મોરબીમાં મોરબી એસ્યોર્ડ એપ્લીકેશનમાં શ્રમિકોની નોંધણી માટેનું જાહેરનામું જિલ્લા અધિક કલેક્ટર દ્વારા અમલી કરવામાં આવ્યું છે. ત્યારે જાહેરનામાનો ભંગ કરનાર કોન્ટ્રાક્ટરો અને પરપ્રાંતીય મજૂરને ખેતીકામે રાખનાર ખેડૂતો સહિત કુલ 13 લોકો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરી છે તો હોટલ નિયમો ન પાળનાર 3 હોટલ સંચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, ટંકારાના ધ્રોલીયા ગામની સીમમાં ખેતરમાં જોધા ઝાપડાએ પરપ્રાંતીય કામદારોને મજૂરી કામે રાખીને પોલીસને જાણ ના કરતા તેની સામે કાર્યવાહી કરાઈ છે. તો અમરાપર રોડ ઉપર હુસેની પોલ્ટ્રી ફાર્મના ઉસ્માન બાદી તથા લતીપર ચોકડીએ ભંગારના ધંધાર્થી સાંવરલાલ હરજીરામ ગુર્જરએ પરપ્રાંતીય મજુરોને કામે રાખી મોરબી એસ્યોર્ડ એપમાં નોંધણી ના કરતા કાર્યવાહી ટંકારા પોલીસે હાથ ધરી છે.
મોરબીના વાઘપર ગામની સીમમાં આવેલી શિવ મિનરલના માલિક દિનેશ નરભેરામ બાવરવા, લીલાપર ગામની સીમમાં ઇટનો ભઠ્ઠો ધરાવતા ધર્મેશ ચંદુલાલ પાટડીયા, જુના ઘુટુ રોડ ઉપર વિકાસ સીરામીક કારખાનાના લેબર કોન્ટ્રાકટર હેમંતકુમાર ગુપ્તા, પીપળી ગામની સીમમાં એલડોરાડો રોકસ્ટોન કારખાનાના કોન્ટ્રાક્ટર લેબાજી ઠાકોર, પીપળી ગામની સીમમાં આવેલ પૂજા મિનરલના માલિક મનીષ કોટડીયા, વાંકાનેમાં રાજા વડલા ગામની સીમમાં આવેલી હામવી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના કોન્ટ્રાક્ટર સોકત સિંધી, વાંકાનેરમાં સિગ્નેચર સિરામિકના કોન્ટ્રાક્ટર દેવરાજ પરમાર વિરુદ્ધ, માળીયામાં માળીયા જામનગર હાઇવે ઉપર સિવાયા એગ્રીકોમના સુપરવાઈઝર વિરલ જયેશભાઇ માનસરા, ખાખરેચી ગામની સીમમાં વાઈટ ટોન માઇક્રોન નામના કારખાનાના કોન્ટ્રાકટર લલીત ફેફર અને હળવદ જીઆઇડીસીમા લક્ષ્મી ગવાર નામના કારખાનાના કોન્ટ્રાકટર ઋષિકેશસિંગ ઠાકુર સહિતના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પોલીસે જાહેરનામાં ભંગ બદલ ગુન્હો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.
જિલ્લામાં હોટલ સંચાલકો માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે અનુસાર મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તમામ હોટલો તેમજ ગેસ્ટ હાઉસ ખાતે પ્રાંત, રાજ્ય, દેશ, વિદેશથી આવતા તમામ મુસાફોરોની વિગત આ પથિક સોફ્ટવેરમાં હોટલના માલિક કે સંચાલકોએ નોંધી અપલોડ કરવાની રહેશે. ત્યારે આ જાહેરનામાનો અમલ ન કરનાર 3 હોટલ સંચાલકો વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં જેલ રોડ ઉપર આવેલ ગુરુકૃપા હોટલના સંચાલક ચેતન મકવાણા અને રવાપર રોડ ઉપર ક્રિમ પેલેસ હોટલના સંચાલક રાકેશ ભોજવાણી અને ટીંબડી પાટીયા પાસે અશ્વમેઘ હોટલના દેવરાજસંગ ભાટીયા વિરુદ્ધ પથિક સોફ્ટવેરમાં મુસાફરોની નોંધ ન કરી જાહેરનામનો ભંગ કરવા બદલ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.