મુંબઈની જાણીતી શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ફેક ફોન કરનાર ઈસમને મુંબઈ પોલીસ ઉઠાવી ગઈ છે. ફોન કરનાર વ્યક્તિ મોરબીનો હોવાની માહિતીને પગલે મુંબઈ પોલીસ ટીમ બુધવારે સાંજે મોરબી આવી પહોંચી હતી. આરોપીને ઉઠાવી મુંબઈ લઇ જવાયો છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મુંબઈની જાણીતી ધીરૂભાઈ અંબાણી સ્કૂલમાં બોમ્બ મુકવામાં આવ્યો હોવાનો ફોન મળતા મુંબઈ પોલીસમાં દોડધામ મચી હતી. પોલીસે તપાસ ચલાવી હતી જેમાં આ ફેક કોલ હોવાનું ખુલ્યું હતું. જે બનાવ મામલે બાંદ્રા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસે કોલ ડીટેઇલને આધારે તપાસ ચલાવી હતી.
જેમાં કોલ કરનાર ઇસમ ગુજરાતના મોરબી શહેરનો રહેવાસી હોવાનું ખુલ્યું હતું. જેથી મુંબઈના બાંદ્રા પોલીસ મથકની ટીમ બુધવારે મોરબી આવી પહોંચી હતી અને ધમકીનો કોલ કરનાર આરોપી મૂળ સુરેન્દ્રગરના વતનીને હાલ મોરબીની માળિયા વનાળીયા સોસાયટી પાસે શિવશક્તિ સોસાયટીમાં રહેતો હોય અને ડ્રાઈવિંગનો વ્યવસાય કરતો હોય આરોપી વિક્રમસિંહ જોરૂભા ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસ ટીમ આરોપીને મુંબઈ લઇ ગઈ હતી. આ અંગે બી ડિવિઝન પી.આઇ. પી. એ. દેકવાડિયાએ જણાવ્યું હતું.
સુત્રોમાંથી મળતી વિગત મુજબ આરોપી રૂપિયા લેતી દેતી મામલે ધમકી આપી હોવાનું જાણવા મળ્યું છે. પણ સાચું કારણ તો મુંબઈ તપાસ કરનાર પોલીસ જ કહી શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.