• Gujarati News
 • Local
 • Gujarat
 • Morbi
 • Dhoraji 12 Inches, Godal 10 Inches, Upleta 9 Inches, Kotda Sangani 8 Inches, Motipaneli And Jetpur 5.5 Inches, Jamkandora 4 Inches

ભાદરવે ભરપૂર:ધોરાજી 12 ઇંચ, ગોડલ 10 ઇંચ, ઉપલેટા 9 ઇંચ, કોટડા સાંગાણી 8 ઇંચ, મોટીપાનેલી અને જેતપુર 5.5 ઇંચ, જામકંડોરણા 4 ઇંચ

મોરબીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ગોંડલના વેરી તળાવમાં વિશાળ જળરાશિ ઠલવાતાં તે 9 ઇંચથી ઓવરફ્લો થયો હતો અને કંટોલિયા, વોરાકોટડા સહિતના ગામોના લોકોને એલર્ટ કરી દેવમાં આવ્યા હતા. જળ વૈભવ જોવા લોકો ઉમટ્યા હતા. - Divya Bhaskar
ગોંડલના વેરી તળાવમાં વિશાળ જળરાશિ ઠલવાતાં તે 9 ઇંચથી ઓવરફ્લો થયો હતો અને કંટોલિયા, વોરાકોટડા સહિતના ગામોના લોકોને એલર્ટ કરી દેવમાં આવ્યા હતા. જળ વૈભવ જોવા લોકો ઉમટ્યા હતા.
 • રાજકોટ જિલ્લામાં 24 કલાકમાં રાતોરાત જળસંકટને મળી ગઇ અલવિદા, ટંકારાને બાદ કરતાં મોરબી જિલ્લામાં માત્ર ઝાપટાં

રવિવારની રાત સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરો માટે કંઇક અલગ ખુશી લઇને આવી હતી અને રાજકોટ જિલ્લાના મોટાભાગના શહેરોમાં વધતી ઓછી મેઘમહેરથી આખું ચિત્ર બદલાઇ ગયું હતું. એક દિવસ પહેલાં પાણી માગતી પ્રજાના હૈયા પાણી પાણી થઇ ગયા હતા. રાજકોટ જિલ્લામાં સોમવાર સાંજે પુરા થતા 24 કલાક દરમિયાન એકથી 12 ઇંચ સુધી પાણી પડી જતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. જસદણ પંથકમાં અડધાથી એક ઇંચ પાણી પડ્યું હતું જ્યારે મોરબીના ટંકારાને બાદ કરતાં વિશેષ મેઘમહેર થઇ ન હતી અને ઝાપટાં વરસ્યા હતા.

ગોંડલમાં રવિવારે મોડી રાતથી જોરદાર વરસાદ વરસવો શરૂ થયો હતો અને સાંજ સુધીમાં 10 ઇંચ વરસાદ પડી ગયો છે. રવિવારે રાત્રીનાં 8 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધીમાં 3 ઇંચ તથાં સાંજનાં 5 સુધીમાં 7 ઇંચ મુશળધાર વરસાદ પડયો છે.વરસાદને કારણે ગોંડલી નદીમાં ઘોડાપુર આવ્યાં હતાં.પુરનાં પાણી બાલાશ્રમ પાસે નદીકાંઠે ઝુંપડામાં ઘુસતા તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરાયું હતું. ઉમવાડા તથાં આશાપુરા બ્રીજમાં પાણી ભરાતાં વાહન વ્યવહાર અટકી ગયો હતો. ભોજરાજપરામાં તોતીંગ વૃક્ષ ધરાશાયી થયુ જયારે કોલીથડ વિખુટું પડી જતાં રીબડાના અનિરુધ્ધસિંહ, જિલ્લા પંચાયતના ચેરમેન સહિતના ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

જેતપુર પંથકમાં પણ મેઘરાજા ઓળઘોળ થયા છે. શહેરમાં વહેલી સવાર સુધી ૩ ઇંચ જ્યારે સવારે આઠથી સાંજના છ વાગ્યા સુધીમાં અઢી ઇંચ મળીને સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે પંથકમાં પણ સાર્વત્રિક રીતે સવારથી સાંજ સુધીમાં બેથી અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. શહેરમાંથી પસાર થતી ભાદર નદીના ઉપર વાસ તેમજ સુરવો અને ગાલોરીયો નદી બે પણ બે કાંઠે થઈ ભાદર નદીમાં મળતા દેરડી જવાના રસ્તા વચ્ચે આવતો ભાદર નદી પરના બેઠા પુલ પર પાણી ફરી વળતા પુલ પાણીમાં ડૂબી ગયો હતો.

