પતિની નજર સામે પત્નીનું મોત:ટંકારાના ધ્રુવનગર નજીક ટ્રકની અડફેટે ચડી જતા દંપતીનો અકસ્માત; લગ્નપ્રસંગમાં જતાં સમયે હાઈવે પર કાળ ભેટયો

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબી-રાજકોટ હાઈવે પર છાશવારે અકસ્માતો સર્જાતા રહે છે. જેમાં આજે ધ્રુવનગર ગામ નજીક બાઈક સવાર દંપતીને ટ્રક ચાલકે ઠોકર મારતાં અન્ય ટ્રકની નીચે આવી જતા પતિની નજર સામે પત્નીનું મોત થયું હતું. જયારે પતિને ઈજા પહોંચી હતી. જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના રવાપર રોડ પર સરદાર પટેલ સોસાયટીના રહેવાસી ચંદ્રકાંતભાઈ ગોરધનભાઈ ખરચરીયા (ઉ.વ.38) અને તેના પત્ની નીતાબેન ચંદ્રકાંતભાઈ ખરચરીયા (ઉ.વ.36) બંને બાઈક લઈને મોરબીથી રાજકોટ જવા નીકળ્યા હતા. ત્યારે ધ્રુવનગર ગામ નજીક જીવા મામા મંદિર પાસે અજાણ્યા ટ્રકના ચાલકે બાઈકને ઠોકર મારતા બાઈક સવાર દંપતી નીચે પડી ગયા હતા. ત્યારે પાછળથી આવતા બીજા ટ્રકનું ટાયર ફરી વળતાં નીતાબેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જયારે ચંદ્રકાંતભાઈને પણ ઈજા પહોંચી હતી. બનાવને પગલે મૃતદેહ પીએમ અર્થે ટંકારા સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો. ટંકારા પોલીસે બનાવ મામલે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ દંપતી રાજકોટ લગ્નપ્રસંગમાં જતું હતું ત્યારે હાઈવે પર કાળનો ભેટો થતા દંપતીને અકસ્માત નડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...