ભુલમાં માસૂમોને માર્યો ઢોરમાર:મોરબીમાં ચોર સમજી નેપાળી યુવાનોને માર મારનાર ટોળા વિરુદ્ધ ફરિયાદ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબીના શકત શનાળા ગામના રહેવાસી નરેશભાઈ માધવજીભાઈ કાંજીયાએ આરોપી નવીનભાઈ નકુમ રહે ગંદરાની વાડી, પ્રવીણભાઈ નકુમ રહે ખેરની વાડી, મહેશભાઈ કણઝારીયા રહે ખેરની વાડી, સુરેશભાઈ પરમાર રહે ગધેઈની વાડી અને રઘુભાઈ દાનાભાઈ નકુમ રહે. ગંદરાની વાડી તેમજ 15 અજાણ્યા ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, આરોપીઓએ તેની માધવ હોટેલમાં કામ કરતા માણસોને ચોર સમજી માર મારી લાકડાના ધોકા, પાઈપ અને લાકડીઓ તેમજ ઢીકા, પાટું મારી ઈજા કર્યાનું જણાવ્યું છે.

બનાવમાં ફરિયાદી માધવ હોટેલના સંચાલક નરેશભાઈ કાંજીયાએ જણાવ્યું છે કે, તેની હોટેલમાં વેઈટર અને હેલ્પર તરીકે કામ કરતા નેપાળી જીવન દલભાઈ સુથારી, વિકાસ રામસિંગ પરીયાર, કમલ દંગલીભાઈ પરીયાર, કિરણ નીતિન પરીયાર અને સુજાન પદમભાઈ મગર સહિતના લોકો કામ કરે છે. જેમાં નેપાળી વિકાસ રામસિંગ પરીયારના મોટાભાઈ ગેની રામસિંગ પરીયારના દીકરાનો જન્મદિવસ હોવાથી તેઓ હોટેલથી કામ કરીને જન્મદિવસ માટે રવાપર તરફ ગયા હતા. તે દરમિયાન ગંદરાની વાડી પાસે તેને કેટલાક લોકોએ અહીંથી કેમ નીકળો છો કહીને રોક્યા હતા.

બનાવ અંગે જાણ થતા ફરિયાદી નરેશભાઈ કાંજીયાએ મોબાઈલ ફોનમાં વાત કરી તે તમામ લોકો તેમની હોટેલમાં કામ કરતા હોવાનું જણાવ્યું હતું. તેમજ બાદમાં તેઓ સ્થળ પર ગયા હતા જ્યાં 40થી 50 લોકોનું ટોળું ઉભું હતું. અને હોટેલમાં કામ કરતા 5 નેપાળી માણસો ત્યાં હાજર હતા. ત્યારે આરોપી નવીનભાઈ નકુમ, પ્રવીણભાઈ નકુમ, મહેશભાઈ કણઝારીયા, સુરેશ પરમાર, રઘુભાઈ નકુમ અને બીજા 15 માણસો લાકડી, લાકડાના ધોકા અને પાઈપ વડે માર મારી ઢીકા પાટું માર મારવા લાગ્યા હતા. અને આ લોકો ચોર છે ચોરી કરવા અમારા વિસ્તારમાં મોડી રાત્રીના આવેલ છે તેમ લોકોએ માર માર્યો હતો. ઘટનામાં 5 આરોપી અને અન્ય 15 અજાણ્યા ઇસમોએ હોટેલમાં કામ કરતા 5 નેપાળીને ચોર સમજી રસ્તામાં રોકી માર મારી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

અન્ય સમાચારો પણ છે...