માળિયાના સુલતાનપુર ગામના ભુપતભાઈ ભગવાનજીભાઈ દશાડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, 8 માસ પૂર્વે તેના પુત્રની ધોરણ 11-12 સાયન્સની ફી ભરવાની અને ખેતી કામમાં બિયારણ માટે પૈસાની જરૂરત હોવાથી કુટુંબી ભાઈ રમેશ ગોરધન દશાડીયાને વાત કરી હતી. જેથી તેના મિત્ર અમુભાઈ પ્રભાતભાઈ રાઠોડ વ્યાજે પૈસા આપે છે તેમ કહેતા નાગડાવાસના પાટિયા પાસે રામદેવ હોટેલે ગયા હતા. ત્યાં અમુભાઈ રાઠોડને વાત કરતા 2.50 લાખ પાંચ ટકા લેખે લીધા હતા. જેમાં રૂ. 50 હજાર ભાઈ રમેશભાઈને આપ્યા હતા. જેના બદલામાં માળિયા બેંકના બે કોરા ચેક આપ્યા હતા અને દર મહીને રોકડ રૂ. 10,000 વ્યાજના આપતા હતા.
3 મહિના પૂર્વે આરોપી અમુભાઈ રાઠોડનો ફોન આવ્યો હતો. જેમાં તેને રૂપિયાની જરૂરત છે એટલે વ્યાજે આપેલ રૂ. 2.50 લાખ પાછા આપજો કહેતા ફરિયાદીએ હાલ પૈસાની વ્યવસ્થા નથી કહેતા તું ગમે તેમ કર મને મારા પૈસા આપ કહ્યું હતુ. જેથી ભુપતભાઈએ પોતાની કાર 1.20 લાખમાં વેચી અમુભાઈ રાઠોડને રૂપિયા આપ્યા હતા અને બીજા પેનેલટી લેખે રૂ. 40,000 આપ્યા હતા. છતાં અવારનવાર પઠાણી ઉઘરાણી કરતા હતા અને ગત તા. 20ના રોજ ભત્રીજો હિતેશ વાસુદેવ દશાડીયા આરોપીને સમજાવવા જતા વ્યાજે આપેલ રૂપિયાની માંગણી કરી હતી.
તેમજ દોઢેક વર્ષ પૂર્વે પૈસાની જરૂરીયાત હોવથી દેવીસિંહ પ્રતાપસિંહ ગઢવી મોરબી ગાંધી ચોકમાં આવેલ કરીયાણા દુકાન પાસેથી રૂ. 1.50 લાખ 3 ટકા લેખે લીધા હતા અને સાતેક મહિના પહેલા દેવીસિંહને રોકડા રૂ. 1 લાખ આપ્યા હતા. ચારેક મહિના પહેલા દેવીસિંહને રોકડા રૂ. 55,000 આપ્યા હતા અને વ્યાજના રૂપિયા આપવાના પણ રહેતા હતા. જેથી તે અવારનવાર ફોન કરી વ્યાજના પૈસાની ઉઘરાણી કરતા હતા અને વ્યાજના ત્રણ ટકા નહિ પાંચ ટકા લેખે રૂ. 1.50 લાખ આપવાના છે, વ્યાજના પૈસા ના ભરાય તો તારું ટ્રેક્ટર મારા સંબંધી જયંતીભાઈ રામજીભાઈ ચારોલાના ઘરે મૂકી આવજે અને પૈસાની સગવડ થાય ત્યારે લઇ જજે કહ્યું હતું અને ટ્રેક્ટરની ચોપડી લઇ ગયા હતા. જેથી ટ્રેકટર જયંતીભાઈના ઘરે મૂકી આવેલા અને ગત તા. 19 જાન્યુઆરીના રોજ ખેતીકામ કરવાનું હોવાથી ટ્રેક્ટર લઇ આવ્યા હતા જેથી ધમકી આપવા લાગ્યા હતા.
આમ આરોપી અમુભાઈ પ્રભાતભાઈ રાઠોડ અને દેવીસિંહ પ્રતાપસિંહ ગઢવી એમ બે આરોપીએ વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવામાં આવી છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.