સિરામીક ઉદ્યોગમાં વિશ્વના અનેક દેશને ટક્કર આપી વૈશ્વિક સિરામિક ક્લસ્ટર તરીકે ઉભરી આવેલા મોરબીના સિરામીક ઉદ્યોગ પાસેથી ગુજરાત ગેસ કંપનીએ જાણે ઉઘાડી લૂંટ શરૂ કરી હોય તેમ ગેસના ભાવમાં આડેધડ વધારા ઝીંકી રહી હોઇ, પોતાની મનમાની ચલાવતી હોવાથી સિરામીક ઉદ્યોગકારોએ નવું હથિયાર લાવવાની વિચારણા કરી છે અને સિંગાપોરની ચી એનર્જી કંપની સાથે જોડાણ કરવા તૈયારી કરી લીધી છે.
ગુજરાત ગેસના વર્તમાન ભાવથી અનેક ગણા નીચા ભાવે એટલે કે માત્ર રૂપિયા 45 ના ભાવે ઓમાનથી આઇએસઓ કન્ટેનર મારફતે ગેસ પૂરો પાડવા કંપની દ્વારા લાંબા ગાળા માટે આયોજન કરાયું છે અને પ્રથમ બેઠક સફળ રહી હોવાનું મોરબી સિરામીક એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાત ગેસ કંપની દ્વારા પાઈપલાઈન નેચરલ ગેસમાં સત્તત ભાવ વધારો ચાલુ રાખતા હાલમાં ગેસના ભાવ બમણા જેટલા થઇ ગયા છે. ગેસના ભાવ વધવાથી પ્રોડક્શન કોસ્ટ ખુબ જ ઉંચી જતી રહેતા હાલમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં મોરબીના સિરામિક ઉદ્યોગને અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ બનતા છેલ્લા લાંબા સમયથી સસ્તા વિકલ્પની શોધ ચાલુ હતી જેમાં સિંગાપોરની ચી એનર્જી નામની એલએનજી સપ્લાયર્સ કંપનીએ રસ દાખવતા ગઈકાલે સિરામિક એસોસીએશનના અગ્રણીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.
સિંગાપોરની એનર્જી કંપની સાથેની પ્રથમ બેઠકમાં કંપનીના એક્ઝિક્યુટીવ દ્વારા આઇએસઓ કન્ટેનર દ્વારા ડાયરેક્ટ ઓમાનથી 25 ટન કેપેસિટીવાળી ટેન્ક કન્ટેનર મારફતે પ્રવર્તમાન આંતરરાષ્ટ્રીય કિંમતને ધ્યાને લેતા રૂપિયા 45 પર ક્યૂબીકના ભાવે ગેસ સપ્લાય કરવા અને એ પણ લાંબાગાળા સુધી ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવના વધઘટ મુજબ ગેસ પૂરો પાડવા ખાતરી આપી છે.
આર્થિક મંદીમાં સસ્તા વિકલ્પની શોધ જરૂરી છે
સિરામિક ઉદ્યોગ પણ મંદીનો સામનો કરી રહ્યો છે. આ સંજોગોમાં ગેસના ભાવવધારાને કારણે પ્રોડક્શન કોસ્ટ ઉંચી જતા ભારતના કટ્ટર હરીફ એવા ચીન સામે વૈશ્વિક બજારમાં ઉભું રહેવા માટે સસ્તા ઇંધણનો વિકલ્પ શોધવો અત્યંત જરૂરી હતો. જેથી સીંગાપોરની ચી એનર્જી કંપની સાથે આ અંગે બેઠક યોજી હતી. તેઓએ આ બાબતમાં રસ દાખવ્યો છે આગામી દિવસોમાં ફરી બેઠક કરી આગળ વાતચીત કરાશે. - મુકેશ કુંડારિયા, સિરામિક એસો. પ્રમુખ
આગામી 15 દિવસમાં ફરી યોજાશે બેઠક
સિંગાપોરની કંપની સાથે આગામી 15 દિવસમાં ફરી મિટિંગ યોજાશે અને આ મિટિંગ બાદ મોરબીના 50 ટકાથી વધુ સિરામિક એકમો ગુજરાત ગેસથી સસ્તાભાવે એલએનજી ગેસ પૂરો પાડનાર ચી એનર્જી કંપની સાથે જોડાશે તેવી સિરામિક ઉદ્યોગકારોએ આશા વ્યક્ત કરી છે.આ બેઠકમાં મોરબી સિરામીક એસોસીએશનના પ્રમુખ વિનોદભાઈ ભાડજા, કિરીટભાઈ પટેલ તેમજ અન્ય કમિટી મેમ્બર પણ જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.