ધોરાજીમાં પણ 24 કલાકમાં 12 ઇંચ પાણી પડી થતાં માર્ગો જાણે નદી બની ગયા હતા. ધોધમાર વરસાદને પગલે ત્રણ દરવાજા સહિતના નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાયાં હતાં, જ્યારે જામકંડોરણા પથંકમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. મોટી પાનેલીમાં પણ સાડા પાંચ ઇંચ વરસાદ થતાં ફુલઝર નદીમાં પણ ભારે પૂર આવેલું હતું.

પાનેલીથી જામજોધપુર તરફ જવાના વાયા સીદસર તેમજ વાયા ધ્રાફાના બંને રસ્તા બંધ થઈ ગયા છે. કોટડાસાંગાણીમાં આઠ ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો જેમાં નદી-નાળાઓ તળાવોમાં નવા પાણીની આવકો સતત વધી હતી. કોટડા સાંગાણીથી રામોદ જતો રસ્તો રાજગઢ ગામ પાસે રોડ પર પાણી આવી જતા રોડ બંધ કરી દેવો પડ્યો હતો. માણેકવાડા જવાના રસ્તામાં બેઠા પુલ પર પાણી આવી જતા માણેકવાડા જવા માટે રસ્તા ઉપર પાણી આવી જતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે બે કલાક સુધી રસ્તાઓ બંધ થયા, રોડ પર પાણી આવી જતા વાહનોની અવરજવર કરવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.કોટડાસાંગાણીથી હરમતારા જતા રોડ ઉપર બેઠા પુલ ઉપર પાણી આવી જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. કોટડાસાંગાણીમાં આવેલા વાછપડી ડેમની સપાટી 16 ફુટની સપાટી થઇ જવા પામી છે અને ઓવરફલો થવામાં 2.5 ફૂટ બાકી છે. કોટડાસાંગાણીમા આવેલા ગોંડલી ડેમની સપાટી 14 ફૂટ પર પહોંચી ગઇ હતી.

ઉપલેટા તથા ગ્રામ્યમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી અને શહેરમાં 9 ઈંચ જેટલો તથા ગ્રામ્યમાં 12 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. મોજ ડેમ ઓવરફ્લો થતાં અત્યાર સુધીમાં બીજી વખત ડેમના 27 પાટીયા 8 ફુટ ખોલવામાં આવ્યા હતા હવે વધુ પાટીયા ખોલી શકાય તેવી પરિસ્થિતિ પણ હાલ નથી જેથી ડેમ ઓવરફ્લો થતા નિચાણવારા વિસ્તારના તમામ લોકોને એલર્ટ કરીને સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ઈસરા ગામમાં પીઆઈ ધાંધલ સહિત પોલીસ સ્ટાફ પણ ઈસરા ગામે પુરમાં ફસાઈ ગયો છે.ઉપલેટામાં ૯ ઈંચ જેટલો વરસાદ પડતા ઉપલેટામાંથી જામજોધપુર, જામનગર, ધાફા, સમાણા, ભાયાવદર ના હાઈવે બંધ કરી દેવામાં આવ્યા છે.

વરસાદની સાથે સાથે

 • ગોંડલના વોરાકોટડાની ધાબી પર વરસાદી પાણી ફરી વળતાં વાહન વ્યવહાર થંભી ગયો
 • ધોરાજી ઉપલેટા પંથકમાં જરૂર પડ્યે એનડીઆરએફની ટીમ બોલાવવા વહીવટી તંત્રની તજવીજ
 • ઉપલેટા પંથકમાં ભાર વરસાદથી જામજોધપુર-જામનગર હાઇવે બંધ
 • ભાયાવદર વડાલી વચ્ચે પુલ ધોવાઇ જતાં વાહનવ્યવહાર પર અસર
 • કોલીથડમાં રસ્તા અને કોઝવે ધોવાઇ ગયા, વ્યાપક તારાજી
 • કોટડા સાંગાણીથી રામોદ જતો રસ્તો ભારે વરસાદથી બંધ કરી દેવાયો
 • ધોરાજીમાં પેટ્રોલપંપ અને દુકાનોમાં રસ્તાના પાણી ભરાતા મુશ્કેલી વધી
 • ઉપલેટા નજીક ધ્રાફાનો પુલ ધોવાઇ જતા વાહન વ્યવહાર અટકી ગયો
 • વાંકાનેરમાં બે વરસાદના પગલે મચ્છુ 1 ડેમમાં 8 ફૂટ પાણીની આવક, 40 ફૂટ સપાટી પહોંચી
 • કોલીથડમાં મોબાઇલ સેવા ખોરવાઇ અને વીજપોલ ધરાશાયી થયા
 • કોલીથડમાં બસસ્ટેશનમાં કમર સમા પાણી ભરાઇ જતાં હાલાકી
અન્ય સમાચારો પણ છે...