ત્રિપાંખિયા જંગથી મતોનું વિભાજન:હાર- જીતની કહાની ઉમેદવારની જુબાની

મોરબી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબી જિલ્લાની ત્રણે બેઠક પર મુખ્ય પક્ષોએ પાટીદારોની જ મહત્તમ પસંદગી કરી હતી અને સમાજ વચ્ચ્ે જ મહદંશે જંગ ખેલાયો હતો. જો કે ઝુલતા પુલ દુર્ઘટના અને કોરોના કાળમાં થયેલી કામગીરીનો ફાયદો ભાજપને અને કાંતિલાલને મળ્યો તો બીજી તરફ આપની એન્ટ્રીના લીધે મત વિભાજીત થયા અને તેનું નુકસાન ભાજપને નહીં કોંગ્રેસને થતાં 2017ની તુલનામાં સમગ્ર ચિત્ર પલટાઇ ગયું અને ભાજપે ત્રણે બેઠક આંચકી લીધી છે અને વાંકાનેરમાં તો આપના ઉમેદવારને કોંગ્રેસના ઉમેદવાર નજીક મત મળ્યા છે. જે પરિણામ ચોંકાવનારા છે.

મોરબી માળિયા : ​​​​​​​અટકેલા કામ પૂરા કરવાની બાબતને પ્રાયોરિટી આપીશ: કાંતિલાલ
મોરબીના અટકેલા વિકાસ કામ પુરા કરવાની બાબતને પ્રાયોરિટી આપીશ. ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે મોરબી ફરતે રીંગરોડ, ઓવરબ્રિજના કામ થશે.

પ્રજાના પ્રશ્નો માટે હંમેશ માટે લડતો રહીશ: જયંતી જેરાજ પટેલ
પ્રજાનો જનાદેશ અત્યારે માથે ચડાવું છું. જો કે અમને આપના લીધે થોડું નુકસાન થયું છે. વિશેષ કશું નહીં. તેમ છતાં પ્રજાની સમસ્યા માટે હું સતત લડતો રહીશ એ મારું વચન છે.

આ વિજય મારો નહીં, જનતા જનાર્દનનો છે: દુર્લભજી દેથરિયા
ટંકારા બેઠકના તમામ પ્રજાજનો જીત્યા છે. જીતનો ખરો યશ પાયાના કાર્યકર્તા, હોદેદારોની મહેનતને જાય છે. પક્ષે કરેલા વાસ્તવિક કામોને લોકોએ હર્ષભેર સ્વીકાર્યા છે.જે કામ જ બોલે છે.

લોકોને ભાજપના કામ વધુ ગમ્યા હશે, જનાદેશ સ્વીકાર્ય: લલિત કગથરા
જનાદેશ જે આવ્યો તે સ્વીકારું છું અને મારી હાર પાછળનું કારણ આમ આદમી પાર્ટી છે. કાકાનું કામ બોલે છે એ સુત્ર ન ચાલ્યું કેમકે લોકોને ભાજપના કામ વધુ ગમ્યા હશે.

વાંકાનેર કુવાડવા : હિન્દુવાદી વિચારધારાના અમલથી મેં વિજય મેળવ્યો છે: જીતુ સોમાણી
છેલ્લી ત્રણ ટર્મથી કોંગ્રેસના ફાળે રહેલી આ બેઠક કબજે કરવામાં મને હિન્દુવાદી વિચારધારાએ ખુબ મદદ કરી છે અને મારા પ્રજાલક્ષી કાર્યોની લોકોએ નોંધ લીધી એ મહત્વનું છે.

હું લોકોના પ્રશ્નોને વાચા આપવા સદૈવ તત્પર રહીશ: મોહમ્મદ પીરઝાદા
સતત ત્રણ ટર્મથી કોંગ્રેસ પાસે રહેલી આ બેઠક આ વખતે છીનવાઇ, પરંતુ હું લોકોના કામ કરવાનું બંધ નહીં કરું. જ્યારે લોકોની સમસ્યા માટે મેદાને પડવું પડશે ત્યારે હું તૈયાર જ હોઇશ.

અન્ય સમાચારો પણ છે...