ઉભી થાય તેવી સંભાવના સેવાઈ રહી છે.જિલ્લામાં દૈનિક 3500થી વધુ લોકો વેક્સિન લઇ રહ્યા છે તો બીજી તરફ 3435 જથ્થો સરકાર તરફથી મળી રહ્યો છે.

મોરબીમાં કોરોનાની બીજી લહેર ધીમી પડતા જ લોકો વેક્સિન લેવા માટે ખૂબ જાગૃતિ દાખવી રહ્યા છે. હજુ 18 થી 45 વર્ષ માટેના લોકો માટે મોરબીને મંજૂરી મળી નથી, પરંતુ 45 વર્ષ કરતાં ઉપરના પ્રથમ અને બીજા ડોઝ માટે આરોગ્ય કેન્દ્ર પર ભારે ઉત્સાહથી લાઇનો લગાવી રહ્યા છે. પરંતુ હજુ સરકારમાંથી રસીઓનો મર્યાદિત સ્ટોક આવતો હોવાથી ઘણા બધા લોકોને મળતી નથી, અનેકોને પરત જવું પડી રહ્યું છે. જો કે ટોકન સિસ્ટમ અમલી હોવાના કારણે વહેલી સવારથી જ લોકો કેન્દ્ર પર મોટી સંખ્યામાં જોવા મળે છે.

શહેરના 6 સેન્ટર મળી જિલ્લામાં 74 સ્થળે રસીકરણ
મોરબી જિલ્લામાં હાલ મર્યાદિત વેક્સિનનો જથ્થો આપવામાં આવી રહ્યો છે. જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં 29,230 કોવિશિલ્ડ અને 5120 કોવેક્સિન રસીનો જથ્થો મળ્યો છે. આ તમામ જથ્થો મોરબી શહેરના સિવીલ હોસ્પિટલ, સ્વામિનારાયણ સંસ્કારધામ,લીલાપર અર્બન હેલ્થ સેન્ટર,વિસીપરા હેલ્થ સેન્ટર,રવાપર સબ સેન્ટર,સહિત કુલ 74 વેક્સિનેશન સેન્ટર પર પહોંચાડવામાં આવ્યો છે.

18થી44 વય સુધીના લોકોને વેક્સિન માટે હજુ રાહ જોવી પડશે
રાજય સરકારના આદેશથી હાલ 10 જિલ્લામાં જ 18થી 44 વર્ષ મોરબી જિલ્લામાં વેક્સિનેશન કામગીરી ચાલી રહી છે.જો કે વેક્સિન સ્ટોકની અછતને પગલે અન્ય જિલ્લામાં હાલ 45થી વધુ વયના લોકોને જ વેક્સિન આપવામાં આવી રહી છે. ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે પણ મોરબીના યુવાનોને લોકેશન કે એપોઇન્ટમેન્ટની માહિતી મળતી નથી. વેક્સિન માટે યુવાનોને હજુ રાહ જોવી પડશે.

અન્ય સમાચારો પણ છે...