વાંકાનેરના કેરાળા ગામે એક વ્યક્તિએ પોતાના ભાઈની દીકરીના પરિચિત યુવકને ઘર પાસે આંટા ફેરા કરવા બાબતે ઠપકો આપ્યો હતો. આ બાબતનો ખાર રાખી ચાર ઈસમોએ યુવાન અને તેના પરિવારના સભ્યોને માર મારી ઈજા કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
કેરાળા ગામના રહેવાસી વનરાજ વેકરીયાએ આરોપીઓ પરબત નારણ ગમારા, વિજય ગમારા, રવી ગમારા અને ભરત ગમારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, કેરાળા ગામે સવારના સાત વાગ્યે તેઓ પોતાના કુટુંબી ભાઈ પરસોત્તમ વેકરીયાના ઘરે હતા. એ સમયે મંગાભાઈએ વાત કરેલી કે રાજાવડલા ગામનો મનીષ સામત ગમારા તેમની દીકરીના પરિચયમાં છે અને વહેલી સવારથી ઘરની આજુબાજુ આંટાફેરા મારતો હતો. જેથી તેને ઘરની આજુબાજુ નહીં આવવા માટે ઠપકો આપ્યો હતો.
જે બાદ ઘરની બહાર તમામ આરોપીઓ હાજર હતા અને વિજય ગમારાના હાથમાં લાકડી હતી. જેથી ઘરની બહાર નીકળીને વનરાજભાઈએ તેમને પૂછ્યું હતું કે, તમે અહીંયા શું કરવા માટે આવેલા છો ત્યારે વિજય ગમારા કહ્યું હતું કે, તમે મનીષને કેમ ઠપકો આપ્યો છે એમ કહી બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને અપશબ્દો બોલ્યા હતા. એ સમયે વનરાજભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતા ચારેય શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે વનરાજભાઈને ઢોર માર માર્યો હતો.
ઝઘડા વખતે તેમને બચાવવા માટે ઘરમાંથી તેમના ભાભી બહાર નીકળ્યા હતા. ત્યારે ચારેય ઇસમોએ લાકડી વડે માર મારી અપશબ્દો બોલી ત્યાંથી નાસી ગયા હતા. વાંકાનેર સિટી પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.