ચૂંટણીનો જંગ:મોરબીના નારણકામાં સરપંચ માટે દેરાણી, જેઠાણી અને ભત્રીજા વહુ વચ્ચે જામશે જંગ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજપર પંચાયતમાં કૌટુંબિક ભાઈ વચ્ચે ચૂંટણીનો જંગ , મત કોને આપવો એ મુદ્દે સંબંધી મૂંઝવણમાં

મોરબી જિલ્લાની 232 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આગામી 19મી ડીસેમ્બરના રોજ મતદાન યોજાવા જઈ રહ્યું છે. અલગ અલગ ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યપદ જીતવા ઉમેદવારો તનતોડ મહેનત કરી રહ્યા છે. ઉમેદવારની સાથે સાથે તેના પરિવારના સભ્યો પણ તેમાં જોડાઇ રહ્યા છે અને શક્ય મદદ કરી રહ્યા છે. જો કે મોરબી તાલુકાનું નારણકા ગામ એવું ગામ છે જ્યાં સરપંચ પદ માટે એક જ પરિવારના સભ્યો મેદાનમાં ઊતર્યા છે.

મોરબી તાલુકાના નારણકા ગામની ગ્રામ પંચાયતમાં સરપંચ પદ અનુસૂચિત જાતિ સ્ત્રી અનામત સીટ છે આ ગ્રામ પંચાયતમાં સરપંચ બનવા દેરાણી-જેઠાણી અને ભત્રીજા વહુ વચ્ચે ચુંટણી જંગ જામ્યો છે. નારણકા એક જ પરિવારના ચંપાબેન કાનજીભાઈ બોખાણી, અમરતબેન ધનજીભાઈ બોખાણી, ભાણીબેન ગોવિંદભાઈ બોખાણીએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે વોર્ડ નં.5માં સભ્ય પદ માટે કાકા-બાપાના દિકરા જયેશ કાનજીભાઈ બોખાણી તથા જયેશ ધનજીભાઈ બોખાણીએ ઉમેદવારી નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, નારણકા ગામે અનુસૂચિત જાતિ સમાજમાં બોખાણી પરિવારના 10 ઘર જ આવેલ છે. તેમાં પણ 3 સરપંચ તરીકે અને વોર્ડ.5 માં 2 સભ્ય તરીકે મળીને 5 ફોર્મ ભરાયા છે.

આવુ એક બીજું પણ ગામ છે જેમાં કૌટુંબિક ભાઈ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. આ બીજું ગામ એટલે મોરબી તાલુકાનું રાજપર ગામ. આ ગામમાં ત્રીજી કે ચોથી પેઢીએ ભાઈઓ થતા કરમશીભાઈ મારવાણિયા, ભરતભાઈ રામજીભાઈ મારવાણિયા અને નવીનભાઈ મારવાણિયા વચ્ચે સરપંચ પદ માટે ચૂંટણી જંગ બરાબરનો જામ્યો હોય નજીકના સગાઓને કોને મત આપવો તેની ચિંતા સતાવી રહી છે. જોવાનું એ રહે છે કે 19મીએ કોનું પલડું ભારે રહે છે અને 21મીએ સરપંચનો તાજ કોણ પહેરશે!

અન્ય સમાચારો પણ છે...