ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની 89 બેઠક માટે ગુરુવારે ફોર્મ પાછા ખેંચાયા પછી હવે ચિત્ર સ્પષ્ટ થયું છે. સત્તા મેળવવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકો લોકોની વચ્ચે જઈ રહ્યાં છે. આજે શુક્રવારના રોજ ટંકારા ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા. તથા ટંકારા બેઠકના ઉમેદવાર દુર્લભજી દેથરીયાના સમર્થનમાં મધ્યસ્થ કાર્યાલય, રવાપર ચોકડી મોરબી ખાતે સભાને સંબોધીત કરી હતી. ઝૂલતા પુલની દુર્ઘટનાને પગલે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું ખેસ પહેરાવી સાદાઈથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
છેવાડાના માનવી સુધી પાયાની સવલત
મહર્ષિ દયાનંદ સરસ્વતીની ભૂમિ કહીને સંબોધન શરુ કરતાં કહ્યું હતું કે, ચુંટણીમાં જાત જાતની વાતો સાંભળવા મળે તેના પરથી આપણે મતદાન કરતા હોઈએ કોઈનો વિશ્વાસ કેળવવો અને વિશ્વાસ કેળવ્યા પછી ટકાવી રાખવો એ અગત્યની વાત છે. આ સાથે નામ લીધા વિના કોંગ્રેસ પર પ્રહારો કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ગુજરાતની તકલીફોને લાંબા સમય સુધી જેણે શાસન કર્યું એ દૂર ન કરી શક્યા એટલે ગુજરાતે ભાજપને શાસન પર બેસાડ્યા. જે દિવસે PM મોદીએ શાસનની ધુરા સંભાળી તેમણે વિકાસની રાજનીતિ અપનાવી. તેનું ઉદારહણ આજે ગુજરાત નિહાળી રહ્યું છે. બે દાયકા પહેલા પાણી, વિજયી, આરોગ્ય, ધંધા-રોજગાર સહિતની પાયાની સવલતોનો અભાવ હતો. તેમાંય લાઈટ અને પાણીના અભાવે ખેડૂતોને ઘણી તકલીફ વેઠવી પડી હતી. ગુજરાતમાં છેવાડાના માનવી સુધી પાયાની સવલત મળે એ માટે PM મોદીએ કવાયત શરુ કરી હતી અને આજે ઘરે ઘરે પાણી અને વિજળીની સવલતો મળે છે.
આજે વિશ્વાસ સાથે ફરીથી આપની પાસે આવ્યા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં જે ફેરફાર થયા તે દેશ અને દુનિયા જોઈ રહી છે. વિશ્વાસને ટકાવી રાખી પ્રજાને પડતી મુશ્કેલી કેમ દૂર કરી શકાય તેના માટે હંમેશા વિચાર કરી કામ શરુ કર્યું હતું. નાના ગામોને જોડતાં રસ્તાનો પણ એક સમયે અભાવ હતો ત્યારે PM મોદીએ નવા રોડ-રસ્તા બનાવ્યા, આરોગ્ય સુવિધાઓ આપી આજે દરેક જિલ્લા, તાલુકામાં ધંધા-રોજગાર યોગ્ય રીતે ચાલે છે. ખેડૂત ખેતીથી ખુશ છે. ઘણાં રાજ્યોમાં તો રોડ-રસ્તાનું જેટલું નેટવર્ક નથી તેનાથી મોટું તો નેટવર્ક ગુજરાતની કેનાલમાં બનાવ્યું છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, એક સમયે 21 યુનિવર્સીટી હતી આજે 103 યુનિવર્સીટી થઈ છે. આ બધુ ગુજરાતની પ્રજાએ ભાજપ પર મુકેલા વિશ્વાસના કારણે થયું છે. આજે 2022માં પણ એ વિશ્વાસ સાથે ફરીથી આપની પાસે આવ્યા છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.