રજૂઆત:મોરબીમાં વસતા પશુપાલક સમાજ માટે માલધારી વસાહતની જગ્યા ફાળવવા માંગ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડવાળા યુવા સંગઠન મુખ્ય સંયોજક દેવેન રબારીની મુખ્યમંત્રીને રજૂઆત

રાજ્યના શહેરી વિસ્તારોમાં ઢોર નિયંત્રણ કાયદો અમલી બનાવવા સરકાર દ્વારા જાહેર કરાયું છે ત્યારે કાયદાને કારણે માત્રને માત્ર પશુપાલનનો વ્યવસાય કરી જીવન નિર્વાહ કરતા પરિવારો ઉપર આફત આવી શકે તેવી શકયતા છે. અતિ આવશ્યક ચીજ વસ્તુમાં સમાવિષ્ટ દૂધ ઉત્પાદનમાં અસર પડે તેમ હોવાની સાથે નવા કાયદાને કારણે માલધારી સમાજને નાહકનું કાયદાની આટીઘૂંટીમાં સપડાવું પડે તેવી સ્થિતિ જોવા મળી રહી હોય શહેરમાં વસવાટ કરતા માલધારી પરિવારો માટે વસાહતની જગ્યા ફાળવવાની માંગ ઉઠી છે.

વડવાળા યુવા સંગઠન મુખ્ય સંયોજક દેવેન રબારીએ મુખ્યમંત્રીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ઢોર નિયંત્રણ કાયદો પૂર્ણ રૂપથી અમલમાં આવે તે પૂર્વે જ શહેર નજીક માલધારી વસાહત નિર્માણ કરી શહેરીજનો, બહોળા માલધારી સમાજના હિતમાં નિર્ણય કરવા માગણી છે.

જેમાં મોરબીમાં હાલમાં ૩૦૦૦થી વધુ ભરવાડ, રબારી, ચારણ, આહીર સહિતના પરિવારો રબારીવાસ, વાવડી રોડ, વજેપર, કાલિકા પ્લોટ, વી. સી. પરા, વાંકાનેર દરવાજા, લીલાપર રોડ જેવા અનેક વિસ્તારોમાં વસવાટ કરી રહ્યાં છે. અંદાજે શહેરમાં 25 હજારથી 30 હજાર દુધાળા પશુઓ રાખી પશુપાલન થકી જીવન નિર્વાહ કરી રહ્યાં છે, પરંતુ સરકારના નવા કાયદાને કારણે શહેરમાં વસતા સર્વે માલધારી સમાજની રોજી-રોટી, વ્યવસાય ઉપર પ્રશ્નાર્થ ઉભો થવાની શકયતા છે.

બીજું કે આજના આધુનિક સમયમાં અમારો માલધારી સમાજ પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલો હોવાથી અક્ષરજ્ઞાનનો અભાવ હોવાની સાથે જૂની પેઢીના વ્યાવસાયિકો કાયદાથી અજ્ઞાન છે. આ સંજોગોમાં શહેરમાં વસવાટ કરતા અંદાજે ૩ હજાર માલધારી સમાજના લોકોના હિતમાં સરકાર દ્વારા હકારાત્મક અભિગમ અપનાવી શહેરની નજીકના સ્થળે જ્યાં પશુ નિભાવ માટે યોગ્ય જલસ્રોત હોય તે સ્થળની પસંદગી કરી માલધારી સમાજના લોકોની, શહેરી વિસ્તારના લોકોને સ્પર્શતા પશુઓના પ્રશ્નોનું નિરાકરણ કરવા અમારી માંગ છે.

ઉપરાંત ખાસ કરીને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દૂધ ઉત્પાદક મંડળી તેમજ ગોપાલક મંડળીઓને કોઇપણ કારણોસર મંજૂરી આપવામાં આવતી ન હોય વિશાળ માલધારી સમાજના હિતમાં ઉપરોકત બાબતોનો વહેલી તકે નિર્ણય લઇ માલધારી સમાજની માંગણીઓ સ્વીકારવા અંતમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...