તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મન્ડે પોઝિટિવ:કોરોનાએ પ્રાણવાયુની કિંમત સમજાવી વૃક્ષજતન માટે થાય છે સહિયારા પ્રયાસો

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુદરતે મફત આપ્યું, હવે કિંમત ચૂકવવી પડી રહી છે
  • મોરબીમાં અલગ અલગ સંસ્થાઓ કુદરતી રીતે ઓક્સિજનનું પ્રમાણ વાતાવરણમાં જળવાઇ રહે તે માટે આગળ આવી

કોરોનાની બીજી લહેરમાં જે રીતે હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડર માટે રઝળપાટ થઈ તેનાથી હવે કુદરતે આપેલી આ અમૂલ્ય ભેટનું મહત્વ સમજાયુ છે.અને કુદરતની આ ભેટનું વાતાવરણમાં બેલેન્સ જળવાય તે અગત્યનું છે અને તેના માટે વધુને વધુ વૃક્ષ ઉછેરવા પડશે. જનસામાન્યને જીવનમાં ઓક્સિજન વાયુ અંગે ખૂબ જ સભાનતા આવી છે. વ્યક્તિના જીવનમાં ઓક્સિજન વાયુનું કેટલું મહત્વ રહેલું છે તેની પણ સમજણ આવતા ધીમે ધીમે વૃક્ષ જતન તરફ આગળ વધી રહ્યા છે.

પ્રકૃતિની રચના પ્રમાણે વૃક્ષો મનુષ્યો માટે પ્રાણ વાયુ એટલે કે ઓક્સિજન પેદા કરે છે. વૃક્ષો ઓક્સિજન ઉત્પાદન સિવાય પણ મનુષ્ય જીવનમાં અનેક રીતે ઉપયોગી છે તેમ છતાં આધુનિકતાની દોડ પાછળ મનુષ્ય વૃક્ષોનું જતન કરવાનું ભૂલ્યો હોય તેવું પ્રતિત થાય છે. ત્યારે જાગ્યા ત્યાંથી સવાર એમ માનીને મોરબીની અનેક સંસ્થાઓ પર્યાવરણ જતન માટે આગળ આવી છે અને સહિયારા પ્રયાસો કરી ઓક્સિજનનું પ્રમાણ જળવાય રહે તે માટે લોકોના સાથથી જહેમત ઉઠાવી રહી છે.

કિસ્સો-1 : સિરામિક ટ્રેડિંગ એસો. ઓક્સિજન કિટ સાથે રોપા આપે છે
કોરોનામાં જ્યારે દર્દીઓને ઓક્સિજન લેવામાં તકલીફ પડે છે ત્યારે વૃક્ષોનું મહત્વ કેટલું છે તે પણ જણાઇ રહ્યું છે.વૃક્ષોની મહત્તા અંગે જાગૃતિ ફેલાય તેવા શુભ હેતુથી મોરબી સિરામીક ટ્રેડીંગ મિત્ર મંડળ દ્વારા કોરોના કાળમાં જીવનરક્ષક રોપાઓનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. જોકે તેઓની રોપા આપવાની પદ્ધતિ બિલકુલ અનોખી છે.

કોરોનાના કપરા કાળમાં દર્દીઓ માટે ઓક્સિજન સિલીન્ડર તેમજ કીટની જરૂરિયાત હોય તો સામાન્ય ૨૦૦૦ રૂપિયા ડિપોઝીટ ભરીને કોઇને પણ આપવામાં આવે છે અને કીટ પરત આપવા આવે ત્યારે ડિપોઝીટની રકમની સાથોસાથ વ્યક્તિને પ્રાણ વાયુનું મુલ્ય સમજાવવા માટે નિઃશુલ્ક પાંચ રોપા આપવામાં આવે છે અને તેના ઉછેરની જવાબદારી અંગેનું ભાન કરાવી તેઓની પાસેની સંકલ્પ પણ લેવડાવાય છે.

કિસ્સો-2 : કોવિડ સેન્ટરમાં દર્દીઓ સાજા થતા વૃક્ષો વાવી ઘરે જાય છે
કોરોના મહામારીમાં અસંખ્ય લોકો ઓક્સિજનના અભાવે મૃત્યુ પામ્યા છે ત્યારે પ્રાણવાયુ ઓક્સિજનનો સૌથી મોટો સ્ત્રોત જો કોઈ હોય તો તે વૃક્ષ છે માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા લોકોને સતત વૃક્ષારોપણ માટે પ્રોત્સાહીક કરવામાં આવ્યા છે. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ચાલી રહેલા સમરસતા કોવિડ કેર સેન્ટર પર અત્યાર સુધીમાં અનેક લોકો સંપૂર્ણ સ્વસ્થ થઈને પોતાના ઘરે જઇ શક્યા છે ત્યારે બધા દર્દીઓ અને તેના સ્નેહીજનો ને એક - એક છોડ આપી તેમને વૃક્ષારોપણ કરી તેમનું જતન કરવાનો સંકલ્પ લેવડાવી તેમજ પ્રકૃતિ સંપદાનું મહત્વ સમજાવી પ્રોત્સાહિત કરેલ છે.

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંચાલિત સમરસતા કોવિડ સેન્ટર પર મેડિકલ સ્ટાફ તથા સ્વયંસેવકો દ્વારા વૃક્ષા રોપણ કરી પર્યાવરણનું જતન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો લોકો વધુ ને વધુ વૃક્ષ વાવે તેવી અપીલ યંગ ઇન્ડિયા ગ્રુપ ના મેન્ટર દેવેનભાઈ રબારી દ્વારા કરવા માં આવી છે.

કિસ્સો-3 : જૂના નાગડાવાસ ગામે ઘર દીઠ 1 એમ 351 વૃક્ષ રોપાશે
વૃક્ષોનું વધુને વધુ વાવેતર થાય,ઉછેર થાય એ માટે જુના નાગડાવાસ સેવા સમિતિએ કમર કસી છે, ગ્રામજનો 1100 રૂપિયા પ્રત્યેક્ષ વૃક્ષ ઉછેર માટે દાન પેટે પોતાના સ્વજનોની યાદગીરી રૂપે સ્વેચ્છાએ ફાળવે એવો મત સેવા સમિતિ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.જેમાં પ્રથમ બેઠકમાં જ 50 દાતાઓએ પોતાનો ફાળો આપીને વૃક્ષારોપણમા મદદ કરી હતી.

​​​​​​​આવનાર સમયમાં સમિતિનો એક ઘર એક વૃક્ષનો ટાર્ગેટ રાખીને 351વૃક્ષો વાવવાનો અભિગમ રાખવામાં આવ્યો છે. તેમજ બેઠકમાં વધુમાં વધુ ગ્રામજનો વેક્સિન લે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી. નોંધનીય છે કે ગામની પશ્ચિમે આવેલ એકલવીર હનુમાન અને ઐતહાસિક તળાવની પાળ પર આ વૃક્ષારોપણની વૃક્ષ વાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...