તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:કોરોનાથી મૃતકોના પરિવારજનોને ચાર લાખનું વળતર આપો: પરેશ ધાનાણી

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ વિપક્ષના નેતાએ સુવિધાની જાણકારી મેળવી

મોરબી શહેરની સિવિલ હોસ્પિટલ સ્થિત કોવિડ કેર સેન્ટરની ગુજરાત કોંગ્રેસના અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુલાકાત લીધી હતી. આ સમયે વિપક્ષી નેતાએ ટકોર કરી હતી કે કોરોનાની બીજી લહેરે ગુજરાતના હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને તબાહ કરી નાંખ્યું છે. આરોગ્ય સુવિધાઓના અભાવે ગુજરાતના ગામડાઓમાં કોરોના સંક્રમણ વધતું ચાલ્યું છે. ત્યારે મોરબીની સિવિલ હોસ્પિટલમાં આશરે 175 બેડની વ્યવસ્થા જ થઈ શકી છે. ગામડાઓમાં આરોગ્ય વ્યવસ્થાના અભાવે લોકો શહેરોની હોસ્પિટલમાં આવવા માટે મજબુર બન્યા હતા.

દરેક જગ્યાએ સારવાર માટે, ઓક્સિજન માટે, દવા-ઇન્જેક્શનો માટે લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. આવી પરિસ્થિતિ વચ્ચે સરકાર મુઠ્ઠીભર ધારાસભ્યોની સંખ્યા વધારવામાં વ્યસ્ત રહી અને પરિણામે આરોગ્ય ક્ષેત્રમાં વ્યાપેલી અરાજકતાની કિંમત લાખો નાગરિકોએ ચૂકવવી પડી, મોરબી સિવિલમાં સીટી સ્કેન મશીન હોવા છતાં નિષ્ણાંતોના અભાવે લોકોને ખાનગીમા અથવા તો બીજા શહેરો તરફ દોટ લગાવવી પડી હતી.

પરેશ ધાનાણીએ સરકાર પાસે કોંગ્રેસપક્ષ તરફથી માંગણી કરી હતી કે, કોરોનાને કારણે અવસાન પામેલા મૃતકોના પરિજનોને 4 લાખ, સારવારમાં ગંભીર આડ અસરથી મૃત્યુ પામેલા દર્દીઓના પરિજનોને 3 લાખ, શંકાસ્પદ કોવીડ દર્દીના મૃતકના પરિજનોને 2 લાખ, સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હોય એવા દર્દીઓને 1 લાખ, કોવીડ કેરમાં સારવાર મેળવેલા દર્દીને 25 હજાર અને પ્રાથમિક સારવાર લેવી પડી હોય એવા દર્દીને 10 હજાર રૂપિયાની સહાય સરકાર જાહેર કરે એવી માંગણી કરી હતી.

ખુદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જ ગુમ હોવાની ચર્ચા
મોરબી જિલ્લામાં માર્ચ-એપ્રિલમાં કોરોનાએ કહેર મચાવ્યો હતો. લોકોને જ્યારે ઓક્સિજન ટેસ્ટિંગ માટે બેડ માટે લાઈનમાં ઉભા રહેવું પડતું હતું ત્યારે જિલ્લા કોંગ્રેસની ટીમ અને ખુદ જિલ્લા પ્રમુખ લલિત કગથરા પણ મોરબીમાં ભાગ્યે જ ક્યાંય દેખાયા હતા. જો કે યાર્ડની ચૂંટણીમાં કોરોના પોઝિટિવ હોવા છતાં પીપીઈ કીટ પહેરી મતદારો પાસે મત માગવા ગયા હતા. જનતાને ખરેખર નેતાઓની જરૂરિયાત હતી ત્યારે પોતે ગાયબ હોવાથી આ બાબતે તરેહ તરેહની ચર્ચા જાગી છે.

અન્ય સમાચારો પણ છે...