મોરબી જિલ્લામાં જુલાઈ મહિનામાં સાર્વત્રિક વરસાદ થયા બાદ હવે ઓગસ્ટ મહિનામાં ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે. શુક્રવારે જિલ્લામાં 6 મીમીથી લઈ 48 મીમી સુધી વરસાદ પડ્યો હતો. તો હળવદ પંથકમાં ત્રણ સ્થળે વીજળી ત્રાટકી હતી.જેમાં એક ગાય અને એક ભેંસના મોત થયા હતા.જુલાઈ મહિનામાં વરસાદનો બીજો રાઉન્ડ પડ્યો હતો અને સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં અનેક જળાશયમાં નવા નીર આવ્યા હતા તો ખેતરમાં પણ વાવણી લાયક વરસાદ થયો હતો. 10-12 દિવસના વિરામ બાદ ફરી એકવાર મોરબી જિલ્લામાં વરસાદનો નવો રાઉન્ડ શરુ થયો છે અને શુક્રવારથી શ્રાવણી સરવડા શરૂ થયા હતા.
શુક્રવારે વહેલી સવારથી જિલ્લામાં ઘટા ટોપ વાદળો આવી ચઢ્યા હતા અને ધીમી-ધીમી ધારે વરસાદ પડી રહ્યો હતો સવારથી સાંજે 06 વાગ્યા સુધીમાં 06 મીમીથી લઇ 48 મીમી લઇ વરસાદ પડી ગયો હતો.તાલુકા મુજબ જોઈએ તો સૌથી વધુ હળવદ પંથકમાં 48 મીમી વરસાદ પડ્યો હતો. તો સૌથી ઓછો વાંકાનેર તાલુકામાં વરસાદથયો હતો વાંકાનેરમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે માત્ર 06 મીમી વરસાદ નોંધાયો હતો. અન્ય તાલુકાની સ્થિતિ જોઈએ તો મોરબીમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 19 મીમી વરસાદ નોંધાયો હતો, જયારે માળિયા પંથકમાં 37 મીમી અને ટંકારામાં 26 મીમી વરસાદ પડ્યો હતો.
મોરબી જિલ્લામાં વહેલી સવારથી થયેલા વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી બીજી તરફ દીવસભર વાદળ છાયું વાતાવરણ રહેવાના કારણે હવામાં ધુમાડો છવાયો હતો. હળવદ પંથકમાં વહેલી સવારથી મેઘરાજાની મહેરબાની જોવા મળી હતી અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો તો બપોરના સમયે અલગ અલગ ત્રણ સ્થળે વીજળી પડવાની ઘટના સામે આવી છે. હળવદના મથક ગામમાં વિજળી પડતા એક ગાય અને એક ભેસના મોત થયા હતા.
ખેતરમાં વીજળી પડતાં ટ્રાન્સફોર્મર સળગ્યું
હળવદના ખોદ ગામની સીમ વિસ્તારમાં પણ વીજળી પડી હતી. જો કે અહીં કોઈ જાનહાની થઈ ન હતી, આ ઉપરાંત ઈંગોરાળા ગામમાં એક ખેતરમાં ધડાકા સાથે વીજળી પડતા ટ્રાન્સફોર્મર સળગવા લાગ્યું હતું સદનસીબે બનાવ સમયે ત્યાં કોઈ માણસ કે પશુ હાજર ન હોવાથી જાનહાની થઇ ન હતી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.