મોરબી-હળવદમાં અપમૃત્યુના બે બનાવો:તળાવની બાજુમાંથી દંપતીનો મૃતદેહ મળ્યો; ન્હાવા ગયેલા યુવકનો દોઢ દિવસ બાદ મૃતદેહ મળ્યો

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

હળવદ તાલુકાના ટીકર ગામમાં દંપતીના મૃતદેહ મળી આવ્યા હતા. ત્યારે દંપતીએ આપઘાત કર્યો છે કે, અન્ય કાઈ તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તો જેતપર ગામમાં તળાવમાં બે દિવસ પૂર્વે ડૂબેલા યુવાનનો મૃતદેહ મળી આવતા બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી છે.

પતિ-પત્નીનો સાથે મૃતદેહ મળી આવ્યો
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ટીકર ગામની સીમમાં તળાવની બાજુમાંથી સરોજબેન શૈલેશભાઈ સુરાણી અને શૈલેશભાઈ નાગરભાઈ સુરાણી રહે બંને હાલ ટીકર (રણ) મૂળ બુટવડા તા. હળવદ વાળાના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતક પતિ-પત્ની હોય જે બંનેના મૃતદેહ એક સાથે મળી આવ્યા હતા. જે બનાવ મામલે હળવદ પોલીસે નોંધ કરી છે અને દંપતીનું મોત કેવી રીતે થયું તે દિશામાં તપાસ ચલાવી છે. પોલીસે બંનેના મૃતદેહ પી.એમ. અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે અને દંપતીએ સજોડે આપઘાત કર્યો છે કે, પછી અન્ય કાઈ તે તપાસ હાથ ધરી છે.

તળાવમાં ડૂબેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો
જયારે બીજા બનાવમાં મોરબીના જેતપર ગામમાં આવેલ તળાવમાં સાંજના સુમારે ન્હાવા ગયેલ યુવાન ડૂબ્યો હતો. જે મામલે જાણ કરતા મોરબી ફાયર ટીમ ઘટનીસ્થળે દોડી ગઈ હતી અને તરવૈયાઓની ટીમે શોધખોળ ચલાવી હતી. જોકે સાંજે અંધકાર થઇ જતા રેસ્ક્યુ ઓપરેશન સ્થગિત કરવું પડ્યું હતું અને બાદમાં ફરીથી શોધખોળ ચલાવવામાં આવી હતી. આમ છતાં દોઢ દિવસ સુધી ફાયર ટીમે સર્ચ કરતા આખરે યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. ફાયર વિભાગ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક રવિન્દ્રસિગ ઉર્ફે સન્ની નામના 35 વર્ષના યુવાન હોવાનું જાણવા મળ્યું છે. ગત તા. 07ના રોજ સાંજના સુમારે યુવાન ડૂબ્યો હતો અને આજે તા. 09ના રોજ બપોરે 1 કલાકની આસપાસ મૃતદેહ મળી આવ્યો હતો. તો બનાવ મામલે મોરબી તાલુકા પોલીસની ટીમ દોડી ગઈ હતી અને યુવાનના મૃતદેહને પી.એમ. અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મોરબી તાલુકા પોલીસે અપમૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

અન્ય સમાચારો પણ છે...