અધિકારીની પુર્વ મંજુરી ફરજીયાત:મોરબીમાં સબ રજીસ્ટ્રાર ઓફીસમાં દસ્તાવેજોની નોંધણીની પ્રક્રિયા બંધ; જાણો શું છે કારણ?

મોરબી9 દિવસ પહેલા

મોરબી શહેરના અનેક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની સ્થાનિક રહેવાસીઓ અને વિવિધ સંગઠનોની માંગણીને પગલે રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં અશાંતધારો અમલી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આ અંગે રેવન્યુ બાર પ્રેક્ટિશનર એસો. દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને અશાંત ધારા અંગેની 500 મીટરના એરિયા અંગેની માર્ગદર્શિકા નિર્ધારિત કરવાની રજુઆત કરવામાં આવી છે.

સક્ષમ અધિકારીની પુર્વ મંજુરી મેળવવી ફરજીયાત
રેવન્યુ બાર પ્રેક્ટીશનર દ્વારા કલેક્ટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, અશાંતધારા કાયદા મુજબ જે તે વિસ્તાર તથા તે વિસ્તારની 500 મીટરની ત્રિજ્યામાં આવતી તમામ મિલ્કતના હસ્તાંતર માટે સક્ષમ અધિકારીની પુર્વ મંજુરી મેળવવી ફરજીયાત કરવામાં આવેલી છે. જી.આરમાં જે તે વિસ્તાર તથા સર્વે નંબરોનો ઉલ્લેખ કરેલો છે. પણ જે વિસ્તાર તથા સર્વે નંબરો આપેલા છે, તે વિસ્તારથી 500 મીટરની ત્રિજ્યામાં કયા-કયા સર્વે નંબરો તથા કયા કયા વિસ્તારનો સમાવેશ થાય છે. તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવેલી નથી.

સર્વે નંબરો અંગેની માર્ગદર્શીકા તાત્કાલીક મોકલવામાં તેવી રજૂઆત
જેને પગલે સબ-રજીસ્ટ્રાર ઓફીસ મોરબીમાં દસ્તાવેજ રજુ કરતી વખતે સૌથો મોટી સમસ્યા ઉભી થાય છે. જેમ કે પ્રતિબંધીત વિસ્તારથી 500 મીટરની ત્રિજ્યામાં કયા કયા સર્વે નંબરોનો સમાવેશ થાય છે. તે અંગે ઘણી વિસંગતતા ઉત્પન્ન થાય છે. તેથી મોરબીની સબ-રજીસ્ટ્રાર ઓફીસ દ્વારા મોરબી સીટી, વજેપર, માધાપર વગેરે વિસ્તારના તમામ દસ્તાવેજોની નોંધણીની પ્રક્રિયા સ્થગિત કરી બંધ કરી દેવામાં આવી છે. આ મુદ્દાને ધ્યાને લઇ તાત્કાલીક નિર્ણય કરવામાં આવે, જેથી સામાન્ય પ્રજાને આ તકલીફનો સામનો કરવો ન પડે અને 500 મીટરની ત્રિજ્યામાં જે-જે વિસ્તારનો સમાવેશ થાય છે. તેનુ લીસ્ટ તથા સર્વે નંબરો અંગેની માર્ગદર્શીકા મોરબીની સબ રજીસ્ટ્રાર ઓફીસમાં તાત્કાલીક અસરથી મોકલવામાં આવે તેમ રજૂઆતમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...