મોરબીમાંં ધડાધડ 16 ફરિયાદ નોંધાઇ:વ્યાજખોરોના ખૌફથી કોઇએ ઘર છોડ્યું તો કોઇએ દુકાન ગુમાવી, અનેકનાં વાહનો ગયાં

મોરબી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેન્જ આઇજીના જનસંપર્ક બાદ જિલ્લાભરમાંથી લોકો ફરિયાદ કરવા આગળ આવ્યા, અનેક લોકો પાસે કોરા ચેક લખાવી લેવાયા હોવાનું પણ ખુલ્યું

રાજ્ય સરકારે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા બાદ સ્થાનિક સ્તરે લોકદરબાર યોજી લોકોની ફરિયાદ લેવા અને વ્યાજખોરોનો આતંક ખતમ થાય તેવી કાર્યવાહી શરૂ થઇ છે અને તેના અનુંસંધાને વધુને વધુ પીડિતો સામે આવી રહ્યા છે અને ધડાધડ ફરિયાદ નોંધાઇ રહી છે.મોરબીમાં શુક્રવારે 16 ફરિયાદ નોંધાઇ હતી. જેના આધારે પોલીસે ધરપકડ ની કાર્યવાહી આરંભી છે.

વ્યાજે લીધેલા 20 હજારના બદલામાં 66 હજાર ચૂકવ્યા તો’ય વ્યાજખોરોનું પેટ ન ભરાયું, વાહનની સાથે આરસીબુક પણ લઇ લીધી

મોરબીના રમેશભાઈ રમણીકભાઈ ધામેચાના ભત્રીજા સુનીલભાઈએ ત્રણ વર્ષ પહેલા ધંધામાં જરૂર પડતા મૂળ ભીમકટા અને હાલમાં કાલિકા પ્લોટમાં રહેતા મહાવીરસિંહ મનુભા જાડેજા પાસેથી 15 લાખ રૂપિયા 4 ટકા વ્યાજે લીધા હતા અને બદલામાં 14.50 લાખ ચૂકવી આપ્યા હતા મુદ્દલ જેટલું વ્યાજ વસૂલવા છતા પણ વ્યાજખોરે દુકાનનો દસ્તાવેજ લઈ દુકાનનુ વાવડી રોડ ઉપર રહેતા ગોપાલ ઉર્ફે ગજેન્દ્ર ભટ્ટના નામનું નોટરી લખાણ કરાવી લેતા ભત્રીજો ઘર છોડીને ચાલ્યો ગયો છે અને રમેશભાઈને જાનથી મારી નાખવા ધમકી આપી કોરા ચેક પડાવી લેતા આ શખ્સ હવે તેઓને મોરબીમાં નહીં રહેવા દે તેવું જણાતા ફરિયાદ નોંધવામાં આવી.

અન્ય એક ફરિયાદ મોરબીના વાવડી રોડ વિસ્તારમાં આવેલા સુમતિનાથ નગરમાં રહેતા શીતલબેન હિતેશભાઈ જોષી નામની મહિલાએ નોંધાવી હતી તેમના જણાવ્યા મુજબ તેમના પતિ હિતેશભાઈએ રાજપરના હિતુભા નરેન્દ્રસિંહ ઝાલા પાસેથી રૂ 20 હજાર ભર્યા હતા જેના બદલમાં તેઓએ 66 હજાર જેટલી રકમ ભરી હોવા છતાં વ્યાજખોરોએ તેમના પતિના નામના કોરા ચેકમાં સહી કરાવી લીધી હતી તેમજ બાઈકની આરસી બુક પણ લઇ લીધી હતી અને જો રકમ નહી ચુકવે તો તેના પતિ અને પુત્રને મારી નાખવાની ધમકી આપી હતી, જેમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

બીજી એક ફરિયાદ રાહુલ નટુભાઈ ઠોરીંયા નામના વેપારીએ પંચાસરના શ્યામ પાર્ક સોસાયટીમાં રહેતા કિરણભાઈ બોરીચા વિરુદ્ધ નોંધાવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓએ આરોપી પાસેથી રૂ 2 લાખ વ્યાજે લીધા હતા, જેના બદલામાં તેઓએ ૩.60 લાખ જેટલી રકમ ચુકવી દીધી હોવા છતાં આરોપીએ વધુ રકમની ઉઘરાણી કરી હતી અને ફરીયાદીની કાર તેમજ કોરા ચેકમાં સહીઓ લઇ લીધા હોવાનું જણાવ્યું હતું. ફરિયાદમાં તેમણે વધુ માં ઉમેર્યુ હતું કે નિયમીત રીતે હપ્તાભરવા છતાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી ચાલું જ રહેતી હતી. અને કાયમ લટકતી તલવાર પણ .

મોરબીના મહેન્દ્રનગર નજીક દૂધની ડેરી અને કરિયાણાની દુકાન ધરાવતા અને મૂળ ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાના જેતપર ગામના વતની અનિલભાઇ હરીલાલભાઇ કંડીયા નામના યુવાનને ધંધામાં બે વર્ષ પહેલા નાણાંની જરૂરત પડતા વિરપરડા ગામના સોહીલભાઇ સુમરા અને ભવ્યરાજસિંહ ગીરીરાજસિંહ ઝાલા પાસેથી દૈનિક 500 રૂપિયા વ્યાજ ચુકવવાની શરતે રૂપિયા 50 હજાર લીધા હતા અને બાદમાં કુલ રૂપિયા 3.50 લાખ ચૂકવી આપ્યા હતા. તેમ છતાં આરોપીઓ વધુ રૂપિયાની માંગણી કરતા વેપારીએ સોહિલ સુમરા અને ભવ્યરાજસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...