પ્રજાના પ્રશ્નોને લઈને કોંગ્રેસ રસ્તા પર ઉતરશે:મોરબીમાં 10મીએ મોંઘવારી-બેરોજગારી મુદ્દે કોંગ્રેસનું બંધનું એલાન, લોકોને સ્વેચ્છાએ જોડાવા અપીલ

મોરબી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. તમામ રાજકીય પક્ષો હવે મતદાતાઓને રીઝવવા મેદાનમાં ઉતર્યા છે. ત્યારે હવે કોંગ્રેસે પણ વિધાનસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને કોંગ્રેસ કોઈપણ ભોગે સત્તા હાંસલ કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે. જેને પગલે આજે અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 10 સપ્ટેમ્બરે ગુજરાત બંધનું એલાન આપ્યું છે. કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને પગલે હવે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ જયંતિલાલ જે. પટેલ દ્વારા પણ જિલ્લાના સર્વે નાગરિકોને આ ચળવળમાં જોડાવવા માટે અપીલ કરી હતી.

જયંતિલાલ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા આઠ વર્ષથી કેન્દ્રમાં અને ગુજરાતમાં સત્યાવીસ વર્ષથી ભાજપ સરકારની પ્રજા વિરોધી નિતીઓને કારણે ભારત અને ગુજરાતમાં રહેતા ગરીબો, મજુરો, વેપારીઓ, નાના દુકાનદારો, નાના ઉધ્યોગકારો, કિશાનો, મધ્યમવર્ગનાં લોકો હેરાન પરેશાન થઈ ગયા હોવાનું કહ્યું હતું. આ ઉપરાંત પેટ્રોલ, ડીઝલ, ગેસ, મોંઘા થવાનાં કારણે મોંઘવારી ચરમ સીમાએ પહોંચી છે. ઉપરથી પ્રજાને રાહત આપવાની જગ્યાએ અનાજ, ઘઉંનો લોટ, દુધ, દહી, માખણ, પનીર, ગોળ, મધ જેવી જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ઉપર જી.એસ.ટી લગાવી પ્રજાનાં ઘા ઉપર મીઠું ભભરવાનું કામ કેન્દ્રની ભાજપ સરકારે કર્યું અને તેમના આ અસંવેદનશિલ અને સરમુખત્યારી કેન્દ્ર અને રાજ્ય સરકારનાં અવિચારી અને પ્રજા વિરોધી નિર્ણયથી પ્રજાજનોની હાડમારીમાં ખુબજ વધારો થયો છે તેમ તેમણે જણાવ્યું હતું.

તેમણે અપીલ કરતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા થતી હેરાનગતિ, પરેશાની, મોંઘવારી આ બધાથી સમગ્ર ગુજરાતની પ્રજા પીડિત હોય, ત્યારે આ પીડિત પ્રજાના પ્રશ્નોને લઈને આ બંધનું કરવામાં આવ્યું છે. આ જન આંદોલનને સાથ આપવા તા. 10 ને શનિવારના રોજ સવારે 08:00થી બપોરે 12:00 વાગ્યા સુધી આંશિક બંધના એલાનનો અમલ કરી મોરબીના પ્રજાજનો, વેપારીઓ, દુકાનદારો, નાના ઉધ્યોગકારોને સરકારની પ્રજા વિરોધી નીતિઓ સામે આક્રોશ વ્યક્ત કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા અપીલ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...