હોળી પર્વ આવી પહોંચતાં બજારમાં તેની રોનક પણ દેખાવા લાગી છે. તો અબીલ ગુલાલ અને રંગો પણ આવી ગયા છે. આ ઉપરાંત ખજૂર ,ધાણી ,પતાસા સહિતની ખાદ્ય ચીજોથી બજાર ઉભરાઇ રહી છે. આજે હોલિકા દહન થશે અને બુધવારે રંગ પર્વ મનાવાશે.
મોરબીની બજારોમાં અવનવી ડિઝાઇનની પિચકારી અને રંગોની સારી એવી આવક થઈ ગઈ છે હાલ બજારમાં સ્પાઇડરમેન, ડોરેમોન, ગનમેન, છોટાભીમ, એવેન્ડર્સ જેવી.પિચકારીઓ 20 થી માંડી ને 1000 સુધીના ભાવે મળે છે.અને આ વખતે પિચકારીમાં 15 થી 20 ટકાનો ભાવવધારો થયો હોવાનું વેપારી જણાવી રહ્યા છે. જો કે હવે લોકોમાં કલર પ્રત્યે ઘણી જાગૃતિ આવી છે. મોટાભાગના લોકો ઓર્ગેનિક કલર જ માંગે છે. જૂની મટોડી કે કેમિકલ જેવા રંગ કોઈ માંગતું જ નથી. લોકો હવે વધુ પૈસા ખર્ચીને પણ સારો કલર માગતા થઇ ગયા છે.
બીજી તરફ ખજૂરના ભાવમાં કિલોએ 10 રૂપિયાનો વધારો થયો છે. અગાઉ હોલસેલમાં ખજૂર રૂ.75 ના ભાવે મળતી હતી. અત્યારે ભાવ વધીને કિલોએ ખજૂરના ભાવ 80 આસપાસ થઈ ગયા છે અને રિટેઇલમાં ખજૂર 90 થી100 રૂપિયાની કિલો છે. જ્યારે ધાણીને તળવા માટેના તેલમાં ભાવો વધ્યા છે. પણ ભાવો વધાર્યા નથી. એટલે ધાણી, દાળિયા, પતાસા, ટોપરું, કલર, હારડામાં ખાસ કશો જ ભાવવધારો થયો નથી.
મજૂરોએ પણ વતન તરફ મીટ માંડી
મોરબીના સિરામિક, અન્ય ઉદ્યોગમાં દાહોદ, ગોધરા, એમ પી થી મોટી સંખ્યામાં મજૂરો પોતાનું પેટિયું રળવા આવે છે જે ધીમે ધીમે પોતાના વતન જવા લાગ્યા છે. હાલ અલગ અલગ ડેપોની ૨૦થી વધુ બસ મોરબી થઈને આવે છે જોકે તે પણ ફૂલ થવા લાગતા એસટી વિભાગે ૩ એક્સ્ટ્રા બસ મૂકી છે.જે ૬ માર્ચ સુધી ચાલશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.