પર્વ આવ્યા, પ્રકાશ ક્યાં?:મોરબીના અનેક વિસ્તારોમાં અંધારા 15 દિવસનું પાલિકાને અલ્ટિમેટમ

મોરબી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામાજિક કાર્યકરો લડાયક મૂડમાં

પાલિકાની ચૂંટણી સમયે મોરબીને સાચા અર્થમાં પરિસ બનાવવાની મસમોટી વાતો કરી 51 બેઠક કબજે કરનાર ભાજપના સતાધિશો હાલ ઘરમાં ઘૂસીને બેસી ગયા છે. સમગ્ર શહેરમાં લાંબા સમયથી અંધારપટ્ટ હોવા છતાં સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવાની કોઈ તસ્દી લેતું નથી. અનેક વિસ્તારો અને મુખ્ય રસ્તા લાઈટ ન હોવાથી રાત્રે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. હાલ નવરાત્રી પર્વ શરૂ થઈ ગયું છે અને આગામી દિવસોમાં દિવાળી પર્વ આવી જશે. હવે સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવામાં ક્યાં શુભ ચોઘડિયાની રાહ જોવામાં આવી રહી છે? તે એક સવાલ છે.

શહેરના સામાકાંઠે નટરાજ ફાટકથી સ્મશાન રોડ ઉપર છેલ્લા સાત મહિનાથી સ્ટ્રીટ લાઈટ બંધ છે. તેમજ પી.ડબ્લ્યુ, ડી. કચેરી તથા ત્રાજપર ચોકડીથી તાલુકા પોલીસ સ્ટેશન સુધીના રોડ ઉપર અમુક લાઈટો ચોરાઈ ગઈ અને અમુક લાઈટ બે માસથી બંધ છે. આ ઉપરાંત ઉમા ટાઉનશીપથી ધરમપુર જીઇબીવાળા રોડ ઉપરની લાઈટો છેલ્લા સાત મહિનાથી બંધ અને સ્મશાન રોડ પરની લાઈટો ગૂમ છે.

તે લાઈટ નવી ફિટ કરવામાં આવે તેવો પાલિકાને આદેશ કરવામાં આવે તેવી મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, અશોકભાઈ ખરચરીયા, મુસાભાઈ બ્લોચ અને જીજ્ઞેશભાઈ પંડ્યાએ કલેક્ટરને રજૂઆત કરી હતી, સાથોસાથ એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે સ્ટ્રીટ લાઇટની આ મૂળભૂત સમસ્યાનો કાયમી ઉકેલ આવનારા 15 દિવસોમાં લાવવામાં નહીં આવે તો પાલિકાને તાળાબંધી કરીને તેમને ઢંઢોળવામાં આવશે. સામાજિક કાર્યકરોએ સાથે મળીને પ્રકાશના પર્વ સમયે અજવાળા ન પથરાય તો આક્રમક કાર્યક્રમો આપવાની ચીમકી આપીને પાલિકાના અધિકારીઓને ઢંઢોળવા લડાયક મૂડના દર્શન કરાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...