આખરે પરિવારને ન્યાય મળ્યો:મોરબીમાં માસૂમ બાળકીને હવસનો શિકાર બનાવનાર નરાધમને કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબીમાં ત્રણ વર્ષની માસૂમને હવસનો શિકાર બનાવી દુષ્કર્મ આચરનાર ઈસમ વિરુદ્ધ મોરબીની સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવી નરાધમને 20 વર્ષની સખ્ત કેદની સજા સાથે 20,000નો દંડ ફટકાર્યો છે. તેમજ ભોગ બનનાર બાળકીને રૂ.4 લાખ તેમજ ગુનેગાર દંડની રકમ ભરે તે સહીત 4.20 લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો છે.

બાળકી સાથે છેડછાડ કરી દુષ્કર્મ આચર્યું
જે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં રહેતા પરિવારની ત્રણ વર્ષની બાળકી ઘર પાસે રમતી હોય ત્યારે પાડોશમાં રહેતા આરોપી રમેશ બાબુ કોળી નામના ઇસમેં બાળકી સાથે છેડછાડ કરી દુષ્કર્મ આચર્યું હતું. જેથી બાળકીના ગુપ્ત ભાગે લોહી નીકળતા બાળકી રડતી રડતી ઘરે જતા સમગ્ર મામલે ભાંડો ફૂટ્યો હતો. જે બનાવને પગલે સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. પોલીસે આરોપી રમેશ માનેવાણીયા નામના ઈસમને ઝડપી લીધો હતો અને કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી.

કોર્ટે રૂ.4 લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો
જે દુષ્કર્મ અને પોક્સો એક્ટ મુજબનો કેસ આજે સ્પેશ્યલ પોક્સો જજ ડી.પી.મહીડા સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સંજયભાઈ દવેએ રજુ કરેલ 18 મૌખિક પુરાવા અને 26 દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈને સ્પેશ્યલ પોક્સો કોર્ટે આરોપી રમેશ માનેવાણીયાને કસુરવાન ઠેરવ્યો હતો. માસૂમ બાળકી સાથે હેવાનિયત આચરનારને કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને રૂ.20,000નો દંડ ભરવા હુકમ કર્યો હતો અને ગુનેગાર જો દંડની રકમ ના ભરે તો વધુ 1 વર્ષની સખ્ત કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. સાથે જ ભોગ બનનારને રૂ.4 લાખ તેમજ રૂ.20,000 આરોપી દંડ ભરે તે સહીત કુલ રૂ.4.20 લાખનું વળતર ચુકવવા અને દંડ ન ભરે તો રૂ.4 લાખનું વળતર ચુકવવા આદેશ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...