ઉદ્યોગ:સાઉદી અરેબિયામાં એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી સામે સિરામિક ઉદ્યોગની રિવ્યૂ પિટિશન

મોરબી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભારતીય ઉત્પાદનો પર 43 ટકા ડ્યૂટી લાગે તો નિકાસ પર ગંભીર અસર પડી શકશે

સિરામિક ઉદ્યોગની લોકડાઉનના કારણે પરિસ્થિતિ કફોડી બની છે. ત્યારે બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ કપરી સ્થિતિ સર્જાતા ઉદ્યોગની દશા વધુ ખરાબ થઈ છે. સાઉદી અરેબિયામાં ભારતીય સિરામિક ઉત્પાદનની આયાત પર 43 % જેટલી તોતિંગ એન્ટી ડમ્પીંગ ડ્યૂટી લાદવામાં આવનાર છે. જેના વિરોધમાં મોરબી સિરામિક ઉદ્યોગ દ્વારા સાઉદી અરેબિયામાં રિવ્યૂ પિટિશન ફાઇલ કરવામાં આવી છે. મોરબી સિરામિક ઉદ્યોગ દ્વારા વિશ્વના 20 થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવે છે. પરંતુ હાલમાં સાઉદીમાં ભારતીય ઉત્પાદનની આયાત પર 42.9 % જેટલી એન્ટી ડમ્પીંગ ડ્યૂટી લાદવામાં આવી છે. જોકે સ્થાનિક ગેઝેટના ઉલ્લેખ મુજબ આગામી 6 જૂનથી આ ડ્યૂટી લાગુ પાડવામાં આવશે. આ અંગે સિરામિક એસોસિએશન દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. પરંતું નિવેડો ન આવતા ઉદ્યોગકારોની બેઠકમાં નક્કી થયા મુજબ સાઉદી અરેબિયામાં મોરબી સિરામીક એસોસીએશન તથા અન્ય પાંચ કંપનીઓ દ્વારા રિવ્યૂ પિટિશન દાખલ કરાઇ છે.

તો સાઉદીમાં થતી નિકાસ 30 ટકા ઘટે
આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે સાઉદી દેશોમાં મોરબીના સિરામિક ઉદ્યોગના કુલ નિકાસની  ૧૫% જેટલું નિકાસ થાય છે. જે રકમ અંદાજે ૫૦૦૦ કરોડની થાય છે. અને તેમાંથી ૧૦ કરોડ ડોલરનો નફો મળે છે. જો આ ડ્યૂટી લાગે તો સાઉદી દેશોમાં થતી નિકાસમાં ૩૦% જેટલો ઘટાડો આવી શકે છે. જે માલ ડોમેસ્ટિક માર્કેટમાં વેચવો પડે. જેનાથી સિરામિક ઉત્પાદનની કિંમતમાં પણ ઘટાડો આવે અને ઉદ્યોગને ખુબ મોટું નુકશાન જાય એટલું જ નહીં, દેશને મળતા હુંડિયામણમાં પણ મોટો ઘટાડો આવી જાય.

અન્ય સમાચારો પણ છે...