• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Complaint Against 3 Contractors Regarding Labor In Wankaner, Scuffle With Woman's Advocate, 10 Gamblers Nabbed With Rs 7.02 Lakh

મોરબી ક્રાઇમ ન્યૂઝ:વાંકાનેરમાં શ્રમિકો બાબતે 3 કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ, મહિલાની એડવોકેટ સાથે ઝપાઝપી, 10 જુગારીઓ 7.02 લાખ રૂપિયા સાથે ઝડપાયા

મોરબી20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ત્રણ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો
મોરબીથી વાંકાનેર સુધી ફેલાયેલા સિરામિક સહિતના ઉદ્યોગમાં લાખો પરપ્રાંતીય શ્રમિકો રોજગાર અર્થે આવે છે. અહીં વસતા શ્રમિકોની માહિતી માટે જાહેરનામું અમલી છે. તેનો અમલ ના કરનાર ત્રણ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેર તાલુકા પોલીસ ટીમે લાકડધાર રોડ પર આવેલ સદ્ભાવ સિરામિક કારખાનાના કોન્ટ્રાકટર કિરીટસિંહ તુવાર (ઉ.વ.35), લેમ્બ સિરામિકના કોન્ટ્રાક્ટર સોનુંકુમાર નિષાદ (ઉ.વ.32), ઈટકોસ સિરામિકના કોન્ટ્રાકટર શૈલેષ ધનજીભાઈ ડાકા (ઉ.વ.44) વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ત્રણેય કોન્ટ્રાકટરોએ જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાં મુજબ MORBI ASSURED એપ્સમાં પરપ્રાંતીય શ્રમિકનું રજીસ્ટ્રેશન કરાવ્યું નહોતું. તેમણે શ્રમિકોના ID પ્રુફ ના બનાવી તેમજ એપ્સમાં રજીસ્ટ્રેશન ના કરાવી જાહેરનામાંનો ભંગ કર્યો હતો.

મોરબીમાં મહિલા અને વકીલ વચ્ચે ઝપાઝપી
મોરબીના મંગલ ભુવન ચોક પાસે એક મહિલાએ જૂની અદાવતનો ખાર રાખી એડવોકેટ સાથે જાહેરમાં ઝપાઝપી કરી હતી. એડવોકેટ ગામમાં ખોટી વાતો કરે છે કહીને મહિલાએ અપશબ્દો બોલી અને તેમની પીઠમાં નખ વડે ઈજા કરી ઝાપટો મારી હતી. મહિલાએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

મોરબીના શનાળા રોડ પર અંજની એપાર્ટમેન્ટમાં રહેતા રજાકમિયા અબ્બાસમિયા બુખારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત 26 ફેબ્રુઆરીના રોજ સાંજના સુમારે તે મંગલભુવન ચોકમાં આવેલ બોમ્બે મોબાઈલ દુકાન પાસે કામથી ગયા હતા. ત્યારે આરોપી રેશ્માબેન વિડજા તેના પાડોશમાં રહેતા કાનાભાઈની રીક્ષામાં બેસીને આવ્યા હતા. રેશ્માબેને આવીને તું મારી ગામમાં શું ખોટી વાતો કરે છે કહીને અપશબ્દો કહેવા લાગ્યા હતા. બાદમાં બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. ત્યાં હાજર રફીકભાઈ અજમેરી અને મેહબૂબ સુમરા બંને આવી જતા વચ્ચે પડી તેમને છોડાવ્યા હતા.

રેશ્માબેને કહ્યું હતું કે આજે તો તું બચી ગયો છું, ફરીવાર મળીશ તો તને જાનથી મારી નાખીશ તેવું કહેવા લાગ્યા હતા. બાદમાં લોકો ભેગા થઇ જતા રિક્ષામાં બેસી જતા રહ્યા હતા. આમ આરોપી રેશ્માબેન વિડજાએ અગાઉ એડવોકેટ વિરુદ્ધ ફરિયાદ કરી હતી, પરંતુ ત્યારે તેઓ જામીન પર છૂટી ગયા હતા. તે રેશ્માબેનને સારું નહિ લાગતા બોલાચાલી કરી અપશબ્દો બોલ્યા હતા. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મોરબી સિટી એ ડિવીઝન પોલીસે આરોપી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

જુગારીઓ પાસે થી 15 મોબાઈલ સહિત 7 લાખનો મુદ્દામાલ જપ્ત
મોરબી પંથકમાં જુગાર રમતા લોકોને કાયદાનું ભાન કરાવવા પોલીસ ટીમ સતત કાર્યરત છે. ત્યારે મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ ઑફિસમાં જુગાર રમતા 10 જુગારીઓને ઝડપી લઈને પોલીસે 2.91 લાખની રોકડ રકમ, 15 મોબાઈલ અને 3 વાહન સહિત 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આરોપી પ્રિયદર્શન ઠાકરની ઑફિસમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતો હોવાની બાતમી મળતા LCBએ દરોડો પાડ્યો હતો. ત્યાં LCBએ જુગાર રમતા પ્રિયદર્શન ઉર્ફે પી.પી.પૂર્ણશંકર ઠાકર, ભરતભાઈ તળશીભાઈ સાંદેશા, અક્ષય મગનભાઈ વિઠ્ઠલાપરા, કાળું ગંગારામભાઈ મોરતરીયા, કાંતિલાલ માવજીભાઈ શેરશીયા, દિનેશભાઈ વલ્લભભાઈ રંગપરીયા, રણદીપ હરજીભાઈ કાવઠીયા, જયેશ કેશવજીભાઇ કલોલા, રમજાન ગફુર માલાણી અને કપિલ ભગવાનજીભાઈ અઘારા એમ 10 જુગારીઓને ઝડપી લીધા હતા.

સ્થળ પરથી પોલીસે રોકડ રકમ રૂ. 2,91,400 તેમજ 81 હજારના 15 મોબાઈલ અને 3.30 લાખના 3 વાહન મળીને કુલ 7,02,400નો મુદામાલ જપ્ત કર્યો હતો. તમામ વિરુદ્ધ એ ડિવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...