મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે આવેલા ઓડિટોરિયમમાં તાજેતરમાં મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન સરોજબેન ડાંગરેચાના અધ્યક્ષ સ્થાને કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ અંગે સેમિનાર યોજાયો હતો. જેમાં મહિલાઓને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તકે પ્રોટેક્શન ઑફિસર નિલેશ્વરીબા ગોહિલે ઘરેલુ હિંસા અધિનિયમ વિશે જાણકારી પુરી પાડતા જણાવ્યું કે, કોઇ પણ પ્રકારની હિંસાને અવગણવી જોઇએ નહીં. તેમણે ઘરેલુ હિંસા કોને કહેવાય અને તે માટેના કાયદાની સમજુતી આપતા સમાજમાં ઘરેલુ હિંસા જેવા કિસ્સા ન બને તે માટે વાતાવરણ ઉભું કરવા અને બાળકોમાં આ બાબતે બાળપણથી જ માનસિક ઘડતર કરવા સમજાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ અધિનિયમ અનુસાર કોઇપણ સ્ત્રીને કોઇ પણ સ્થળે રક્ષણ પુરુ પાડવામાં આવે છે.
મહિલા સતામણી અને જાતિભેદ દુર કરવાના આ સેમિનારમાં સીડબલ્યુસી ચેરમેન રાજેશભાઇ બદ્રેકિયાએ સમાજમાં અમુક ચોક્કસ માન્યતાઓ તેમજ શબ્દો ઘર કરી ગયા છે જેમાંથી લોકોને બહાર નીકળવાની જરૂર છે. તેમ જણાવ્યુ હતુ. વધુમાં કામકાજના સ્થળે જાતિય સતામણી કરવામાં આવતી હોય ત્યારે સ્ત્રીએ શું કરવું તે અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું. સ્ત્રી જાગૃતીના આ કાર્યક્રમમાં સખી વન સ્ટોપ સેન્ટરના પ્રવીણાબેને જણાવ્યું હતું કે કિશોરીથી માંડીને વૃદ્ધ મહિલા સુધીની કોઇ પણ પિડિત મહિલાને શું કરવુ, ક્યાં જવું તેની જાણકારી ન હોય તો સખી વન સ્ટોપ સેન્ટરની સહાયતા લઇ શકે છે.
આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિભાગ પ્રોટેક્શન ઑફિસર નિલેશ્વરીબા ગોહિલ , જિલ્લા કાઉન્સેલર પિયુતાબેન, મોરબી ઘટક-૧,૨ સીડીપીઓ મયુરીબેન ઉપાધ્યાય, વાંકાનેર સીડીપીઓ ચાંદનીબેન, ટંકારા સીડીપીઓ સુધાબેન લશ્કરી, સહિત જિલ્લાના મહિલા અધિકારી અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.